જુહાપુરામાં રક્તદાન શિબિર યોજાઈ
Files Photo
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરના જુહાપુરા વિસ્તારમાં આવેલ એમ્પાયર પાર્ટી પ્લોટ ખાતે આફ્યત ફાઉન્ડેશન દ્વારા એક અનોખી રક્તદાન શિબિરનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન શિબિરનો મુખ્ય હેતુ થેલેસેમિયા પીડિત બાળકોને મદદરૂપ થવાનો હતો. આ કેમ્પમાં ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા રક્તસંગ્રહ અને જરૂરી તબીબી સહાય પૂરી પાડવામાં આવી હતી.
આ રક્તદાન શિબિરમાં સંસ્થાના સભ્યો તેમજ જુહાપુરા વિસ્તારના ઉત્સાહી નવયુવાન સાથીઓએ મોટી સંખ્યામાં રક્તદાન કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ રજૂ કર્યું હતું. યુવાનોમાં રક્તદાન અંગે જાગૃતિ ફેલાવવાના આશયથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે સાથે તમામ રક્તદાતાઓને સ્મૃતિચિહ્ન રૂપે સર્ટિફિકેટ તેમજ યાદગાર ભેટ આપવામાં આવી હતી.
આ રક્તદાન કેમ્પને પ્રોત્સાહન આપવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણ, બહેરામપુરાના કાઉન્સિલર તથા સેન્ટ્રલ ઈદે મિલાદુન્નબી કમિટીના ચેરમેન તસ્લીમ આલમજી, સિનિયર મ્યુનિસિપલ કાઉન્સિલર ઈકબાલ શેખ, સ્થાનિક કાઉન્સિલર ઝૈનબબેન સહિત અનેક મહાનુભાવોએ ઉપસ્થિત રહી કાર્યક્રમને ઉત્સાહિત કર્યો હતો.
