ગુજરાતના ૮ જિલ્લામાં માવઠાંની આગાહી
પ્રતિકાત્મક
પંચમહાલ-મહીસાગરમાં કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત -માવઠાંની આગાહીને પગલે અગમચેતીના પગલાં લેવા ખેડૂતોને અપીલ
અમદાવાદ, ગુજરાતમાં ધીરે ધીરે ઠંડીનું જોર ઘટતું હોય તેવું લાગી રહ્યું છે. તેવામાં હવામાન વિભાગે સોમવારે (૨ ફેબ્રુઆરી, ૨૦૨૬) ઉત્તર અને મધ્ય ગુજરાતના ૮ જિલ્લા ગાજવીજ સાથે હળવા કમોસમી વરસાદની આગાહી કરી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ, આજે સોમવારે અરવલ્લી, મહીસાગર, દાહોદ, ખેડા, પંચમહાલ, વડોદરા, આણંદ, ભરૂચ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ મે ઘગર્જના સાથે માવઠાંની આગાહી છે. રાજ્યમાં ભર શિયાળે કમોસમી વરસાદની આગાહી છે, ત્યારે પંચમહાલ અને મહીસાગર સહિતના વિસ્તારોમાં આજે અચાનક વાતાવરણમાં પલટો આવતા માવઠું થયું હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં પંચમહાલના શહેરા તાલુકામાં મોરવા રેણાં પંથકમાં અને મહીસાગર જિલ્લાના સંતરામપુર પંથકમાં માવઠું થતાં ખેડૂતોમાં ચિંતા વધી છે.
કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહીને લઈને ખેતીવાડી અધિકારીની કચેરી દ્વારા ખેડૂતોને પાક સંરક્ષણ માટે અગમચેતીના પગલાં લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. કમોસમી વરસાદને કારણે ઉભા પાક અને લણણી કરેલા પાકને નુકસાન થવાની ભીતિ રહેલી છે, ત્યારે ખેડૂતોએ પાકની કાપણી કરી લીધી હોય અને પાક ખેતરમાં ખુલ્લો પડ્યો હોય તેવા ખેડૂતોએ ત્વરિત ધોરણે પોતાના ખેત ઉત્પાદિત પાકને સલામત સ્થળે ખસેડવા.
જો પાક ખસેડવો શક્ય ન હોય, તો તેને પ્લાસ્ટિક અથવા તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવો. વધુમાં વાદળછાયા અને વરસાદી વાતાવરણ દરમિયાન જંતુનાશક દવાઓનો છંટકાવ તેમજ ખાતરનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ.
ખેતીની પેદાશો ઉપરાંત, ખેડૂતોએ વાવેતર માટે રાખેલા બિયારણ અને ખાતરનો જથ્થો પણ પલળે નહીં તે રીતે સુરક્ષિત રાખવા સૂચના આપવામાં આવી છે. એ.પી.એમ.સી. ખાતે માલ લઈને આવતા ખેડૂતો અને વેપારીઓને પણ આગોતરી સાવચેતી રાખવા વિનંતી કરાઈ છે. જેમાં ખેતપેદાશોને બજાર સમિતિના શેડ નીચે રાખવી અથવા તાડપત્રીથી ઢાંકીને સુરક્ષિત કરવી. વધુ વિગતવાર માહિતી કે માર્ગદર્શન માટે કિસાન કોલ સેન્ટરના ટોલ ફ્રી નંબર ૧૮૦૦-૧૮૦-૧૫૫૧ પર પણ સંપર્ક કરી શકાશે.
