Western Times News

Gujarati News

કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીએ નરેન્દ્ર મોદી અને અમિત શાહના વખાણ કર્યા?

કોંગ્રેસના વિવાદીત નેતા ભરતસિંહ માધવસિંહ સોલંકીએ એક જાહેર નિવેદનમાં કેમેરા સામે એવું જણાવ્યું છે કે વડાપ્રધાન “નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની રાજકીય કુનેહ બેનમૂન છે.

આટલું કહીને નરેન્દ્ર મોદીના શબ્દો ટાંકતા ભરતસિંહ એ એવું પણ ઉચ્ચાર્યું કે ‘નરેન્દ્ર મોદીએ એવું કહ્યું હતું કે કોંગ્રેસને ૧૫ વર્ષ સુધી ઉંચી નહીં આવવા દઉં’ એ વાત સાચી ઠરી છે. વધુમાં ભરતસિંહે એવું પણ કહ્યું કે આમ આદમી પાર્ટી કોંગ્રેસ માટે સૌથી મોટી બાધા છે તેને કોંગ્રેસમાં ભેળવી દેવી જોઈએ

અને જરૂર પડ્‌યે આપણે(મૂળ કોંગ્રેસીઓએ)હોદ્દા જતાં કરી એ પક્ષના નેતાઓને હોદ્દા આપી આપણામાં સમાવી લેવા જોઈએ.” ભરતસિંહ સોલંકીનું આ વિધાન ચર્ચાસ્પદ છે અને ગુજરાતના રાજકારણમાં લાંબા ગાળા સુધી અસર પાડનારું છે એવું રાજકીય નિરીક્ષકો કહી રહ્યા છે.

કોંગ્રેસી નેતા માધવસિંહ સોલંકીનો બંગલો ભા.જ.પ.ના ભરત બોઘરાએ ખરીદ્યો?

પરસ્પર વિરોધી રાજકીય પક્ષો વચ્ચે ભલે તીવ્ર લડાઈ ચાલ્યા કરતી હોય પણ એ બન્ને પક્ષના નેતાઓ વચ્ચેના અંગત સંબંધ ખૂબ જ સારા હોય છે.બે પરસ્પર વિરોધી રાજકીય પક્ષોના ઘણા નેતાઓ તો ધંધામાં ભાગીદાર પણ હોય છે તો ઘણા નેતાઓ ગાઢ મિત્રો હોય છે અને એકબીજાની મિલકત ખરીદવામાં ય અચકાતા પણ નથી હોતા.

સચિવાલયમા ચર્ચાતી વાતો જો સાચી માનીએ તો સમાચાર એવા છે કે તાજેતરમાં ભા.જ.પ.ના પૂર્વ ઉપપ્રમુખ અને રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના અગ્રણી ભરત બોઘરાએ ગુજરાતના સદ્ગત મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનો ગાંધીનગરમાં સેક્ટર -૧૯મા આવેલો બંગલો ખરીદી લીધો છે.રાજકીય મતભેદને અંગત જીવન કે સંબંધોમાં વચ્ચે લાવ્યા વગર આ નેતાઓ પોતાનું કામ આટોપી લેતા હોય છે!

ભરત બોઘરાને છેલ્લા કેટલાક વર્ષોથી ગાંધીનગરમાં સતત અવરજવર કરવી પડતી હોવાથી તેઓએ ગાંધીનગરમાં બંગલો કે ફ્‌લેટ ખરીદવાનો નિર્ણય લીધો હતો.એમા માધવસિંહનો વેચવાનું હોવાની જાણ થતાં તેઓએ તે ખરીદી લીધો હતો.હાલ તેનું રીનોવેશન ચાલે છે. થોડા સમય બાદ ભરત બોઘરા એ બંગલામાં રહેવા જશે.

ભા.જ.પ.નું પ્રદેશ માળખું કઈ વિચારધારા અનુસાર રચાયુ?

