૪૫% ભારતીયો ઈચ્છે છે કે મોદી સરકાર અમેરિકા પર વળતા ટેરિફ ઝીંકે
નવી દિલ્હી, અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારતીય ઉત્પાદનો પર લાદવામાં આવેલા ૫૦% સુધીના ટેરિફ સામે ભારતીય જનતાનો મિજાજ ગરમ જોવા મળી રહ્યો છે.
એક સર્વે અનુસાર, ૪૫% ભારતીયો ઈચ્છે છે કે મોદી સરકાર અમેરિકા પર વળતા ટેરિફ લાદીને ટ્રમ્પની નીતિઓનો સણસણતો જવાબ આપે. માત્ર ૬% લોકો જ એવું માને છે કે ભારતે ટ્રમ્પની શરતો સ્વીકારી લેવી જોઈએ, જ્યારે ૩૪% ઉત્તરદાતાઓ જીએસટીમાં ઘટાડો કરીને સ્થાનિક ઉદ્યોગોને રાહત આપવાની તરફેણમાં છે.અમેરિકા સાથેના તણાવ વચ્ચે ભારતે યુરોપિયન યુનિયન સાથે મુક્ત વ્યાપાર સમજૂતી પૂર્ણ કરીને મોટું આર્થિક વિજય મેળવ્યું છે.
આ સમજૂતી હેઠળ, ભારતની ૯૯% નિકાસને યુરોપના ૨૭ દેશોના બજારમાં ડ્યુટી-ફ્રી પ્રવેશ મળશે. આ કરારથી કાપડ, ચામડું, ફૂટવેર અને જેમ્સ-જ્વેલરી જેવા શ્રમ-પ્રધાન ક્ષેત્રોને અંદાજે ૩૩ બિલિયન ડોલરનો સીધો ફાયદો થવાની ધારણા છે. બદલામાં ભારત યુરોપથી આવતી લક્ઝરી કાર, વાઈન અને હાઈ-ટેક મશીનરી પરની આયાત જકાત ઘટાડશે.
વિદેશ મંત્રી એસ. જયશંકર આવતા સપ્તાહે ૪ ફેબ્›આરીએ વોશિંગ્ટનની મુલાકાતે જઈ રહ્યા છે, જ્યાં તેઓ અમેરિકન સમકક્ષ માર્કાે રુબિયો સાથે મુલાકાત કરશે. આ મુલાકાત દરમિયાન ભારત અને અમેરિકા વચ્ચે લાંબા સમયથી લંબિત ટ્રેડ ડીલ પર કોઈ મોટો નિર્ણય આવી શકે છે.
ભારત પહેલેથી જ રશિયન તેલની આયાત ઘટાડીને અમેરિકાને હકારાત્મક સંકેતો આપી રહ્યું છે, પરંતુ જો ટ્રમ્પ ટેરિફ ઘટાડવાનો ઇનકાર કરશે, તો ભારત પાસે પણ વળતા પગલાં લેવા માટે જનતાનું મજબૂત સમર્થન છે.નિષ્ણાતોના મતે, યુરોપ સાથેનો આ કરાર ભારત માટે ગેમ ચેન્જર સાબિત થશે, કારણ કે તે અમેરિકા પરની નિર્ભરતા ઘટાડશે અને નિકાસ માટે નવું અને મોટું માર્કેટ પૂરું પાડશે.
પીએમ મોદીએ પણ આ સમજૂતીને ‘મહત્વાકાંક્ષી ભારત’ માટેની સીમાચિહ્નરૂપ સિદ્ધિ ગણાવી છે. સર્વેમાં ૫૪% લોકોનું માનવું છે કે ટ્રમ્પના બીજા કાર્યકાળમાં ભારત-અમેરિકાના સંબંધો વણસ્યા છે, જે વિદેશ નીતિ સામે નવા પડકારો ઊભા કરી રહ્યા છે.SS1MS
