પોરબંદરનુ ગોસાબારા- મોકર સાગર વેટલેન્ડ રામસર સાઇટ જાહેર થવાની તૈયારીમાં છે: અર્જુનભાઈ મોઢવાડિયા
વન અને પર્યાવરણ મંત્રીશ્રી અર્જુનભાઈ મોઢવાડિયાના અધ્યક્ષ સ્થાને પોરબંદરમાં રાજ્યકક્ષાના ૮મા આંતરરાષ્ટ્રીય વેટલેન્ડ સેમિનાર‘નો ઉદ્ઘાટન સમારોહ યોજાયો
વેટલેન્ડ્સ એ માત્ર જળાશયો નથી, પણ પૃથ્વીની જીવનરેખા છે; તેને બચાવવા એ આપણી નૈતિક ફરજ છે. – મંત્રીશ્રી અર્જુનભાઈ મોઢવાડિયા
પોરબંદરએ કુદરતી વેટલેન્ડ્સનો ખજાનો છે; આ પક્ષી અભયારણ્યો અને જળાશયોનું જતન જરૂરી છે – મંત્રીશ્રી અર્જુનભાઈ મોઢવાડિયા
વેટલેન્ડ અને અભયારણ્ય સંદર્ભે વિવિધ રિસર્ચ રિપોર્ટ તેમજ ડોક્યુમેન્ટ્રીનું મંત્રીશ્રીની ઉપસ્થિતિમાં લોકાર્પણ
ગુજરાત ઈકોલોજીકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (GEER) ફાઉન્ડેશન દ્વારા સાંદિપની આશ્રમ, પોરબંદર ખાતે ‘વિશ્વ વેટલેન્ડ દિવસ’ ના પૂર્વે દિને ‘વેટલેન્ડ્સ એન્ડ ટ્રેડિશનલ નોલેજ: સેલિબ્રેટિંગ કલ્ચરલ હેરીટેજ’ વિષય પર બે દિવસીય ‘૮માં આંતરરાષ્ટ્રીય વેટલેન્ડ સેમિનાર‘નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
આ ઉદ્ઘાટન સેમીનારના અધ્યક્ષ સ્થાને વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે વન અને પર્યાવરણ મંત્રીશ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ વેટલેન્ડ્સના મહત્વ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, પોરબંદર જિલ્લો કુદરતી રીતે સમૃદ્ધ છે અને અહીં ૨૨૫ થી વધુ નાના-મોટા વેટલેન્ડ્સ આવેલા છે. વેટલેન્ડ્સ
એ માત્ર જળાશયો નથી પણ પૃથ્વીની સુરક્ષા માટે અનિવાર્ય છે, તેથી તેમણે શાળાઓમાં ‘વેટલેન્ડ ક્લબ‘ બનાવી નવી પેઢીને પ્રકૃતિ સાથે જોડવા પર ભાર મૂક્યો હતો.
પ્રકૃતિ અને વન્યજીવોના રક્ષણ વિશે વાત કરતા તેમણે જણાવ્યું કે દરેક જીવનું કુદરતી ચક્રમાં આગવું મહત્વ છે. તેમણે ઉદાહરણ આપ્યું કે સાપ જેવી રીતે ઉંદરો પર નિયંત્રણ રાખીને અનાજનો બગાડ અટકાવે છે, જે પ્રત્યક્ષ રીતે માનવજાતને મદદરૂપ છે. વધુમાં, ધરમપુર ખાતેના રિસર્ચ સેન્ટરમાં સાપના ઝેરમાંથી એન્ટી-વેનમ દવાઓ બનાવવાનું જે કાર્ય થઈ રહ્યું છે, તે વિજ્ઞાન અને પ્રકૃતિના સમન્વયનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. ગુજરાતમાં પર્યાવરણીય સિદ્ધિઓની ચર્ચા કરતા મંત્રીશ્રીએ નોંધ્યું કે રાજ્યમાં સિંહોની વસ્તીમાં ૩૨% નો નોંધપાત્ર વધારો થયો છે અને હવે બરડા અભયારણ્ય પણ સિંહોનું બીજું ઘર બની રહ્યું છે.
રાજ્ય સરકારના આગામી આયોજનો અંગે માહિતી આપતા તેમણે જણાવ્યું કે ગુજરાતમાં રામસર સાઇટ્સની સંખ્યા વધી રહી છે અને તાજેતરમાં કચ્છના ‘છારી-ઢંઢ‘ ને પાંચમી રામસર સાઇટ તરીકે માન્યતા મળી છે. આગામી સમયમાં પોરબંદરના મોકર સાગર અને મેઢાક્રીકને પણ આ વૈશ્વિક યાદીમાં સ્થાન અપાવવા માટે સરકાર પ્રયત્નશીલ છે. આ ઉપરાંત, પર્યાવરણીય પર્યટનને વેગ આપવા રંગબાઈ માતાના મંદિર પાસે ૨૧ કરોડના ખર્ચે સાંસ્કૃતિક વન તૈયાર કરવામાં આવી રહ્યું છે, જે ઓગસ્ટ ૨૦૨૬ સુધીમાં પૂર્ણ થશે. અંતમાં તેમણે પર્યાવરણને માતા સમાન ગણાવી તેની જાળવણી માટે સૌને પ્રતિજ્ઞા લેવા આહવાન કર્યું હતું.
