ગેરકાયદેસર રેત ખનન કરતા ઈસમે પત્રકાર પર હુમલો કરતા પોલીસ ફરિયાદ
પ્રતિકાત્મક
ઝઘડિયાના પત્રકારે ગેરકાયદેસર રેત ખનન બાબતે રેતી માફિયા વિરુધ્ધ ફરિયાદ કરતા તેની અદાવત રાખી હુમલો કર્યો
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં લાંબા સમયથી બેરોકટોક ખનિજ ખનનની પ્રવૃત્તિ ચાલી રહી હોવાનું જગજાહેર છે.તાલુકા માંથી વહેતી નર્મદા નદીના વિશાળ પટમાં લાંબા સમયથી મોટાપાયે રેતી ઉલેચવાનું ચાલી રહ્યું છે, નદીમાં નાવડી મુકીને મશિન અને પાઈપ દ્વારા રેતી કાઢવું ગેરકાયદેસર હોવા છતાં તાલુકામાં નર્મદા કાંઠા વિસ્તારના ગામોએ આ ગેરકાયદેસર પ્રવૃત્તિ બેરોકટોક ચાલી રહી છે.
તાલુકામાં ગેરકાયદેસર રેતી ખનન કરતા રેતી માફિયા બેફામ બની રહ્યા હોવાનું સામે આવ્યું છે,ત્યારે ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામના રહીશ પત્રકાર જયશીલભાઈ પટેલ પર એક રેતી માફિયાએ હુમલો કર્યો હોવાની ઘટના બની હતી.આ બાબતે હુમલાનો ભોગ બનનાર પત્રકારે હુમલો કરનાર ઈસમ વિરુધ્ધ ઝઘડિયા પોલીસમાં ફરિયાદ નંધાવી હતી.
મળતી વિગતો અનુસાર રાણીપુરા ગામ નજીક દેવાંગ ઉર્ફે લાલો ઈશ્વરભાઈ પાટણવાડીયા રહે.ગામ ગોવાલીનાએ ગેરકાયદેસર રીતે નર્મદા નદીમાં નાવડી મુકીને પાઈપ અને મશિન દ્વારા રેતી કાઢવાની કામગીરી કરવાની વ્યવસ્થા કરી હોવાથી પત્રકાર જયશીલભાઈ પટેલ અને રાણીપુરાના અન્ય ગ્રામજનોએ નાવડી સહિતના સામાનની તસ્વીરો લઈને સદર ઈસમ દેવાંગને ફોન કરીને આ બાબતે પુછતા તેણે ઉશ્કેરાઈને જયશીલભાઈને ગાળો દઈને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
આ બાબતે ગ્રામજનો દ્વારા ભરૂચ જિલ્લા કલેક્ટરને લેખિતમાં ફરિયાદ પણ આપવામાં આવી હતી. ત્યારબાદ જયશીલભાઇએ ગાંધીનગર ખાણખનિજ વિભાગને તેમજ ઝઘડિયા પ્રાન્ત અધિકારીને ફોનથી જાણ કરી હતી.ત્યાર બાદ ગતરોજ ખાણખનિજ વિભાગના અધિકારીઓ સ્થળ ઉપર આવ્યા હતા અને સ્થળ ઉપર પત્રકાર જયશીલભાઈ અન્ય ગ્રામજનો તેમજ મામલતદાર કચેરીના અધિકારીઓ પણ ત્યાં હાજર હતા તે દરમ્યાન દેવાંગ પાટણવાડીયા પણ ત્યાં આવ્યો હતો
અને તેણે એકદમ ઉશ્કેરાઈને સ્થળ ઉપર હાજર અધિકારીઓની સામે પત્રકાર જયશીલભાઈ પટેલ સાથે ઝપાઝપી કરીને ગળુ દબાવીને ભેખડમાં દબાવી રાખ્યા હતા.સ્થળ ઉપર હાજર લોકોએ તેમને છોડાવ્યા હતા.આ ઘટનામાં જયશીલભાઈને ઈજા થતા તેમને અવિધા સરકારી દવાખાને સારવાર માટે લઇ જવાયા હતા.હુમલાનો ભોગ બનનાર પત્રકાર જયશીલ પટેલે સદર ઈસમ દેવાંગ ઈશ્વરભાઈ પાટણવાડીયા વિરુધ્ધ ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ લખાવી હતી.
ઉલ્લેખનીય છે કે ઝઘડિયા તાલુકામાં બેફામ બનતા જતા ખનિજ માફિયાઓ પર તંત્ર કડક કારવાઈ કરે તેવી માંગ ઉઠવા પામી છે.આ સંદર્ભે ઝઘડિયા તાલુકાના પત્રકારો દ્વારા જિલ્લા કલેક્ટર તેમજ જિલ્લા પોલીસ વડાને આવેદન આપી પત્રકાર પર હુમલો કરનાર રેતી માફિયા સામે કાયદેસર કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવનાર છે.
