બજેટમાં ભારતની મૂળ સમસ્યાઓની અવગણના કરાઈ છેઃ રાહુલ ગાંધી
નવી દિલ્હી, કેન્દ્રિય બજેટને વિપક્ષના નેતાઓએ દિશાવિહિન અને નિરસ ગણાવીને વખોડી કાઢ્યું હતું. બજેટમાં મહત્ત્વના રાજકીય અને આર્થિક પડકારોની અગવણના થઈ હોવાનો દાવો કરતાં વિપક્ષે કહ્યુ હતું કે, અનેક ક્ષેત્રોમાં ખર્ચ પર કાપ મૂકાયો છે, જેનાથી સામાન્ય નાગરિકોને વિપરિત અસર થશે. બજેટમાં દેશની વાસ્તવિક સમસ્યાઓ પ્રત્યે આંખમિંચામણા કરી સરકારે સુધારાને ઝાકારો આપ્યો હોવાનો આક્ષેપ કોંગ્રેસે લગાવ્યો હતો.
કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે, બજેટમાં કોઈ પોલિસી, વિઝન કે રાજકીય ઈચ્છાશક્તિ જણાતા નથી. બજેટ ૨૦૨૬માં ભારતના ગણાં આર્થિક, સામાજિક અને રાજકીય પડકારો માટે એક ઉકેલ સુદ્ધાં અપાયો નથી. રોકાણકારો મૂડી પરત ખેંચી રહ્યા છે અને ઘરેલુ બચત ઘટી રહી છે અને વૈશ્વિક આંચકા ઝળુંબી રહ્યા છે ત્યારે સમગ્ર સ્થિતિની અવગણના કરવામાં આવી છે.
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ દાવો કર્યાે હતો કે, બજેટમાં સામાન્ય નાગરિકો કે તેમના રાજ્ય માટે કશું નથી. આ બજેટ મહિલા, ખેડૂત, શિક્ષણ અને એસસી, એસટી, ઓબીસી વિરોધી છે.
કેરળના મુખ્યમંત્રી અને સીપીઆઈ (એમ)ના નેતા પિનારાયી વિજયને બજેટની ટીકા કરતાં કહ્યું હતું કે, દક્ષિણના રાજ્યો પ્રત્યે ભેદભાવ રખાયો છે. તામિલનાડુના મુખ્યમંત્રી અને ડીએમકેના નેતા એમ કે સ્ટાલિને બજેટને પોતાના રાજ્ય માટે નિરાશાજનક ગણાવ્યું હતું. સમાજવાદી પક્ષના નેતા અખિલેશ યાદવે કહ્યું હતું કે, આ બજેટ માત્ર ટોચના પાંચ ટકા લોકો માટે છે.
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી રવિવારે જણાવ્યું કે વર્ષ ૨૦૨૬-૨૭ના કેન્દ્રીય બજેટમાં ભારતની મૂળ સમસ્યાઓની અવગણના કરાઈ છે. આ સાથે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, યુવાનોની પાસે રોજગાર નથી.
ઉત્પાદન ઘટી રહ્યું છે. રોકાણકારો મૂડી પાછી ખેંચી રહ્યા છે. ઘરેલું બચત ઘટી રહી છે. ખેડૂતો મુશ્કેલીમાં છે. વૈશ્વિક આર્થિક કટોકટી વગેરેની પણ બજેટમાં અવગણના કરાઈ છે. રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને ઉમેર્યું કે, ‘‘જે સુધારણાની જરુરિયાત હતી તેની બજેટમાં અવગણના કરાઈ છે અને મૂળ સમસ્યા સામે પણ આંખ આડા કાન કર્યા છે.”
ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમને પોતાના ભાષણમાં જણાવ્યું કે નાણાકીય વર્ષ ૨૦૨૭ માટે મૂડી ખર્ચનો લક્ષ્યાંક રૂપિયા ૧૧.૨ લાખ કરોડથી વધારીને રૂપિયા ૧૨.૨ લાખ કરોડનો કરવામાં આવ્યો છે.
નાણાંમંત્રીએ દેશમાં બાંધકામ સવલતો વધારવા માટે અનેક પગલાંઓની જાહેરાત પણ કરી, જેમાં ટિયર-૨ અને ટિયર-૩ શહેરોનો સમાવેશ થાય છે. આ બજેટ – વૈશ્વિક અનિશ્ચિતતા, વેપાર સંબંધિત ઘર્ષણો, અમેરિકાના ટેરિફ અને નિકાસમાં ઘટાડા થવા સહિતની બાબતોના પરિપ્રેક્ષ્યમાં રજૂ થયું છે. આ ભાજપના નેતૃત્વવાળી એનડીએ સરકારના તૃતીય કાળનું ત્રીજી બજેટ છે.SS1MS
