એમેઝોનમાં ફરી મોટા પાયે છટણી ૧૬,૦૦૦ કર્મચારીઓની નોકરી જશે
(એજન્સી)નવી દિલ્હી, વિશ્વની પ્રખ્યાત ઈ-કોમર્સ કંપની એમેઝોન છેલ્લા ત્રણ મહિનામાં બીજી વખત મોટા પાયે કર્મચારીઓની છટણી કરી રહી છે. આ તાજા રાઉન્ડમાં કંપનીના અંદાજે ૧૬,૦૦૦ કર્મચારીઓને પોતાની નોકરી ગુમાવવી પડશે.
ટેક જાયન્ટ એમેઝોને જણાવ્યું છે કે તે કોર્પાેરેટ કર્મચારીઓના સ્થાને જનરેટિવ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ)નો ઉપયોગ કરવાની દિશામાં આગળ વધી રહી છે. સાથે જ, કોવિડ-૧૯ મહામારી દરમિયાન ઝડપથી વધેલા વર્કફોર્સને હવે ધીમે ધીમે ઘટાડી રહી છે.
એમેઝોનની સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ બેથ ગેલેટ્ટીએ બુધવારે જણાવ્યું કે કંપની “મેનેજમેન્ટના સ્તરો ઘટાડીને, જવાબદારી વધારીને અને ઓફિસર્સ દૂર કરીને” સંસ્થાકીય ફેરફારો કરી રહી છે. ઓક્ટોબરમાં ૧૪,૦૦૦ કર્મચારીઓની છટણી પછી આ નવી છટણીમાં ૧૬,૦૦૦ કર્મચારીઓને નોકરી ગુમાવવી પડશે. અમેરિકા સ્થિત કર્મચારીઓને કંપનીની અંદર નવી ભૂમિકા (નોકરી) શોધવા માટે ૯૦ દિવસનો સમય આપવામાં આવશે.
જો તેઓ નવી નોકરી મેળવવામાં નિષ્ફળ રહેશે અથવા નવી ભૂમિકા સ્વીકારશે નહીં, તો તેમને સેવરન્સ પે, આઉટપ્લેસમેન્ટ સેવાઓ અને હેલ્થ ઇન્શ્યોરન્સનો લાભ આપવામાં આવશે. જોકે, તેમણે દાવો કર્યાે કે, આ ફેરફારો સાથે સાથે અમે ભવિષ્ય માટે મહત્વપૂર્ણ વ્યૂહાત્મક ક્ષેત્રોમાં ભરતી અને રોકાણ ચાલુ રાખીશું.
અમેઝોનના સ્થાપક જેફ બેઝોસ બાદ સીઈઓ તરીકે એન્ડી જેસીએ ૨૦૨૧માં જવાબદારી સંભાળી, ત્યાર પછી તેમણે ખર્ચમાં આક્રમક રીતે ઘટાડો કર્યાે છે. એન્ડી જેસીએ ગત જૂન મહિનામાં જણાવ્યું હતું કે આવનાર વર્ષાેમાં જનરેટિવ એઆઈના કારણે એમેઝોનની કોર્પાેરેટ વર્કફોર્સમાં ઘટાડો થવાની સંભાવના છે.
