પાકિસ્તાની સેનાની કાર્યવાહીમાં ૨૦૦ લોકોએ ગુમાવ્યો જીવ
બલૂચિસ્તાન, પાકિસ્તાનનો બલૂચિસ્તાન પ્રાંત અત્યારે દારૂગોળાની ગંધ અને લોહીથી લથપથ છે. શનિવારે બલૂચ બળવાખોરોએ આખા પ્રાંતમાં ભારે આતંક મચાવ્યા બાદ પાકિસ્તાની સુરક્ષા દળોએ આક્રમક વળતી કાર્યવાહી શરૂ કરી છે.
છેલ્લા ૪૦ કલાકથી ચાલી રહેલા આ લોહિયાળ જંગમાં અત્યાર સુધીમાં ૨૦૦ લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. આ સંઘર્ષે પાકિસ્તાન સરકાર અને સેનાની ઊંઘ હરામ કરી દીધી છે, કારણ કે આ આંકડો આતંક વિરુદ્ધના ઓપરેશનમાં અત્યાર સુધીનો સૌથી મોટો માનવામાં આવે છે.બલૂચિસ્તાનના મુખ્યમંત્રી સરફરાજ બુગતીએ પુષ્ટિ કરી છે કે શુક્રવાર અને શનિવાર દરમિયાન કરવામાં આવેલા કોમ્બિંગ ઓપરેશનમાં મોટા પાયે ખુવારી થઈ છે.
માર્યા ગયેલા ૨૦૦ લોકોમાં ૩૧ સામાન્ય નાગરિકો, ૧૭ સુરક્ષાકર્મીઓ અને બલૂચ લિબરેશન આર્મીના ૧૪૫ લડવૈયાઓનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, બીએલએએ ક્વેટા, ગ્વાદર અને મસ્તુગ જેવા મહત્વના જિલ્લાઓમાં એકસાથે હુમલા કર્યા હતા, જેના જવાબમાં પાકિસ્તાની સેના, પોલીસ અને એન્ટી ટેરરિઝમ યુનિટે મોરચો સંભાળ્યો છે.
હંમેશની જેમ પોતાની નિષ્ફળતા છુપાવવા માટે પાકિસ્તાને આ હિંસા પાછળ ભારતનો હાથ હોવાનો રાગ આલાપ્યો છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફે કોઈ પણ પુરાવા વગર દાવો કર્યાે હતો કે હુમલાખોરોને ભારતનું સમર્થન છે.
જોકે, ભારતના વિદેશ મંત્રાલયે આ આક્ષેપોને સખત શબ્દોમાં ફગાવી દીધા છે. પ્રવક્તા રણધીર જાયસવાલે જણાવ્યું હતું કે, પાકિસ્તાન પોતાની આંતરિક સમસ્યાઓથી ધ્યાન ભટકાવવા માટે આવા પાયાવિહોણા દાવા કરે છે.
પાકિસ્તાને આરોપો લગાવવાને બદલે પોતાના લોકોના માનવાધિકાર ઉલ્લંઘન અને દમન પર ધ્યાન આપવું જોઈએ.બીજી તરફ, બલૂચ લિબરેશન આર્મીએ ‘ઓપરેશન હેરાફ’ ના બીજા તબક્કાની જાહેરાત કરી છે.
સંગઠનના પ્રવક્તા જીયંદ બલૂચે દાવો કર્યાે છે કે તેમના લડવૈયાઓએ નોશ્કીમાં કાઉન્ટર ટેરરિઝમ ડિપાર્ટમેન્ટના હેડક્વાર્ટર પર કબજો જમાવી દીધો છે. એટલું જ નહીં, બળવાખોરોએ એક જિલ્લા જેલ પર હુમલો કરીને ૩૦ જેટલા કેદીઓને છોડાવ્યા હોવાના અને મોટા પ્રમાણમાં હથિયારો જપ્ત કર્યા હોવાના પણ અહેવાલ છે. હાલમાં આખું બલૂચિસ્તાન છાવણીમાં ફેરવાઈ ગયું છે અને હિંસા અટકવાનું નામ નથી લઈ રહી.SS1MS
