ભારતીયો વિદેશથી પહેલા કરતા વધારે સોનું કોઈ ટેક્સ વગર લાવી શકશે
(એજન્સી)નવી દિલ્હી, મોદી સરકારે એક મોટી રાહત આપતા ડ્યૂટી-ફ્રી ઈમ્પોર્ટ સાથે જોડાયેલા નિયમમાં મહત્વનો ફેરફાર કર્યો છે. નવા બેગેજ નિયમ ૨૦૨૬, અંતર્ગત ભારતમાં ડ્યૂટી-ફ્રી ઈમ્પોર્ટેડ સામાનની લિમિટ ૫૦,૦૦૦ રૂપિયાથી વધારીને ૭૫,૦૦૦ રૂપિયા કરવામાં આવી છે. આ નિયમ આજે સોમવારથી લાગુ થઈ ગયા છે.
આ નિયમો અનુસાર, ભારતીય નાગરિકો અને ભારતીય મૂળના પ્રવાસીઓ હવાઈ કે સમુદ્ર માર્ગે ભારત આવતી વખતે રૂ.૭૫,૦૦૦ સુધીનો સામાન (વ્યક્તિગત ઉપયોગ માટે) ડ્યૂટી વગર સાથે લાવી શકશે. આ પહેલાં આ લિમિટ રૂ.૫૦,૦૦૦ હતી. એટલે કે પહેલા ૫૦ હજાર રૂપિયા સુધીના સોનાની જ્વેલરી અને અન્ય વસ્તુઓ ભારતમાં ડ્યૂટી ફ્રી લાવી શકાતી હતી. જેની લિમિટ ?૭૫,૦૦૦ કરવામાં આવી છે.
વિદેશી પ્રવાસીઓ માટે પણ ડ્યૂટી-ફ્રી લિમિટ રૂ.૧૫,૦૦૦થી વધારીને રૂ.૨૫,૦૦૦ કરવામાં આવી છે. આ નિયમોમાં કેટલીક વસ્તુઓ પર ડ્યૂટી-ફ્રી છૂટ નથી મળતી – ફાયરઆર્મ્સ અને ૫૦થી વધુ કારતૂસ, ૧૦૦થી વધુ સિગરેટ અથવા ૨૫થી વધુ સિગાર, ૧૨૫ ગ્રામથી વધુ તમાકુ, ૨ લીટરથી વધુ દારુ, સોનું-ચાંદી (જ્વેલરી સિવાયના અન્ય સ્વરૂપમાં), ટેલિવિઝન.
યાત્રીઓ અને સામાન્ય ગ્રાહકોને વધુ એક મોટી રાહત આપતાં સરકારે કેન્દ્રીય બજેટ ૨૦૨૬-૨૭માં પર્સનલ ઉપયોગ માટે આયાત કરાયેલા સામાન પર બેઝિક કસ્ટમ્સ ડ્યૂટી ૨૦%થી ઘટાડીને ૧૦% કરવાનો પ્રસ્તાવ મૂક્્યો છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, આનો હેતુ વ્યક્તિગત આયાત પર કસ્ટમ્સ ડ્યૂટીના સ્ટ્રક્ચરને સરળ બનાવવાનો છે.
આ નિર્ણયથી વિદેશથી મંગાવવામાં આવતા સ્માર્ટફોન, ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ અને અન્ય પર્સનલ ઉપયોગ માટેની વસ્તુઓ સસ્તી થઈ જશે. અમેરિકા જેવા દેશોમાંથી આવતા નવા ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ્સ પર આનો સીધો ફાયદો દેખાશે, જ્યાં સામાન્ય રીતે નવા મોડલ્સ સૌથી પહેલાં લોન્ચ થઈ જાય છે.
