Western Times News

Gujarati News

રાજકોટમાં વંદે ભારત ટ્રેનની અડફેટે બે યુવાનોનાં મોત, એક ગંભીર

સેલ્ફી લેવાના ચક્કરમાં ઘટના બન્યાનું પ્રાથમિક અનુમાન

રાજકોટ રેલવે પ્રોટેક્શન ફોર્સ અને સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે પંચનામું કરી મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા

રાજકોટ,રાજકોટના ગોંડલ ચોકડી પાસે આવેલા માલધારી ફાટક નજીક સોમવાર બપોરે હાઈસ્પીડ વંદે ભારત ટ્રેનની અડફેટે આવતા બે યુવાનોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે જ્યારે એક યુવાન ગંભીર રીતે ઘાયલ થયો છે. ભક્તિનગર અને રિબડા રેલવે સ્ટેશન વચ્ચે ટ્રેક પર સેલ્ફી લેવા અને સોશિયલ મીડિયા માટે રીલ બનાવવાના પ્રયાસમાં આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હોવાની પ્રાથમિક વિગતો બહાર આવી છે. રેલવે પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરતા મૃતકો પાસેથી મોબાઈલ ફોન મળી આવ્યા છે જેમાં ટ્રેક પર સેલ્ફી લેતા હોય તેવા ફોટા જોવા મળ્યા છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ દુર્ઘટનામાં સંદીપ પટેલ અને સંદીપ કોહલી નામના બે યુવાનોના મોત થયા છે. જે પૈકી એકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે બીજાએ સારવાર દરમિયાન દમ તોડ્યો હતો. અકસ્માતમાં ૧૯ વર્ષીય કપિલ પટેલને ગંભીર ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.

આ ત્રણેય મિત્રો મૂળ ઉત્તરપ્રદેશના વતની છે અને રાજકોટમાં કારખાનામાં મજૂરી કામ કરતા હતા.રેલવે તંત્રના જણાવ્યા અનુસાર આ ઘટનાને પગલે વંદે ભારત ટ્રેનને નિર્ધારિત સ્થળે રોકી દેવાની ફરજ પડી હતી. સાંજે ૫.૪૦ કલાકે તમામ કાયદેસરની કાર્યવાહી અને તપાસ પૂર્ણ થયા બાદ ટ્રેનને આગળ રવાના કરવામાં આવી હતી. રાજકોટ રેલવે પ્રોટેક્શન ફોર્સ અને સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે પંચનામું કરી મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. અકસ્માતના કારણ અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે.

હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઈજાગ્રસ્ત યુવાનના નિવેદન બાદ સમગ્ર ઘટનાક્રમની વધુ સ્પષ્ટતા થશે તેવું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે. અકસ્માતના સમાચાર મળતા જ રેલવે તંત્રના ઉચ્ચ અધિકારીઓ અને ૧૦૮ની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી. હાલ પોલીસે મૃતકોના પરિવારજનોને જાણ કરવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.