Western Times News

Gujarati News

બલોચ-પાક. લશ્કર વચ્ચેના લોહિયાળ જંગમાં ૧૯૦નાં મોત

મૃતકોમાં સામાન્ય નાગરિકો, બળવાખોરો અને પાકિસ્તાન આર્મીના જવાનોનો સમાવેશ

બલોચિસ્તાન પ્રાંતની અત્યંત વિસ્ફોટક સ્થિતિને ધ્યાનમાં લેતાં સમગ્ર પ્રાંતમાં છેલ્લા બે દિવસથી ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી

ક્વેટા,બલોચ બળવાખોરો દ્વારા છેલ્લાં ત્રણ-ચાર દિવસમાં કરવામાં આવેલાં શ્રેણીબદ્ધ હુમલાઓ બાદ પાકિસ્તાનના લશ્કરે તેમને ખતમ કરવા પૂરી તાકાત લગાવી દીધી છે. બલોચિસ્તાનના બળવાખોરોને ભારત તરફથી સતત ઉશ્કેરણી કરવામાં આવી રહી છે એવા પાકિસ્તાનના આરોપનું નવી દિલ્હીએ સ્પષ્ટ શબ્દોમાં ખંડન કર્યું હતું અને તમામ આરોપોને પાયાવિહિન ગણાવ્યા હતા.

બલોચ બળવાખોરો અને પાકિસ્તાનની આર્મી વચ્ચે ચાલી રહેલાં આ લોહિયાળ જંગમાં અત્યાર સુધીમાં ૧૯૦ લોકોના મોત થયા છે. મૃતકોમાં સામાન્ય નાગરિકો, બળવાખોરો અને પાકિસ્તાન આર્મીના જવાનોનો સમાવેશ થાય છે.બલોચિસ્તાન લિબરેશન આર્મી (બીએલએ)ના બળવાખોરોએ બે દિવસ અગાઉ પાકિસ્તાનના પોલીસ મથકો, લશ્કરી મથકો અને સુરક્ષાદળોના જવાનોને નિશાન બનાવતા શ્રેણીબદ્ધ ૧૨ હુમલા કર્યા હતા જેમાં સુરક્ષાદળોના ૧૭ જવાનો અને ૩૧ નાગરિકોના મોત થયા હતા એમ બલોચિસ્તાનના મુખ્યમંત્રીનું કહેવું હતું.

આ જંગમાં બીએલએના ૧૪૫ બળવાખોરો પણ માર્યા ગયા હતા. બલોચિસ્તાન પ્રાંતની અત્યંત વિસ્ફોટક સ્થિતિને ધ્યાનમાં લેતાં સમગ્ર પ્રાંતમાં છેલ્લા બે દિવસથી ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે, તે ઉપરાંત ટ્રાફિક પણ ખોરવાઇ ગયો છે અને ટ્રેન સેવાઓ પણ ઠપ થઇ ગઇ છે એમ એએફપી સમાચાર સંસ્થાએ કહ્યું હતું. પ્રાંતમાં જે કોઇ વ્યક્તિ ઘરમાંથી બહાર નીકળે તે સાજો-સમો ઘરે પાછો ફરશે એવી કોઇ ખાતરી આપી શકે તેમ નથી એમ હમદુલ્લા નામના એક વેપારીએ સમાચાર સંસ્થાને કહ્યું હતું.

છેલ્લાં બે દિવસની વિસ્ફોટ સ્થિતિ અને અનેક સ્થળોએ થયેલાં પ્રચંડ બોંબ વિસ્ફોટના પગલે બલોચિસ્તાનના પાટનગર ક્વેટામાં આજે સ્મશાનવત શાંતિ જોવા મળી હતી. શહેરના તમામ રોડ ઉપર જાણે કર્ફ્યુ લાદવામાં આવ્યો હોય એવી સ્થિતિ પ્રવર્તતી હતી, કેમ કે તમામ વેપારીઓએ પોતાની દુકાનો બંધ રાખી હતી અને લોકોએ ભયના માર્યા ઘરોમાં જ પૂરાઇ રહેવાનું યોગ્ય માન્યું હતું.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.