નડીઆદઃ બાકી વેરો ન ભરતી વધુ ૪ દુકાનો સીલ કરી લાખોની વસૂલાત કરાઈ
(પ્રતિનિધિ) નડીઆદ, નડીઆદ મહાનગરપાલિકા દ્વારા બાકી મિલકત વેરાની વસૂલાત માટે ઝુંબેશ શરૂ કરવામાં આવી છે, જેના ભાગરૂપે આજે શહેરના વિવિધ વિસ્તારોમાં બાકી લેણાં ધરાવતી કુલ ૪ દુકાનોને સીલ મારી દેવામાં આવ્યા છે અને લાખો રૂપિયાની વસૂલાત હાથ ધરવામાં આવી છે.
નડીઆદ મહાનગરપાલિકા વિસ્તારમાં લાંબા સમયથી મિલકત વેરો બાકી રાખનાર મિલકત ધારકો સામે પાલિકા તંત્ર દ્વારા કડક કાર્યવાહીના ભાગરૂપે સીલિંગ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.
આ કામગીરી અંતર્ગત આજરોજ તંત્રની ટીમ દ્વારા ટી. ગોકળની ખડકી સામે આવેલા નેશનલ પ્લાઝા કોમ્પલેક્ષમાં ૧ દુકાન તેમજ સત્યમ એપાર્ટમેન્ટમાં ૧ દુકાન સીલ કરવામાં આવી છે. આ ઉપરાંત મિશન રોડ પર મિશન પોલીસ સ્ટેશનની સામે આવેલા હરિકૃષ્ણ કોમ્પલેક્ષમાં પણ ૨ દુકાનોને સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી છે. સીલ કરવામાં આવેલી આ મિલકતોની કુલ બાકી રકમ રૂ. ૧,૬૭,૫૭૮/- જેટલી થવા જાય છે.
સીલિંગની આ કાર્યવાહીની સાથે સાથે પાલિકાની ટીમો દ્વારા સ્થળ પર વસૂલાતની કામગીરી પણ જારી રાખવામાં આવી હતી. જેમાં કુલ ૬ જેટલા મિલકત ધારકો પાસેથી બાકી રહેતી રૂ. ૧,૧૫,૩૧૦/- ની રકમની સ્થળ પર જ વસૂલાત કરવામાં આવી છે. મહાનગરપાલિકાના નાયબ મ્યુનિસિપલ કમિશ્નરના માર્ગદર્શન હેઠળ આગામી દિવસોમાં પણ બાકી વેરાની વસૂલાત માટે આ પ્રકારની કડક ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે તેવું જાણવા મળે છે.
