Western Times News

Gujarati News

૧૨૦ જેટલાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ હેન્ડલર સામે ફરિયાદ

અમદાવાદ, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ડિજિટલ સર્વેલન્સ અને સોશિયલ મીડિયા મોનિટરિંગ સેલને વધુ સક્રિય બનાવી ઓનલાઇન દેહવિક્રય, મહિલાઓના ડિજિટલ શોષણ અને સાયબર છેતરપિંડી સામે મેગા ઓપરેશન હાથ ધર્યું છે.

આ ઓપરેશન અંતર્ગત, ગેરકાયદે એસ્કોર્ટ સર્વિસ રેકેટ ચલાવવા અને જનતાને છેતરવા બદલ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ્સ, ફેસબુક પેજ અને વિવિધ વેબસાઇટ્‌સ સહિત ૧૨૦ ઓનલાઇન એકમો (સોશિયલ મીડિયા પ્લેટફોર્મ હેલ્ડર્સ) સામે ઔપચારિક ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરવામાં આવી છે. ઘણા કિસ્સામાં સુંવાળા સાથની લાલચ આપી લોકો પાસેથી ઓનલાઇન રૂપિયા પણ પડાવવામાં આવ્યા છે, આ બેન્ક એકાઉન્ટની પણ તપાસ ચાલી રહી છે.

શહેરમાં ચાલતી આ ગેરકાયદે એસ્કોર્ટ સર્વિસ સામે પણ પોલીસે લાલ આંખ કરી છે. આગામી દિવસોમાં આ ધંધા સાથે સંકળાયેલા લોકોની ધરપકડ કરી કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.છેલ્લા ઘણા સમયથી કોઈપણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ચેક કરીએ તો તેમાં અમદાવાદમાં ચાલતા એસ્કોર્ટ સર્વિસીસ, દેહ વિક્રયના ધંધાની વિગતો સતત હેમરિંગ થઈ રહી હતી.

આ પરિસ્થિતિમાં અમદાવાદ ક્રાઇમબ્રાંચના શરદ સિંગલ અને અજીત રાજીયાન દ્વારા આવા દૂષણ ફેલાવી રહેલા તત્ત્વો સામે કાનૂની કાર્યવાહી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. એસીપી ભરત પટેલ અને ઇન્સ્પેક્ટર મકવાણા ટીમે આ દિશામાં તપાસ શરૂ કરી હતી.

ક્રાઇમ બ્રાંચની સોશિયલ મીડિયા મોનિટરિંગ સેલ અને સ્પેશિયલાઇઝ્ડ ટેકનિકલ ટીમ દ્વારા એનાલિસિસ કરીને અમદાવાદમાં અતિ સક્રિય સોશિયલ મીડિયા પ્રોફાઇલ્સ અને વેબ લિંક્સનું એક પ્લાન્ડ નેટવર્ક સામે આવ્યું હતું. આ સોશિયલ મીડિયા મારફતે દેહ વિક્રયનો ધંધો ધમધોકાર ચાલતો હોવાનું સામે આવ્યું છે.

આ તત્ત્વો દ્વારા મહિલાઓના અશ્લીલ ફોટા અને વીડિયો જાહેર પ્લેટફોર્મ પર મૂકીને ગ્રાહકોને આકર્ષવામાં આવ્યા હતા. તપાસમાં ખુલાસો થયો કે ગુનેગારો “એસ્કોર્ટ સર્વિસ”ના નામે લોકોને લલચાવવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને નકલી અશ્લીલ ફોટા અને વીડિયો બનાવી તેનો પ્રસાર કરતા હતા, જે ડિજિટલ યુગમાં વધતી નવી સાઇબર ગુનાખોરીનું ઉદાહરણ છે.

સોશિયલ મીડિયા પ્રોફાઇલ્સ પર અમદાવાદ શહેરમાં ચાલતા દેહ વિક્રયના ગેરકાયદે વ્યવહારો માટે મોબાઈલ નંબર અને યુપીઆઈ આઈડી આપી, જેના આધારે લોકો પાસેથી ઓનલાઇન પેમેન્ટ લેવાતા હતા. આ તમામ બાબતોને ધ્યાનમાં લઈને ક્રાઇમબ્રાંચે ૧૨૦ એફઆઈઆર નોંધીને તપાસ શરૂ કરી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તાકીદ કરી છે કે આવી શંકાસ્પદ સોશિયલ મીડિયા પ્રોફાઇલ્સ, લિંક્સ અને અચકાસણી વગરની યુપીઆઈ આઈડીથી દૂર રહેવું જોઈએ.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.