Western Times News

Gujarati News

બલૂચિસ્તાનમાં હિંસાનું મૂળ કારણ પાકિસ્તાની રાજ્ય અને સેનાની નીતિઓ છેઃ ભારત

નવી દિલ્હી, બલૂચિસ્તાન મુદ્દે પાકિસ્તાન તરફથી ભારત પર લગાવવામાં આવેલા આરોપોને ભારતે કડક શબ્દોમાં નકારી કાઢ્યા છે. નવી દિલ્હીએ સ્પષ્ટ કર્યું છે કે આ પ્રકારના આરોપો પાકિસ્તાનની અંદર ચાલી રહેલી ગંભીર સમસ્યાઓ અને નિષ્ફળતાઓથી ધ્યાન ભટકાવવાનો એક જૂનો અને ઘસાયેલો પ્રયાસ છે. ભારતે કહ્યું છે કે બલૂચિસ્તાનમાં અસંતોષ અને હિંસાનું મૂળ કારણ પાકિસ્તાની રાજ્ય અને સેનાની નીતિઓ છે, જેમાં દમન, ક્રૂરતા અને માનવાધિકારના ગંભીર ઉલ્લંઘનો સામેલ છે.

વિદેશ મંત્રાલયે સત્તાવાર નિવેદન જારી કરીને પાકિસ્તાનના આરોપોને “બેબુનિયાદ” ગણાવ્યા. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસવાલે કહ્યું કે ભારત બલૂચિસ્તાનમાં અશાંતિ ફેલાવવાના પાકિસ્તાની દાવાઓને સંપૂર્ણપણે નકારે છે. તેમણે કહ્યું કે આ પ્રકારના આરોપો એ સમયે ઉઠાવવામાં આવે છે, જ્યારે પાકિસ્તાન પોતાની આંતરિક પરિસ્થિતિ પર કાબૂ મેળવવામાં નિષ્ફળ રહે છે.

ભારતે સ્પષ્ટ કર્યું કે પાકિસ્તાન વારંવાર હિંસક ઘટનાઓ બાદ બહારના દેશો પર દોષારોપણ કરીને પોતાની જવાબદારીથી બચવાનો પ્રયાસ કરે છે. રણધીર જયસવાલે જણાવ્યું કે પાકિસ્તાનને ખોટા આરોપો લગાવવાને બદલે પોતાના નાગરિકોની લાંબા સમયથી ચાલી આવતી રાજકીય, આર્થિક અને સામાજિક માંગણીઓ પર ધ્યાન આપવું જોઈએ. તેમણે ઉમેર્યું કે પાકિસ્તાનનું દમન, સેનાની ક્રૂરતા અને માનવાધિકાર ઉલ્લંઘનોનો રેકોર્ડ દુનિયાભરમાં જાણીતો છે.

વિદેશ મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યું કે બલૂચિસ્તાનમાં જે કંઈ થઈ રહ્યું છે તે પાકિસ્તાનની નીતિઓનું પરિણામ છે. સ્થાનિક લોકોના અવાજને દબાવવા માટે સૈન્ય કાર્યવાહી, ગાયબ કરવાના કેસ, બિનન્યાયિક હત્યાઓ અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનું દમન કરવામાં આવે છે. ભારતે આ મુદ્દે આંતરરાષ્ટ્રીય સમુદાયનું પણ ધ્યાન ખેંચવાનો પ્રયાસ કર્યો છે કે બલૂચિસ્તાનમાં માનવાધિકારોની સ્થિતિ અત્યંત ચિંતાજનક છે.

આ તરફ પાકિસ્તાની સેના દાવો કરી રહી છે કે બલૂચિસ્તાન પ્રાંતમાં કરવામાં આવેલા અનેક આતંકવાદ વિરોધી ઓપરેશનો દરમિયાન મોટી સંખ્યામાં લડવૈયાઓ માર્યા ગયા છે. સેનાના નિવેદન મુજબ, શનિવારે શરૂ કરાયેલા ઓપરેશનોમાં ઓછામાં ઓછા ૧૫ પાકિસ્તાની સૈનિકો અને ૯૨ આતંકવાદીઓના મોત થયા છે. પાકિસ્તાની સેનાએ આ કાર્યવાહીનું કારણ અલગાવવાદી જૂથો દ્વારા કરાયેલા સંકલિત હુમલાઓને ગણાવ્યું છે.

પાકિસ્તાની સેનાના કહેવા પ્રમાણે, આતંકવાદીઓએ ક્વેટા, મસ્તુંગ, નુશ્કી, દલબાંદીન, ખારાન અને પંજગુર સહિતના વિસ્તારોમાં હુમલાઓ કરીને અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો. સુરક્ષા મથકો, પોલીસ સ્ટેશનો અને સરકારી સંસ્થાઓને નિશાન બનાવવામાં આવી હતી. આ હુમલાઓ બાદ સુરક્ષા દળોએ મોટા પાયે ઓપરેશન શરૂ કર્યું હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

સ્થાનિક સુરક્ષા અધિકારીઓના જણાવ્યા મુજબ, શનિવારે બલૂચિસ્તાનના દક્ષિણપશ્ચિમ ભાગના અનેક શહેરોમાં ભારે અથડામણો થઈ. આ અથડામણોમાં ઓછામાં ઓછા ૬૭ લડવૈયાઓના મોત થયા હોવાનું જણાવવામાં આવ્યું છે. સાથે જ, લગભગ ૧૦ પોલીસ અને સુરક્ષા કર્મીઓ તથા ૧૧ નાગરિકોના પણ મોત થયા છે. બે ડઝનથી વધુ પોલીસ કર્મીઓ ઘાયલ થયા હોવાનું પણ સૂત્રો કહે છે.

પાકિસ્તાનના ગૃહ મંત્રી મોહસિન નકવી હુમલાઓની નિંદા કરતા નિવેદનમાં કહ્યું કે સુરક્ષા દળોએ સમયસર કાર્યવાહી કરીને મોટા નુકસાનને અટકાવ્યું છે. તેમણે દાવો કર્યો કે ડઝનેક આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. જોકે, આ દાવાઓ પર આંતરરાષ્ટ્રીય સ્તરે શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, કારણ કે બલૂચિસ્તાનમાં અગાઉ પણ આવા ઓપરેશનો દરમિયાન નાગરિકોને નુકસાન પહોંચ્યાના આરોપો લાગ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.