રાયખડમાં માતાજીનો ચાંદીનો મુગટ ચોરી જતી મહિલા CCTVમાં કેદ
(એજન્સી)અમદાવાદ, અમદાવાદના રાયખડ વિસ્તારમાં આવેલી ઐતિહાસિક શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરમાં ચોરીની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ભક્ત બનીને આવેલી એક અજાણી મહિલા પાર્વતી માતાજીના સ્થાનકમાંથી ચાંદીનો મુગટ ચોરી કરી ફરાર થઈ ગઈ છે. આ સમગ્ર મામલે મંદિરના ટ્રસ્ટીએ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી અનુસાર, ૧૫મી ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ સાંજના સમયે મંદિરના પૂજારી રોજિંદી સાફ-સફાઈ કરી રહ્યા હતા. આ દરમિયાન પૂજારીની નજર પાર્વતી માતાજીના સ્થાનક પર પડી, જેનો કાચનો દરવાજો ખુલ્લો હતો. પૂજારીએ અંદર તપાસ કરતા માતાજીના માથા પર બિરાજમાન ચાંદીનો મુગટ ગાયબ હતો. આસપાસ તપાસ કરવા છતાં મુગટ ન મળતા તાત્કાલિક મંદિરના ટ્રસ્ટીને જાણ કરવામાં આવી હતી.
શરૂઆતમાં જ્યારે સીસીટીવી ચેક કરવામાં આવ્યા ત્યારે ડીવીઆર બંધ હોવાથી ચોરીના દ્રશ્યો મળી શક્યા નહોતા. જોકે, ટ્રસ્ટીએ તાત્કાલિક ટેકનિશિયન બોલાવી ડીવીઆર રિપેર કરાવ્યું અને ફૂટેજ તપાસતા ચોંકાવનારી વિગતો બહાર આવી.
૧૨મી ડિસેમ્બર ૨૦૨૫ના રોજ એક અજાણી મહિલા દર્શન કરવાના બહાને મંદિરમાં પ્રવેશી હતી. આ મહિલાએ ભક્ત હોવાનો ઢોંગ કર્યો અને તક મળતા જ માતાજીના સ્થાનકનો કાચનો દરવાજો ખોલી મુગટ ચોરી લીધો હતો. આ દ્રશ્યો સીસીટીવી કેમેરામાં સ્પષ્ટપણે કેદ થયા છે.
સીસીટીવી ફૂટેજમાં દેખાતી મહિલાની ચોરી કરવાની પદ્ધતિ જોઈને એવું જણાય છે કે તે અગાઉ પણ આવી ઘટનાઓમાં સંડોવાયેલી હોઈ શકે છે. મંદિરના ટ્રસ્ટીએ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં અધિકૃત ફરિયાદ નોંધાવી છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે મહિલાની ઓળખ કરવા માટે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદ લીધી છે.
