ગુજરાત વિદ્યાપીઠ દ્વારા શહીદ દિને મહાત્મા ગાંધીને ‘સ્વચ્છાંજલિ’ અર્પણ કરાઈ
ગાંધી નિર્વાણ દિને ગુજરાત વિદ્યાપીઠમાં સમૂહ કાંતણ અને સર્વધર્મ પ્રાર્થના સાથે શહીદોને અંજલિ અપાઈ
પરિસરમાં સઘન સફાઈ અભિયાન યોજાયું: શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા વિભાગોને રોકડ પુરસ્કારથી નવાજવામાં આવ્યા
મહાત્મા ગાંધી દ્વારા સ્થાપિત અમદાવાદની ગુજરાત વિદ્યાપીઠ ખાતે ૩૦મી જાન્યુઆરી – ગાંધી નિર્વાણ દિન નિમિત્તે પૂજ્ય બાપુના સ્વચ્છતાના આદર્શોને ચરિતાર્થ કરી, ગાંધી ચીંધ્યા માર્ગે ‘સ્વચ્છાંજલિ’ અર્પી, શહીદ દિવસની સાર્થક ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે વિદ્યાપીઠના દરેક સંકુલ, ભવન અને વિભાગના સેવકો તથા વિદ્યાર્થીઓએ સક્રિયપણે જોડાઈને પોતાના કાર્યક્ષેત્ર અને આસપાસના માર્ગોની સઘન સફાઈ કરી હતી. આ સફાઈ અભિયાનનું એક વિશેષ સમિતિ દ્વારા ઝીણવટભર્યું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. જેમાં કચરા વ્યવસ્થાપન, પીવાના પાણીની સુવિધા, ધૂળમુક્ત વાતાવરણ અને શૌચાલયની સ્વચ્છતા જેવા માપદંડો ધ્યાને લેવાયા હતા.

ખાસ કરીને, સુશોભનમાં પ્લાસ્ટિક અને કૃત્રિમ રંગોના ત્યાગ તેમજ હરિત વાતાવરણની જાળવણી પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. મૂલ્યાંકનના અંતે શ્રેષ્ઠ કામગીરી બદલ ઈતિહાસ અને સંસ્કૃતિ વિભાગ, મુખ્ય કાર્યાલય અને ગુજરાત કુમાર વિનય મંદિરને વિજેતા જાહેર કરી ધનરાશી (રોકડ પુરસ્કાર) સાથે પુરસ્કૃત કરવામાં આવ્યા હતા.
શહીદ દિવસની ગરિમાપૂર્ણ ઉજવણીના ભાગરૂપે પ્રાણજીવન વિદ્યાર્થી ભવન ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સર્વધર્મ પ્રાર્થના અને ગાંધીજીના અતિ પ્રિય એવા ‘વૈષ્ણવજન’ ભજન દ્વારા અંજલિ અપાઈ હતી. આ સાથે જ વિદ્યાર્થીઓ અને સેવકો દ્વારા સમૂહ કાંતણ પણ કરવામાં આવ્યું હતું.
વહેલી સવારની પ્રાર્થના સભામાં ઉપસ્થિત બે મિનિટનું મૌન પાળી મહાત્મા ગાંધી અને દેશના અમર શહીદો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.