મંત્રીશ્રીએ સંતો પણ પ્રકૃતિના રક્ષણ માટે પર્યાવરણ જાગૃતિમાં મહત્વનું કાર્ય કરી રહ્યા છે જે અંગે હર્ષની લાગણી વ્યક્ત કરી શ્રી મોરારીબાપુ અને ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાના પર્યાવરણ જાગૃતિના કાર્યો અને લોકોમાં જાગૃતિ આવે તે માટેના સેવા યજ્ઞને નોંધપાત્ર ગણાવ્યા હતા.
કાર્યક્રમ દરમ્યાન ખીજડીયા વન્યજીવ અભયારણ્યમાં પ્રજનન કરતા સ્થાનિક -સ્થળાંતરિત ભયગ્રસ્ત અને ભયની નજીક રહેલા જળચર પક્ષીઓ માટે વેટલેન્ડ હેબિટેટ એસેસમેન્ટ, દક્ષિણ ગુજરાતની મુખ્ય નદીઓના મુખપ્રદેશો (Estuaries) નું ઇકોલોજીકલ મોનિટરિંગ, ગોસાબારા – મોકરસાગર વેટલેન્ડ: ગોસા બારા – મોટરસાગર વેટલેન્ડનું ઇકોલોજીકલ મોનિટરિંગ , મોકરસાગર વેટલેન્ડ સહિતના માહિતીસભર રિપોર્ટનું પુસ્તક રૂપે સાથે – સાથે ગુજરાતના સુંદર પુષ્પો ધરાવતા વૃક્ષો, સાપ અને માનવ : ભયથી સમજ અને સહઅસ્તિત્વ તરફ અને હિંગોળગઢ: પ્રકૃતિથી પ્રેરણા અને શિક્ષણથી સંરક્ષણ તરફ વિષય અંગે ડોક્યુમેટ્રી ફિલ્મનું મંત્રીશ્રીના હસ્તે ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
PCCF ડૉ. એ. પી. સિંહ પ્રિન્સિપાલ ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ (PCCF) શ્રી ડૉ. એ. પી. સિંહ (IFS) એ વેટલેન્ડના મહત્વ પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે, ભારત એક ‘મેગા બાયો ડાયવર્સિટી‘ ધરાવતો દેશ છે, જ્યાંના દરેક ક્ષેત્ર પોતાની આગવી ઇકોસિસ્ટમ માટે વિશ્વભરમાં વિશિષ્ટ ઓળખ ધરાવે છે. આ પ્રાકૃતિક વારસાને અને વેટલેન્ડને આગામી પેઢી સુધી સુરક્ષિત રીતે પહોંચાડવા માટે અત્યારથી જ તેના જતન અંગે ગંભીર ચર્ચા અને નક્કર આયોજન કરવું અનિવાર્ય છે. તેમણે ગૌરવભેર નોંધ્યું હતું કે, ભારતનો ૨૨ ટકા જેટલો વિશાળ વેટલેન્ડ એરિયા એકલા ગુજરાત પાસે છે, જે રાજ્યની પર્યાવરણીય સમૃદ્ધિ દર્શાવે છે.
વિશેષ કરીને પોરબંદર જિલ્લાની ભૌગોલિક વિવિધતાની પ્રશંસા કરતા ડૉ. સિંહે ઉમેર્યું કે, પોરબંદર એક અદભૂત સ્થળ છે જ્યાં ત્રણેય પ્રકારના વેટલેન્ડ જોવા મળે છે. આ જ કારણ છે કે પોરબંદર આજે ‘ફ્લેમિંગો સિટી‘ તરીકે લોકપ્રિય બન્યું છે. વધુમાં, પોરબંદરનું રત્ન ગણાતા ગોસાબારા મોકરસાગર વેટલેન્ડને આગામી સમયમાં આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતી ‘રામસર સાઇટ‘ તરીકે જાહેર કરવાની પ્રક્રિયા ગતિમાં છે. આ દરજ્જો મળવાથી આ વિસ્તારના સંવર્ધન અને ઇકો-ટુરિઝમને વૈશ્વિક ફલક પર નવું બળ મળશે.
વન્યજીવ વિભાગના પી.સી.સી.એફ. (PCCF) ડૉ. જયપાલ સિંહ (IFS) એ પોરબંદરની પર્યાવરણીય ધરોહરને બિરદાવતા જણાવ્યું હતું કે, પોરબંદર જિલ્લો એ ખરા અર્થમાં વેટલેન્ડનો પર્યાય છે. અહીંની ભૌગોલિક વિશેષતા એવી છે કે પોરબંદરમાં જાણે ‘ઘરેઘરે વેટલેન્ડ‘ હોય તેવી સ્થિતિ જોવા મળે છે. જિલ્લામાં ૨૨૫ થી વધુ નાના-મોટા વેટલેન્ડ્સ આવેલા છે, જે સ્થાનિક ઇકો-સિસ્ટમ માટે કરોડરજ્જુ સમાન છે. વેટલેન્ડના વ્યાપ અને તેની અનિવાર્યતા સમજાવતા તેમણે ઉમેર્યું હતું કે, આ જળપ્લાવિત ક્ષેત્રો એક ‘સેલ્ફ આસિસ્ટન્ટ સિસ્ટમ‘ તરીકે કાર્ય કરી પ્રકૃતિનું સંતુલન જાળવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.
