Western Times News

Gujarati News

શાહીબાગ અંડરપાસ ત્રીજી વખત ૬ દિવસ બંધ કરાશે

અમદાવાદ, અમદાવાદના શાહીબાગ અંડરપાસ બુલેટ ટ્રેનની કામગીરીના પગલે શુક્રવાર (૩૦મી જાન્યુઆરી)થી ફરી છ દિવસ માટે રાત્રે વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવશે.

અગાઉ ૨૩થી ૨૮મી જાન્યુઆરી સુધી પણ બુલેટ ટ્રેનના કામ માટે બંધ કરાયો હતો. પરંતુ નિર્ધારિત સમયથી સોળેક કલાક પહેલાં જ તે રૂટ શરૂ કરી કામ સમયસર કરાતું હોવાની ગુલબાંગો પોકારી હતી. તેને હજુ બે દિવસ પણ વિત્યા ન હોય ફરી નવું કામ યાદ આવ્યું છે. નોંધનીય છે કે એક મહિનામાં ત્રીજી વખત અંડરપાસ બંધ કરાતા વાહન ચાલકોને મુશ્કેલી પડશે.

પ્રાપ્ત માહિતી અનુસાર, પિલર પર સેગમેન્ટ લગાવવાની કામગીરી પુરી થતાં તેના લેવલિંગ અને ટેકનિકલ કામના પગલે ૩૦મી જાન્યુઆરીથી ચોથી ફ્રેબુઆરી સુધી અંડરપાસ વાહન વ્યવહાર માટે બંધ કરાશે.

સુભાષ બ્રિજ પહેલાંથી જ બંધ હોવાથી આ રૂટ પર ટ્રાફિકની ભારણ વધ્યું છે. તેવામાં વારંવાર અંડરપાસ બંધ કરાતાં દિલ્હી દરવાજા, દધિચી બ્રિજ, ગાંધી બ્રિજ સહિતના રસ્તા પર વાહનોનો ધસારો વધે છે. ત્યારે હાલમાં દિલ્હી દરવાજા તથા સુભાષ બ્રિજ તરફનો ટ્રાફિક શિલાલેખ અપાર્ટમેન્ટથી રિવરફ્રન્ટ થઈ એરપોર્ટ- ગાંધીનગર તરફ જઈ શકશે.

તેમજ ગિરધરનગર- અસારવાથી એરપોર્ટ- ગાંધીનગર જવા માટે ગાયત્રી મંદિરથી આર્મી કેન્ટોટમેન્ટ સુધીનો વૈકલ્પિક રૂટ તૈયાર કરાયો છે. વારંવાર અંડરપાસમાં વાહન વ્યવહારનું સમયપત્રક બદલાતું હોવાથી વાહનચાલકો મૂંઝવણમાં મૂકાયા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.