મમતા બેનરજીએ જ્ઞાનેશ કુમાર સાથે મુલાકાત કરી ગંભીર આરોપો લગાવ્યા
મમતા કાળી શાલ ઓઢીને મુખ્ય ચૂંટણી કમિશનરને મળ્યા
એસઆઇઆર પીડિતો દિલ્હીમાં રોકાયા ત્યાં પોલીસ ખડકી દેવાઇ, બ્લાસ્ટ થયા ત્યારે ક્યાં ગયા હતા ? : મુખ્યમંત્રી
ચૂંટણી પંચ ભાજપનું આઇટી સેલ, આવા અહંકારી કમિશનર નથી જોયા : મમતા
નવી દિલ્હી,પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સાથે મુલાકાત કરી હતી, જે બાદ ગંભીર આરોપો લગાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે ચૂંટણી પંચ ભાજપનું આઇટી સેલ છે. ટીએમસીનું એક ડેલિગેશન એસઆઇઆર મુદ્દે દિલ્હીમાં મુખ્ય ચૂંટણી કમિશનરને મળ્યું હતું. આ દરમિયાન એસઆઇઆર પ્રક્રિયાના પીડિત લોકોને પણ સાથે લાવવામાં આવ્યા હતા. બંગાળના આ મતદારો સાથે દિલ્હી પોલીસ દ્વારા ગેરવર્તન કરવામાં આવ્યું હોવાનો આરોપ ટીએમસીએ લગાવ્યો છે.
પશ્ચિમ બંગાળમાં એસઆઇઆર પ્રક્રિયા દરમિયાન અનેક લોકોના નામ ડ્રાફ્ટમાં સામેલ થઇ શક્યા નથી. આવા ૫૦ પરિવારને લઇને મમતા બેનરજી દિલ્હી પહોંચ્યા હતા. તેઓને રાજ્યના વિવિધ ભવનોમાં રાખવામાં આવ્યા જેમાં દિલ્હીના ચાણક્યપુરી સ્થિત બાંગ્લા ભવનનો પણ સમાવેશ થાય છે. જેમાંથી કેટલાકને બાદમાં સોમવારે મુખ્ય ચૂંટણી કમિશનર સાથે મુલાકાત માટે મમતા પોતાની સાથે લઇ ગયા હતા. તે પહેલા પોતાના રાજ્યના નાગરિકોને મળવા માટે મમતા આ બાંગ્લા ભવન પહોંચ્યા હતા જ્યાં બહુ જ મોટી સંખ્યામાં પોલીસ ખરડવામાં આવી હતી.
જેને પગલે મમતા બેનરજી રોષે ભરાયા હતા અને કહ્યું હતું કે બાંગ્લા ભવનમાં બંગાળના નાગરિકોને પરેશાન કરાઇ રહ્યા છે. જ્યાં પણ એસઆઇઆર પીડિતો રોકાયા છે ત્યાં દિલ્હી પોલીસ તૈનાત કરી દેવાઇ છે, જ્યારે દિલ્હીમાં બ્લાસ્ટ થયા હતા ત્યારે આ દિલ્હી પોલીસ ક્યાં ગઇ હતી? મુખ્યમંત્રીએ કહ્યું હતું કે હું દિલ્હી પોલીસ પર દોષ નાખવા નથી માગતી, મારો સવાલ જે ટોચ પર બેઠા છે તેમને છે. જ્યારે ટીએમસીના નેતા સાકેત ગોખલેએ દાવો કર્યાે હતો કે દિલ્હી પોલીસે બંગાળના આ પીડિતોને એવી ધમકી આપી છે કે જો તેઓ જ્યાં રોકાયા છે ત્યાંથી બહાર નિકળશે તો તેમની અટકાયત કરી લેવામાં આવશે.
વિવાદ વચ્ચે બાદમાં કાળી ચાદર પહેરીને મમતા બેનરજી મુખ્ય ચૂંટણી કમિશનરને મળ્યા હતા. આ મુલાકાત બાદ તેમણે દાવો કર્યાે હતો કે એસઆઇઆર પ્રક્રિયા દરમિયાન બંગાળમાં ૧૪૦થી ૧૫૦ લોકો માર્યા ગયા છે. હું બહુ જ દુઃખી છું, દિલ્હીના રાજકારણમાં લાંબા સમયથી સક્રિય છું, ચાર વખત મુખ્યમંત્રી અને સાત વખત સાંસદ રહી ચુકી છું, મે આજ દિન સુધી આટલા અહંકારી અને જુઠા ચૂંટણી કમિશનર નથી જોયા, ચૂંટણી પંચે ૯૮ લાખ લોકોના નામ મતદાર યાદીમાંથી હટાવી નાખ્યા. તેમને પોતાનો બચાવ કરવાની તક પણ આપવામાં ના આવી.ss1
