મહાશિવરાત્રી મેળાના સુચારૂ આયોજન અંગે સાધુ-સંતો અને વહીવટી તંત્ર સાથે મહત્વની બેઠક યોજાઈ
આ વર્ષનો ભવનાથ મહાશિવરાત્રી મેળો અત્યાર સુધીનો સૌથી ભવ્ય અને યાદગાર મેળો બનશે: નાયબ મુખ્યમંત્રી
• સાધુ સંતોના આગમનને વધુ ભવ્ય બનાવવા તા. ૧૧ ફેબ્રુઆરીએ સૌ પ્રથમવાર અલૌકિક નગર પ્રવેશ સાથે નગરયાત્રા નીકળશે
• પવિત્ર નાગા સાધુઓની રવેડીનો રૂટ લંબાવવામાં આવ્યો: રવેડી રૂટમાં ૫૦૦ મીટરનો વધારો કરીને ૨ કિ.મી રૂટ કરાયો: રવેડીના દર્શનનો લાભ મહત્તમ શ્રદ્ધાળુઓ લઈ શકશે
• સમગ્ર રૂટ ઉપર ભક્તિમય વાતાવરણ સાથે ભગવાન ભોલેનાથની થીમ પર સુશોભન કરાશે
• શાહી સ્નાન સમયે મહાશિવરાત્રી મેળાનું લાઈવ સ્ટ્રીમીંગ કરવામાં આવશે
જૂનાગઢમાં ગીરનારની તળેટીમાં યોજાતા વિશ્વ પ્રસિદ્ધ મહાશિવરાત્રી મેળાના સુચારૂ આયોજન માટે આજે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં સાધુ-સંતો અને વહીવટી તંત્ર સાથે મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સાધુ સંતો અને શ્રદ્ધાળુઓની સુવિધાઓ માટે અનેક નિર્ણયો લેવામાં આવ્યાં હતા.
આગામી તા. ૧૧ થી ૧૫ ફેબ્રુઆરી દરમિયાન યોજાનાર આ મહાશિવરાત્રી મેળાને વધુ યાદગાર અને ભવ્ય બનાવવા માટે આ વર્ષે પ્રથમવાર સાધુ સંતોના નગર પ્રવેશ સાથે અલૌકિક નગરયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. તા. ૧૧ ફેબ્રુઆરીએ સાંજે તમામ સાધુ સંતોના આગમન સમયે તેમનું ભવ્ય સ્વાગત કરવા ભવ્યાતિભવ્ય નગરયાત્રા નીકળશે.
મહાશિવરાત્રી મેળા અંગે વિગતે માહિતી આપતા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં આ વર્ષનો મેળો અત્યાર સુધીનો સૌથી મોટો અને યાદગાર મેળો બની રહેશે.
જૂનાગઢમાં યોજાતા ‘મીની કુંભ’ મહાશિવરાત્રી મેળામાં પધારતા સાધુ સંતો અને શ્રદ્ધાળુઓને આવકારવા વહીવટી તંત્ર સજ્જ છે. શ્રદ્ધાળુઓની આસ્થાને ધ્યાનમાં રાખીને દર વર્ષે રવેડી રૂટ ૧.૫ કિ.મી. નો હોય છે જેમાં ૫૦૦ મીટરનો વધારો કરીને આ વર્ષે ૨ કિ.મી કરવામાં આવ્યો છે, જેથી પવિત્ર નાગા સાધુઓની રવેડીના દર્શનનો મહત્તમ શ્રદ્ધાળુઓને લાભ મળી શકે.
નાયબ મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, સરકાર દ્વારા આ વર્ષે મેળામાં આવતા લાખો શ્રદ્ધાળુઓ માટે ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવશે. દર વર્ષે અંદાજે ૧૬૦૦ પોલીસ જવાનોને ફરજો સોંપવામાં આવે છે જેની સંખ્યા વધારીને આ વર્ષે ૨૯૦૦થી વધુ કરવામાં આવી છે. મેળામાં કોઈપણ અનીચ્છનીય બનાવ ન બને તે હેતુથી સમગ્ર વિસ્તારમાં CCTV કેમેરા દ્વારા સતત દેખરેખ રાખવામાં આવશે. આ ઉપરાંત પાર્કિંગ, અવર જવરના રસ્તાઓ, રહેવાની સુવિધા માટે ડોર મેટરી જેવી અનેક વ્યવસ્થાઓ કરવામાં આવી છે.
રાજ્ય સરકારના ટૂરિઝમ વિભાગ દ્વારા સમગ્ર રૂટનું ભગવાન ભોલેનાથની થીમ પર સુશોભન કરવામાં આવશે. જૂનાગઢ શહેરને પણ રોશનીથી શણગાર કરવામાં આવશે. સમગ્ર રૂટમાં અનેક સેલ્ફી પોઈન્ટ, ઈન્ફોર્મેશન સેન્ટર પણ મુકવામાં આવશે. આ ઉપરાંત શાહી સ્નાન સમયે મહાશિવરાત્રી મેળાનું લાઈવ સ્ટ્રીમીંગ પણ કરવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું.
શ્રી સંઘવીએ કહ્યું હતું કે, આ વર્ષે જૂનાગઢ પોલીસ દ્વારા પ્રથમવાર ૧,૦૦૦ થી વધુ સ્થાનિક યુવાનોને વોલેન્ટિયર તરીકે જોડી મેળાની વ્યવસ્થામાં સામેલ કરવામાં આવશે. ૩૦૦ થી વધુ સામાજિક સંસ્થાઓ દ્વારા ભાવિકો માટે ઉતારા અને ભોજન (પ્રસાદ)ની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. મેળાના રૂટ પર શુધ્ધ પીવાના પાણીની તથા સ્વચ્છ શૌચાલયની વ્યવસ્થા કરવામાં આવી છે. આ બેઠકમાં મહાશિવરાત્રી મેળા સંદર્ભે તૈયાર કરવામાં આવેલા ગીતનું પણ લોન્ચીંગ કરવામાં આવ્યું હતું.
ભવનાથના આંગણે યોજાતા ભક્તિ અને શ્રદ્ધાના આ પર્વમાં રાજ્ય સહિત દેશભરના સાધુ-સંતો અને શ્રદ્ધાળુઓને સહભાગી થવા નાયબ મુખ્યમંત્રીશ્રીએ નિમંત્રણ પાઠવ્યું છે. સાથે જ સ્થાનિક નાગરિકોને મેળામાં આવતા શિવભક્તોનું ઉમળકાભેર સ્વાગત કરવા અને વ્યવસ્થા જાળવવામાં સહયોગ આપવા વિનંતી કરી છે.
આ બેઠકમાં યુવક સેવા અને સાંસ્કૃતિક રાજ્ય મંત્રી ડૉ.જયરામ ગામીત, સાધુ સંતશ્રીઓ, જૂનાગઢ જિલ્લાના પદાધિકારીશ્રીઓ, યાત્રાધામ તેમજ પ્રવાસન વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ સહિત જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્રના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