વધુમાં તેમણે વન્યજીવોના સંરક્ષણ અને સંવર્ધન માટે વન વિભાગ સહિત વિવિધ ફાઉન્ડેશનો અને વિષય નિષ્ણાતો દ્વારા કરવામાં આવતી કામગીરીની પ્રશંસા કરી હતી. ખાસ કરીને પર્યાવરણ જાળવણીના ક્ષેત્રે કાર્યરત સંસ્થાઓના સમર્પણને બિરદાવી, તેમણે આ સફળ આયોજન બદલ ગીર ફાઉન્ડેશનને અભિનંદન પાઠવ્યા હતા.
આ પ્રસંગે ગીર ફાઉન્ડેશનના ડાયરેક્ટર શ્રી બી. પી. પતી દ્વારા બે દિવસીય આંતરાષ્ટ્રીય વેટલેન્ડ સેમિનારની પ્રસ્તાવના રજૂ કરી હતી. સાથે વેટલેન્ડનું મહત્વ અને આ સેમિનાર માટે પોરબંદર જિલ્લાની ભૌગોલિક વિશેષતાઓ અંગે તેમણે જણાવ્યું હતું કે આ કાર્યક્રમ ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના જિલ્લા પોરબંદરમાં આયોજિત કરવામાં આવ્યો છે, જે તેની વૈવિધ્યસભર વેટલેન્ડ (જળપ્લાવિત વિસ્તાર) ઇકોસિસ્ટમ અને દરિયાકાંઠાના રહેઠાણોને કારણે નોંધપાત્ર ઇકોલોજીકલ મહત્વ ધરાવે છે. પોરબંદર પક્ષી અભયારણ્ય અને ગોસાબારા- મોકરસાગર વેટલેન્ડ જેવા અગ્રણી વેટલેન્ડ્સ નિવાસી અને સ્થળાંતર કરનારા જળચર પક્ષીઓના વિશાળ સમૂહના યજમાન તરીકે જાણીતા છે.
સદીઓથી, સ્થાનિક માછીમારો અને ખેડૂત સમુદાયો આ વેટલેન્ડ સંસાધનોના ટકાઉ ઉપયોગ અને સંચાલન માટે પરંપરાગત ઇકોલોજીકલ જ્ઞાન પર નિર્ભર રહ્યા છે. વિશ્વ વેટલેન્ડ દિવસ 2026 ની થીમ, “વેટલેન્ડ્સ અને પરંપરાગત જ્ઞાન: સાંસ્કૃતિક વારસાની ઉજવણી” ના સંદર્ભમાં, પોરબંદર એ સાંસ્કૃતિક વારસા અને વેટલેન્ડ ઇકોસિસ્ટમના સુમેળભર્યા સહઅસ્તિત્વનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. આ બાબત તેને 8મી ઇન્ટરનેશનલ સેમિનાર-કમ-વર્કશોપ માટે એક આદર્શ સ્થળ બનાવે છે.
ઉદ્ઘાટન સમારોહ બાદ ટેકનિકલ શેસનમાં વિવિધ તજજ્ઞોએ વેટલેન્ડ સંરક્ષણ માટેના ભાવિ રોડમેપ અંગે ચર્ચા કરી હતી.
આ કાર્યક્રમમાં પૂર્વ કેબિનેટ મંત્રીશ્રી બાબુભાઈ બોખીરીયા, PCCF શ્રી રમણ મૂર્તિ, નેશનલ વાઈલ્ડ બોર્ડ સ્ટેન્ડિંગ કમિટીના મેમ્બર શ્રી એચ.એસ. સિંઘ, પોરબંદર જિલ્લા કલેકટર શ્રી એસ. ડી. ધાનાણી, પોરબંદર મનપા કમિશનર શ્રી હસમુખ પ્રજાપતિ, નિવાસી અધિક જિલ્લા કલેક્ટર શ્રી રેખાબા સરવૈયા, પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ડૉ. ચેતનાબેન તિવારી તેમજ વન વિભાગ પોરબંદર જુનાગઢ અને ગાંધીનગરના અધિકારીઓ, સાંદિપની ના ઋષિ કુમારો, પર્યાવરણ સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
પોરબંદરના એ.સી.એફ શ્રી રાજલ પાઠક, સામત ભમર અને ટીમે જરૂરી સંકલન કર્યું હતું .
વિવિધ તજજ્ઞો અને પર્યાવરણ પ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને વેટલેન્ડ સંરક્ષણ માટેના ભાવિ રોડમેપ અંગે ચર્ચા કરી હતી.