ભારતીય જનતા પક્ષના તાજેતરમાં રચાયેલા પ્રદેશ માળખાએ અનેક લોકોને આશ્ચર્યચકિત કરી દીધા છે.આ રચના અંગે કંઈ વિચારધારાને અનુસરવામાં આવ્યું હશે તે પ્રશ્ન મનમાં ઉઠતા પક્ષના નવા માળખામાં ગોઠવાયેલા એક ઉંચા ગજાના સિનિયર કાર્યકર્તાને પૂછ્યું તો તેઓએ જણાવ્યું કે આ અંગે પક્ષે કાળજીભરી અને ઉંડી વિચારણાને અંતે લગભગ ૨૩ મુદ્દાના માપદંડ નક્કી કર્યા હતા એવું જાણવા મળ્યું છે.

આ મુદ્દાઓમાં મુખ્યત્વે (૧)ઃ- યુવાનોને પ્રતિનિધિત્વ (૨)ઃ-પક્ષ પ્રત્યેનું સફળ અર્પણત્વ(૩)ઃ-શૈક્ષણિક લાયકાત (૪)ઃ-ઓબીસી જ્ઞાતિનુંપ્રતિનિધિત્વ(૫)ઃ-જ્ઞાતિ સમીકરણો(૬)ઃ-ભ્રષ્ટાચારની છાપ ન ધરાવતા હોય (૭) ક્રિમીનલ કેસમાં સંડોવણી ન હોય(૮)ઃ-વિવાદિત ન હોય

(૯) સ્થાનિક સંગઠનમાં સારી છાપ ધરાવતા હોય અને યશકલગી સમાન મુદ્દો એ કે (૧૦)ઃ-રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે ઘરોબો ધરાવતા હોય અથવા તો સંઘની ગુડ બુકમાં હોય વગેરે છે.

આ સાંભળીને થયું કે ભારતીય જનતા પક્ષ કોર્પોરેટ કંપનીની જેમ ચાલે છે અને એટલે સફળ થાય છે! અહીં જે મુદ્દાઓ આપ્યાં છે એ સુચવે છે કે ભા.જ.પ.પક્ષની મજબૂતાઈ અંગે કેટલું ઝીણું કાંતે છે! આ હોમવર્ક એ આ પક્ષની સફળતાનું રહસ્ય છે.

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને તથા અન્ય નેતાઓને ખીચડી વહાલી છે!


સચિવાલયના વર્તુળમાં ચર્ચાતી વાતો જો સાચી માનીએ તો વાત એવી છે કે છેલ્લા ઘણા સમયથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાંજે માત્ર ખીચડી ખાવાનું જ પસંદ કરે છે.

તેનો પુરાવો એ છે કે થોડા સમય અગાઉ હોટલ તાજમાં સાંજનું ભોજન મહેમાનો સાથે લેવા મુખ્યમંત્રી પહોંચ્યા ત્યારે તેઓએ પોતાના માટે માત્ર ખીચડી જ મંગાવી હતી.

તેઓએ મહેમાનોને સ્વાદિષ્ટ ભોજન કરાવ્યું,પણ પોતે તો માત્ર ખીચડી ખાધી. મુખ્યમંત્રી નિવાસ્થાને પણ મોટાભાગે દરરોજ સાંજે માત્ર ખીચડી જ પીરસવામાં આવે છે.આમ તો ખીચડી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પણ ખૂબ પ્રિય છે. તેઓ પણ મોટાભાગે સાંજે ભોજનમાં મુખ્યત્વે ખીચડી જ લે છે.

મુખ્યમંત્રી જ વજન ઘટાડવાના પ્રયાસો કરી રહ્યા છે.આ ઉપરાંત, સમાચાર એવા પણ છે કે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુગર સંપૂર્ણ બંધ કરતાં તેમના વજનમાં પણ છ થી સાત કિલો ઘટાડો નોંધાયો છે.

વળી પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની પણ સામાન્ય રીતે સાંજે ૭ઃ૦૦ વાગ્યા પછી ભોજન લેતા નથી.

અહીં એ પણ યાદ રાખવું ઘટે કે પૂર્વ મુખ્યમંત્રી આનંદી પટેલ,નીતિન પટેલ, સહિતના નેતાઓ રાત્રિ ભોજનમાં ખીચડીનો જ મોટાભાગે ઉપયોગ કરે છે તેનું કારણ એ છે કે ખીચડી પચવામાં હળવી અને રાત્રે સારી નીંદર લાવી આપનારી છે. પક્ષના નેતાઓ વચ્ચે ગમે તેટલા મતભેદ હોય ખીચડી બાબતમાં સૌ એકમત છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.