રહસ્યમય રીતે ગુમ ગાંધીનગરના બિલ્ડર પુત્રની લાશ કડી નજીકથી મળી
પ્રતિકાત્મક
૧૩ દિવસ પહેલાં જ પરણેલા યુવાનના અકાળે મોતથી પરિવારમાં ભારે શોક
ગાંધીનગર, ગાંધીનગર નજીક સુઘડ ગામે રહેતા અને બિલ્ડરનો પુત્ર ઋષભ પટેલ રપ જાન્યુઆરીએ રહસ્યમય રીતે ગુમ થયો હતો. તે પછી તેની લાશ કડી પોલીસ મથકની હદમાંથી મળી આવતા ચકચાર મચી ગઈ છે. ૧૩ દિવસ પહેલા જ પરણેલા યુવાનના અકાળે મોતથી પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.
ઋષભના નાના ભાઈ આર્યન પ્રવીણભાઈ પટેલે તા.રપમીએ ડભોડા પોલીસમાં ગુમ થયા અંગેની જાણવાજોગ ફરિયાદ નોંધાવી હતી. જાણવાજોગ મુજબ રપ જાન્યુઆરીના રોજ બપોરે ૧ર.૩૦ વાગ્યે ઋષભ કરાઈ ખાતે પોતાની કન્સ્ટ્રકશન સાઈટ પર જવા ઘરેથી નીકળ્યો હતો. સાંજે સાડા ચાર વાગ્યે તેણે તેની કાર સર્વિસમાં આપી હોવાથી લેવા જવાની હતી.
આર્યને સાંજે ફોન કર્યો ત્યારે ઋષભે કહ્યું હતું કે, તે સીધો લગ્નપ્રસંગમાં પહોંચશે, જોકે સાંજે સાડા છ વાગ્યા બાદ તેનો મોબાઈલ ફોન સ્વિચ ઓફ થઈ ગયો હતો અને તે ઘરે પરત ફર્યો નહોતો.
બાદમાં તેની શોધખોળ દરમિયાન રાયપુર ગામની સીમમાં નર્મદા કેનાલ પાસે બહુચર પાન પાર્લર નજીકથી ઋષભની હુન્ડાઈ ક્રેટા કાર અને મોબાઈલ ફોન મળી આવ્યા હતા. તેમાં દાગીના, મોબાઈલ, રોકડ અને એક સ્યૂસાઈડ નોટ મળી હતી. પાંચ દિવસની શોધખોળ બાદ કડી પોલીસ સ્ટેશનની હદમાં એક યુવકનો મૃતદેહ મળ્યો હતો જેની ઓળખ ઋષભ પટેલ તરીકે થઈ છે.
સ્યૂસાઈડ નોટમાં પ૦ લાખની લેતીદેતીમાં તેને કેટલાક શખ્સોએ માર માર્યો હોવાનો ઉલ્લેખ છે. બીજી તરફ કડી પોલીસે ઋષભની હત્યા થઈ છે કે તેણે આત્મહત્યા કરી છે તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પોસ્ટમોર્ટમના રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ બહાર આવશે. રાયપુર પાસે કાર મળી અને તે પછી કડી વિસ્તારમાં મૃતદેહ મળવો આ બંને ઘટના વચ્ચે કડીઓ જોડવા પોલીસ સીસીટીવી કૂટેજ અને કોલ ડિટેઈલ્સની પણ તપાસ કરી રહી છે.
