કોડીનારમાં ઉશ્કેરણીજનક પોસ્ટ વાયરલ કરનારો શખસ ઝડપાયો
પોલીસે આરોપી સામે ગુનો નોંધી જાહેરમાં સરઘસ કાઢી માફી મંગાવી
કોડીનાર, ગીર સોમનાથ જિલ્લામાં સોશિયલ મીડિયા મારફતે ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાની અને બે સમાજ વચ્ચે કોમી વૈમનસ્ય ફેલાવવાની પ્રવૃત્તિ સામે પોલીસે કડક વલણ અપનાવ્યું છે.
ઈન્સ્ટાગ્રામ પર ફેક આઈડી બનાવી ઉશ્કેરણીજનક અને વાંધાજનક પોસ્ટ વાયરલ કરનારા આરોપીને ઝડપી લીધો હતો. જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના મુજબ સોશિયલ મીડિયા પર સતત નજર રાખવામાં આવી રહી છે.
આ દરમિયાન કોડીનાર પોલીસ દ્વારા તપાસ હાથ ધરતા જાણવા મળ્યું હતું કે ઈન્સ્ટાગ્રામ પર ફિરોજ ખરાઈ નામના ફેક આઈડી પરથી બે કોમ વચ્ચે તણાવ ઉભો થાય તેવી પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ મામલે ગંભીરતા જોતા પોલીસ દ્વારા ટેકનિકલ તપાસ શરૂ કરવામાં આવી હતી.
ટેકનિકલ સર્વેલન્સ દ્વારા તપાસ કરવામાં આવી જેમાં મૂળ દ્વારકાનો રહેવાસી અસગર અનવર ખરાઈએ અન્ય વ્યક્તિના ખોવાયેલા સીમકાર્ડનો ઉપયોગ કરીને ફેક ઈન્સ્ટાગ્રામ આઈડી બનાવ્યું હતું અને તેમાંથી ઉશ્કેરણીજનક સામગ્રી સોશિયલ મીડિયામાં વાયરલ કરી હતી.
પોલીસે આરોપી વિરુદ્ધ આઈટી એકટની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસે મૂળ દ્વારકામાં આરોપીનું જાહેરમાં સરઘસ કાઢ્યું હતું. આ દરમિયાન આરોપીએ પોતાની કરેલી ભૂલ બદલ જાહેરમાં ઉઠક-બેઠક કરી માફી માગી હતી. ગીર સોમનાથ પોલીસે સ્પષ્ટ શબ્દોમાં સંદેશ આપ્યો છે કે સોશિયલ મીડિયા પર અફવા, ખોટી માહિતી કે કોમી ઉશ્કેરણી ફેલાવનાર કોઈપણ વ્યક્તિને કોઈપણ સંજોગોમાં છોડવામાં આવશે નહીં.
