ભારતના સૌથી વધુ ટોલ ટેક્સ ચુકવતા 7 રાજ્યો કયા છે?
ગુજરાતમાં વાહનચાલકોએ ૩ વર્ષમાં રૂ. ૧૬૦૦૦ કરોડનો ટોલ ટેક્સ ચૂકવ્યો
(એજન્સી)અમદાવાદ, ગુજરાતમાં છેલ્લા ૩ વર્ષમાં ફાસ્ટેગ આધારિત ટોલ વ્યવહારમાં નોંધપાત્ર વધારો થયો છે. છેલ્લા ૩ વર્ષમાં ગુજરાતમાં વાહનચાલકોએ ટોલટેક્સ પેટે ૧૬ હજાર કરોડ રૂપિયાથી વધુ ચૂકવ્યા છે. જેમાં વર્ષ ૨૦૨૩માં ૪૭૯૪ કરોડ રૂપિયા, વર્ષ ૨૦૨૪માં ૪૯૧૯ કરોડ રૂપિયા અને વર્ષ ૨૦૨૫માં ૬૪૧૮ કરોડ રૂપિયાના ટોલટેક્સનો સમાવેશ થાય છે.
ફાસ્ટેગના ઉપયોગમાં વૃદ્ધિ-આ સ્થિતિએ ગુજરાતમાંથી વર્ષ ૨૦૨૩માં ૧૩.૧૪ કરોડ રૂપિયા, ૨૦૨૪માં ૧૩.૪૪ કરોડ રૂપિયા અને ૨૦૨૫માં ૧૭.૫૮ કરોડ રૂપિયાનો ટોલટેક્સ પ્રતિ દિવસે ચૂકવ્યો છે. પ્રતિ દિવસના સરેરાશ ટોલટેક્સમાં વર્ષ ૨૦૨૩ની સરખામણીએ વર્ષ ૨૦૨૫માં ૩૪ ટકાનો વધારો થયેલો છે. વર્ષ ૨૦૨૩માં કાર-જીપ-વાન જેવા વાહનના ચાલકો દ્વારા ૭૨૪ કરોડ રૂપિયા, ૨૦૨૪માં ૭૪૪ કરોડ રૂપિયા અને ૨૦૨૫માં ૯૨૪ કરોડ રૂપિયાનો ટોલટેક્સ ચૂકવેલો છે.
જાણકારોના મતે, વર્ષ ૨૦૨૪ સુધી વૃદ્ધિ સ્થિર રહી હતી. પરંતુ ૨૦૨૫માં થયેલા વ્યાપક વધારા માટે ફાસ્ટેગના ઉપયોગમાં વૃદ્ધિ, હાઇવે ટ્રાફિક-આર્થિક પ્રવૃત્તિમાં તેજી, વાહનચાલકોમાં ડિજિટલ ટોલ સિસ્ટમ પ્રત્યે વધતી સ્થિરતા દર્શાવે છે.
ટૂંકમાં કહેવામાં આવે તો ગુજરાતમાં ફાસ્ટેગના વ્યવહારોમાં વર્ષ ૨૦૨૫માં ૩૦ ટકાથી વધુનો ઉછાળો તે આર્થિક ગતિશીલતાનું સ્પષ્ટ સૂચક છે. દરમિયાન પેટ્રોલિયમ પ્રોડક્ટ્સથી સેલ્સ ટેક્સ-વેટ પેટે ગુજરાતમાંથી ૨૦૨૪-૨૪માં ૨૪,૫૮૬ કરોડ રૂપિયાની રકમ ચૂકવાઇ હતી. આ સ્થિતિએ ૨૦૨૦-૨૧ની સરખામણીએ ૨૦૨૪-૨૫માં ૩૦ ટકાથી વધુનો વધારો નોંધાયો છે. નોંધનીય છે કે, ટોલ ટેક્સથી તોતિંગ આવક છતાં ખખડધજ રોડ છે.
ભારતના સૌથી વધુ ટોલ ટેક્સ ચુકવતા ટોપ 7 રાજ્યો
નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) ના નાણાકીય વર્ષ 2024-25 ના (ફેબ્રુઆરી 2025 સુધીના) આંકડા મુજબ આ રાજ્યો ટોચ પર છે:
| ક્રમ | રાજ્ય | ટોલ કલેક્શન (અંદાજે કરોડમાં) |
| 1 | ઉત્તર પ્રદેશ | ₹ 7,060 કરોડ |
| 2 | રાજસ્થાન | ₹ 5,967 કરોડ |
| 3 | મહારાષ્ટ્ર | ₹ 5,115 કરોડ |
| 4 | ગુજરાત | ₹ 4,874 કરોડ |
| 5 | તમિલનાડુ | ₹ 4,015 કરોડ |
| 6 | હરિયાણા | ₹ 3,000+ કરોડ (અંદાજિત) |
| 7 | કર્ણાટક | ₹ 2,800+ કરોડ (અંદાજિત) |
