અકસ્માત થયા બાદ કારમાં આગ લાગતા કારમાં સવાર ત્રણ વ્યક્તિઓ ભડથું
કાર અકસ્માતમાં ત્રણ શિક્ષકો ભડથું -રાજકોટ નજીક દડવા પુલ નીચે કાર ખાબકી
(એજન્સી)રાજકોટ, ૩૦મી જાન્યુઆરીને શુક્રવારે વહેલી સવારે રાજકોટ ગ્રામ્યના આટકોટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જસદણના દડવા નજીક ફોર વ્હીલર કાર પુલ નીચે ખાબકવાની ઘટના સામે આવી હતી, જે અકસ્માતમાં કારમાં આગ લાગતા કારમાં સવાર ત્રણ વ્યક્તિઓ જીવતા ભડથું થયા હતા, જે મૃતકોની ઓળખ બે મહિલા તથા એક પુરુષ શિક્ષક તરીકે છે. ત્યારે બનાવ સંદર્ભે આટકોટ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
મળતી વિગતો અનુસાર, આશા ચૌધરી, નીતા પટેલ તેમજ પ્રયાગ બારીયા નામના શિક્ષકો આજે શુક્રવારના રોજ કારમાં સવાર થઈ આટકોટથી ગોંડલ તરફ જઈ રહ્યા હતા તે સમયે કાર પુલ નીચે ખાબકી હતી. જે બાદ જોત જોતામાં કારમાં આગ લાગી હતી. જોકે ત્રણેય શિક્ષકો કારની બહાર નીકળે તે પૂર્વે જ આખી કાર આગની લપેટમાં આવી જતા ત્રણેય શિક્ષકો કારમાં જ બળીને ભડથું થઈ ગયા હતા.
ઘટના સમયે રસ્તા પરથી પસાર થનાર રાહદારીઓએ સમગ્ર મામલે ૧૧૨ પર ફોન કરી સમગ્ર ઘટનાની જાણ કરી હતી. ત્યારે ઘટનાની જાણ થતા જ તાત્કાલિક અસરથી ૧૦૮ની ટીમ, ગોંડલ નગરપાલિકાની ફાયર વિભાગની ટીમ તેમજ આટકોટ પોલીસની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી.
બાદમાં ફાયર વિભાગની ટીમ દ્વારા આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. બાદમાં કારના દરવાજાઓ તોડીને કારમાંથી ભડથું થઈ ગયેલા શિક્ષકોની લાશને સૌપ્રથમ જસદણ પોસ્ટમોર્ટમ તેમજ ત્યારબાદ ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, છોટા ઉદેપુરના ત્રણેય શિક્ષકો પૈકી આશા ચૌધરીનો પુત્ર ગોંડલ સ્વામિનારાયણ ગુરુકુળમાં ધોરણ ૧૦માં અભ્યાસ કરે છે. પુત્રની તબિયત સારી ન હોવાથી તેને લેવા માટે પોતાના સાથી શિક્ષકો સાથે ગોંડલ આવી રહ્યા હતા. જે દરમિયાન શુક્રવારના રોજ વહેલી સવારે દુર્ઘટના ઘટી હતી.
વધુમાં આ મામલે પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ પણ તપાસવામાં આવ્યા હતા.
જેમાં અકસ્માતગ્રસ્ત કાર આટકોટથી ગોંડલ તરફ જઈ રહી હોવાનું સામે આવ્યું હતું. સંભવતઃ કાર ચાલક દ્વારા સ્ટેરીંગ પર કાબુ ગુમાવતા સમગ્ર ઘટના બની હોવાનું જણાઈ રહ્યું છે. સવારના સમયે ધુમ્મસ ભર્યું વાતાવરણ તેમજ કાર ચાલકની બેદરકારીના કારણે અકસ્માતની ઘટના ઘટિત થઈ હોવાનું જણાઈ રહ્યું છે. ત્યારે બનાવ સંદર્ભે આટકોટ પોલીસ દ્વારા મૃતકના પરિવારજનોને જાણ કરવામાં આવી છે.
