Western Times News

Gujarati News

કર્ણાટકના મૈસુરથી ગુજરાતના સુરત સુધી આવતું હતું કરોડોનું ડ્રગ્સ

પ્રતિકાત્મક

પલસાણામાં ૧૦ કરોડનું MD ડ્રગ્સ ઝડપાયું -મૈસૂરમાં ચાલતી ફેક્ટરીનો પર્દાફાશ

(એજન્સી)સુરત, દેશમાં નશીલા પદાર્થોના વધતા જતા દૂષણ વિરુદ્ધ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ મોટી સફળતા મેળવી છે. સુરતના પલસાણા નજીકથી પસાર થતી એક લક્ઝુરિયસ ફોર્ચ્યુનર કારમાંથી રૂ.૧૦ કરોડની કિંમતનું ૩૫ કિલો મેફેડ્રોન ડ્રગ્સ ઝડપી પાડ્યા બાદ, આ રેકેટના છેડા કર્ણાટકના મૈસૂર સુધી પહોંચ્યા છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ મૈસૂરમાં ગુપ્ત રીતે ચાલતી ડ્રગ્સ બનાવવાની લેબોરેટરી (ફેક્ટરી) પર દરોડો પાડી આંતરરાજ્ય ડ્રગ્સ સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો છે.

ચોક્કસ બાતમીને આધારે, દ્ગઝ્રમ્ની ટીમે ૨૮ જાન્યુઆરીએ સુરત જિલ્લાના પલસાણા પાસે કર્ણાટક પાસિંગની એક ટોયોટા ફોર્ચ્યુનર કારને આંતરી હતી. કારની તલાશી લેતા તેમાંથી આશરે ૩૫ કિલોગ્રામ અત્યંત શુદ્ધ કક્ષાનું એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું. આ ઓપરેશનમાં સુરત પોલીસની પણ મદદ લેવામાં આવી હતી.

ત્યારબાદ પલસાણામાં આવેલી દાસ્તાન રેસીડેન્સી માં મુખ્ય સૂત્રધાર મહિન્દ્રા કુમાર વિશ્નોઈના મકાન પર દરોડો પાડતા ૧.૮ કિલોગ્રામ અફીણ, રૂ. ૨૫.૬ લાખની રોકડ અને મોટી માત્રામાં કેમિકલનો જથ્થો મળી આવ્યો હતો.

પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, આ ડ્રગ્સ કર્ણાટકના મૈસૂર સ્થિત હેબ્બલ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં તૈયાર કરવામાં આવતું હતું. ક્લિનિંગ કેમિકલ બનાવવાની આડમાં અહીં હાઈટેક સાધનોથી સજ્જ ડ્રગ્સની ફેક્ટરી ચલાવવામાં આવતી હતી. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ આ લેબોરેટરીને સીલ કરી ત્યાંથી ૫૦૦ કિલોથી વધુ કેમિકલ જપ્ત કર્યું છે.

મુખ્ય આરોપી મહિન્દ્રા વિશ્નોઈ રીઢો ગુનેગાર છે અને તેના વિરુદ્ધ અગાઉ રાજસ્થાન અને ગુજરાતમાં એનડીપીએસના કેસ નોંધાયેલા છે. ચોંકાવનારી વિગત એ છે કે, વિશ્નોઈએ અગાઉના કેસમાં જ્યારે તે જેલમાં હતો, ત્યારે અન્ય કેદીઓ સાથે મળીને ડ્રગ્સ બનાવવાની પ્રક્રિયા, બજારની માગ અને સપ્લાય ચેઈન વિશે માહિતી મેળવી હતી. વર્ષ ૨૦૨૪માં જામીન પર મુક્ત થયા બાદ તેણે આ ગુપ્ત લેબ શરૂ કરી હતી અને અત્યાર સુધીમાં ડ્રગ્સના અનેક કન્સાઈનમેન્ટ રાજસ્થાનમાં સપ્લાય કર્યા હોવાની કબૂલાત કરી છે.

પોલીસે આ મામલે મહિન્દ્રા વિશ્નોઈ સહિત કુલ ચાર આરોપીઓની ધરપકડ કરી છે. આ ચારેય આરોપીઓ મૂળ રાજસ્થાનના જાલોર જિલ્લાના વતની છે.
૩૫ કિલો એમડી ડ્રગ્સ (કિંમત આશરે ૧૦ કરોડ), ૧.૮ કિલોગ્રામ અફીણ, રૂ. ૨૫.૬ લાખ રોકડ, ૫૦૦ કિલોગ્રામથી વધુ કેમિકલ, ટાટા ફોર્ચ્યુનર જપ્ત કરવામાં આવ્યું છે.
હાલમાં એનસીબી આ ડ્રગ્સ કાર્ટેલના અન્ય સભ્યો અને કેમિકલ સપ્લાય કરનારાઓના મૂળ સુધી પહોંચવા તપાસ તેજ કરી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.