પોલીસ ભરતીમાં દોડાતું ન હોવાથી સાથી ઉમેદવારને બંને ચીપ આપી દોડ પાસ કરવાનો પ્રયાસ
AI Image
જામનગરમાં પોલીસ ભરતીની દોડમાં બે ઉમેદવાર છેતરપિંડી કરતા ઝડપાયા
જામનગર, જામનગર પોલીસ હેડકવાર્ટર ગ્રાઉન્ડમાં પોલીસ ભરતી પ્રક્રિયા અંતર્ગત હાલ શારીરિક પરીક્ષા ચાલી રહી છે જેમાં ગ્રુપ ત્રણમાં પોતાનો વારો આવતા મૂળ ગોંડલના બેટીવડ ગામના અને હાલ ગોંડલ એસઆરપી ગ્રુપમાં નોકરી કરતા અર્જુનસિંહ જાડેજા અને તેના જ ગામના શિવભદ્રસિંહ જાડેજાએ દોડ માટે તૈયારી કરી હતી.
આ ર૦૦ ગ્રુપની દોડ પૂર્ણ થયા બાદ પરિણામ જાહેર કરવામાં આવતા ર૦૦ પૈકી અર્જુનસિંહને દોડ માટે આપવામાં આવેલી રનિંગ ચીપ રીડ ન થતી હોવાનું સામે આવ્યું હતું. જેને લઈ પરીક્ષાના ગ્રાઉન્ડ ઈન્ચાર્જ સેનાપતિ કોમલ વ્યાસે લગત એજન્સીને સાથે રાખીને ગાંધીનગર સેન્ટ્રલ કંટ્રોલ રૂમના ડેટા ચકાસવા આદેશ કર્યો હતો. જેમાં અર્જુનસિંહની ચીપ રીડ ન થતી હોવાની હકીકત સામે આવી હતી.
આ મામલે અર્જુનસિંહની પૂછપરછ કરતા સમગ્ર હકીકત બહાર આવી હતી. એસઆરપીમાં નોકરી કરતા અર્જુનસિંહથી દોડાતું ન હોવાથી તેની જ બેન્ચમાં રહેલાં તેના સાથી મિત્ર ઉમેદવાર શિવભદ્રસિંહને પોતાના પગની બન્ને ચીપ આપી દીધી હતી.
દોડ શરૂ થતાં પૂર્વે જ મિત્રને ચીપ આપી દઈને છેક બારમાં રાઉન્ડમાં પોતાના મિત્ર પાસેથી ચીપ પરત લઈ અર્જુનસિંહે દોડ પાસ કરવાનો પ્રયાસ કર્યો હતો જેને લઈને દોડ વિભાગ સંભાળતા લીવ રિઝર્વ પીઆઈ જયપાલસિંહ સોઢાએ બંને ઉમેદવાર સામે સિટી બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા બંને આરોપીઓની ધરપકડ સહિતની આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.
