Western Times News

Gujarati News

સગીરા સાથે દુષ્કર્મ શાળાના મહિલા પ્રમુખના પતિની ધરપકડ કરાઈ

સુરત, ડાંગ જિલ્લામાં માનવતા અને શિક્ષણ જગતને લજવતી એક શરમજનક ઘટના સામે આવી છે. એક આશ્રમશાળામાં ૧૫ વર્ષીય સગીરા પર આશ્રમશાળાના મહિલા પ્રમુખના જ પતિએ દુષ્કર્મ ગુજારતા ખળભળાટ મચી ગયો છે.

આ ગુનામાં મદદ કરનાર રસોઈકામ કરતી મહિલા અને મુખ્ય આરોપી પ્રફુલ નાયક સામે પોલીસે પોક્સો હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.પીડિતાની માતાએ નોંધાવેલી પોલીસ ફરિયાદ અનુસાર, આશ્રમમાં રસોઈકામ કરતી મહિલાએ ૧૫ વર્ષીય વિદ્યાર્થિનીને રસોડામાં કામ હોવાનું બહાનું બતાવી બોલાવી હતી. સગીરાને વિશ્વાસમાં લઈને રસોઈયાએ પાણીના ગ્લાસમાં કોઈ નશીલી કે કેફી વસ્તુ ભેળવીને તેને પીવડાવી દીધુ હતું.

કેફી પીણું પીધા બાદ સગીરા બેભાન જેવી અવસ્થામાં આવી ગઈ હતી.સગીરા જ્યારે બેભાન જેવી અવસ્થામાં હતી, ત્યારે આશ્રમશાળાના મહિલા પ્રમુખનો પતિ પ્રફુલ નાયક તેને રૂમમાં લઈ ગયો હતો. ત્યાં તેણે સગીરાની લાચારીનો લાભ ઉઠાવીને દુષ્કર્મ આચર્યું હતું.

આ ઘટના બાદ ડરેલી સગીરાએ હિંમત ભેગી કરી સમગ્ર આપવીતી પોતાની માતાને જણાવી હતી.માતાએ તાત્કાલિક આશ્રમમાં પહોંચી તપાસ કર્યા બાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આરોપીઓ સામે દુષ્કર્મ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

હાલ પોલીસે મુખ્ય આરોપી પ્રફુલ નાયકની ધરપકડ કરી લીધી છે. જ્યારે આ કૃત્યમાં મદદ કરનાર રસોઈકામ કરતી મહિલાને પકડવા માટે તજવીજ હાથ ધરી છે.ઉલ્લેખનીય છેકે, આશ્રમશાળા જેવી સંસ્થા, જ્યાં વાલીઓ પોતાની દીકરીઓને સુરક્ષિત સમજીને મોકલે છે, ત્યાં જ આવું કૃત્ય આચરતા લોકોમાં નારાજગી ફેલાઈ છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.