Western Times News

Gujarati News

સોનાની 4 કેપ્સ્યુલ મોઢામાં છુપાવી લાવતાં મુસાફર એરપોર્ટ પર પકડાયો

 અગાઉથી મળેલા ઇનપુટ્‌સ અને મુસાફરના હાવભાવ પરથી શંકા ગઈ હતી.-એરપોર્ટ પર બેંગકોકથી આવેલા મુસાફરના મોંઢામાં છુપાવેલું રૂ.૧૭ લાખનું સોનું ઝડપાયું

(એજન્સી)અમદાવાદ, અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગના એર ઇન્ટેલિજન્સ યુનિટએ સોનાની તસ્કરીના એક અનોખી મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ કર્યો છે. બેંગકોકથી આવેલો એક મુસાફર કસ્ટમ્સ ચેકિંગથી બચવા માટે સોનાની ચાર કેપ્સ્યુલ પોતાના મોઢામાં છુપાવીને લાવ્યો હતો. અધિકારીઓએ આ મુસાફર પાસેથી ૧૦૮.૦૭ ગ્રામ ૨૪ કેરેટ સોનું જપ્ત કર્યું છે, જેની બજાર કિંમત આશરે ૧૭.૩૯ લાખ રૂપિયા થાય છે.

કસ્ટમ્સ વિભાગના જણાવ્યા અનુસાર, ૩૧ જાન્યુઆરીની મોડી રાત્રે બેંગકોકથી વિયેતજેટ એરની ફ્‌લાઈટ નંબર વીઝેડ ૭૫૦ અમદાવાદ એરપોર્ટ પર ઉતરી હતી.  અધિકારીઓને શંકાસ્પદ મુસાફરો અંગેના અગાઉથી મળેલા ઇનપુટ્‌સ અને મુસાફરના હાવભાવ પરથી શંકા ગઈ હતી.

આ મુસાફરને અટકાવીને જ્યારે તેની સઘન પૂછપરછ અને તપાસ કરવામાં આવી ત્યારે અધિકારીઓ પણ ચોંકી ઉઠ્‌યા હતા. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, મુસાફરે કાળા રંગની એડહેસિવ ટેપમાં લપેટેલી કેપ્સ્યુલ આકારની સોનાની ચાર લગડીઓ પોતાના મોઢામાં છુપાવી રાખી હતી. આ સોનાની શુદ્ધતા ૨૪ કેરેટ માલૂમ પડી હતી.

કસ્ટમ્સ એક્ટ, ૧૯૬૨ હેઠળ આ મુદ્દામાલ જપ્ત કરીને મુસાફર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, એરપોર્ટ સુરક્ષા અને કસ્ટમ્સ ચેકિંગમાં પકડાઈ જવાની બીકે તસ્કરો હવે શરીરના અંગોમાં સોનું છુપાવવાની જોખમી પદ્ધતિઓ અપનાવી રહ્યા છે. મોઢામાં આ રીતે સોનું છુપાવવું જોખમો ઊભા કરી શકે છે.

અમદાવાદ એરપોર્ટ પર જેદ્દાહથી આવેલી ચાર મહિલાઓની દોઢ કરોડના સોના સાથે ધરપકડ

અમદાવાદ એરપોર્ટ પર જેદ્દાહથી આવેલી ચાર મહિલા મુસાફરો પાસેથી ૧.૫૨ કરોડ રૂપિયાની કિંમતનું ૨૪ કેરેટ સોનું જપ્ત કરવામાં આવ્યું છે. તસ્કરોએ સોનાને ઓળખાય નહીં તે રીતે તેના પર રોડિયમનું પડ ચઢાવ્યું હતું, પરંતુ કસ્ટમ્સ અધિકારીઓની સતર્કતાએ આ આખા ખેલનો પર્દાફાશ કર્યો હતો.

૧ ફેબ્રુઆરીના રોજ જેદ્દાહથી અકાસા એરની ફ્‌લાઈટ નંબર ઊઁ ૫૬૪ અમદાવાદ એરપોર્ટ પર ઉતરી હતી. મુસાફરોના સામાનના એક્સ-રે સ્કેનિંગ દરમિયાન કસ્ટમ્સ અધિકારીઓને કેટલીક શંકાસ્પદ છબીઓ જોવા મળી હતી. શંકાના આધારે એર ઇન્ટેલિજન્સ યુનિટની ટીમે મહિલા મુસાફરોને અટકાવી તેમની સઘન તપાસ હાથ ધરી હતી.

તપાસ દરમિયાન મહિલાઓ પાસેથી સોનાની ૭ ચેઈન અને ૭ સોનાની બંગડીઓ મળી આવી હતી. તપાસમાં બહાર આવ્યું કે, કસ્ટમ્સ અધિકારીઓની નજરથી બચવા માટે સોનાના આ દાગીનાઓ પર રોડિયમનું કોટિંગ કરવામાં આવ્યું હતું, જેથી તે પ્રથમ નજરે સોના જેવું ન લાગે.

અધિકારીઓએ જ્યારે તેની ચોકસાઈ કરી ત્યારે ૯૪૫.૫૭ ગ્રામ વજનનું સોનું હોવાનું જણાયું હતું, જેની બજાર કિંમત ૧.૫૨ કરોડ રૂપિયા થાય છે. પ્રાથમિક પૂછપરછમાં મહિલાઓએ ચોંકાવનારો ખુલાસો કર્યો હતો કે, આ સોનું તેમની સાથે મુસાફરી કરી રહેલા એક ટ્રાવેલ એજન્ટે તેમને આપ્યું હતું.

કસ્ટમ્સ વિભાગ હવે આ ટ્રાવેલ એજન્ટની ભૂમિકાની તપાસ કરી રહ્યું છે. પશ્ચિમ એશિયા અને ભારત વચ્ચે ચાલતા સંગઠિત સોનાની તસ્કરીના નેટવર્કમાં આ ટોળકીની સંડોવણી હોવાની પ્રબળ આશંકા છે. સમગ્ર કેસમાં કસ્ટમ્સ એક્ટ, ૧૯૬૨ હેઠળ સોનાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ સોનું કોને પહોંચાડવાનું હતું અને આ અગાઉ એજન્ટે કેટલી વાર આવી રીતે સોનાની હેરાફેરી કરી છે તે દિશામાં તપાસ તેજ કરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.