Western Times News

Gujarati News

રાજકોટની યસ બેંકમાં ભીષણ આગ, ભારે નુકસાનની શક્યતા

ત્રણ ફાયર ફાઈટરની ટીમે શટર તોડી કલાકની જહેમત બાદ કાબૂ મેળવ્યો

પ્રાથમિક તપાસમાં આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે

રાજકોટ,રાજકોટ શહેરના રેસકોર્સ રિંગ રોડ વિસ્તારમાં આવેલા યસ બેંકના બ્રાંચમાં ગઈકાલે મોડી રાત્રે આગ લાગવાની ઘટના સામે આવી હતી. ૨ ફેબ્›આરીની રાત્રે અંદાજે ૧૧.૩૫ વાગ્યાના સમયગાળામાં બેંકના જિલ્લા પંચાયત ચોક સ્થિત બિલ્ડિંગના પહેલા માળે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. પ્રાથમિક તપાસમાં આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે.

આ ઘટનાને પગલે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.આગ લાગતા જ થોડા સમયમાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. બેંકની અંદર ભારે ગરમી વધતા બારીના કાચ ફૂટીને નીચે રોડ પર પડતા હતા, જેના કારણે માર્ગ પરથી પસાર થતા વાહનચાલકો અને સ્થાનિકોમાં ભય ફેલાયો હતો. ઘટનાની જાણ થતાં તાત્કાલિક પોલીસ અને ફાયર વિભાગને માહિતી આપવામાં આવી હતી. ફાયર વિભાગની ત્રણ ફાયર ફાઈટર ટીમો તુરંત જ સ્થળ પર દોડી આવી હતી અને આગ બુઝાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.

શરૂઆતમાં ફાયર ફાઈટરો દ્વારા બેંકના આગળના ભાગમાંથી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. થોડા સમય માટે આગ કાબૂમાં આવી હોવાનું લાગ્યું હતું, પરંતુ થોડી જ મિનિટોમાં ફરી આગ ભભૂકી ઉઠી હતી. ત્યારબાદ ફાયર વિભાગે કટર મશીનની મદદથી બેંકનું શટર લોક તોડી અંદર પ્રવેશ કર્યાે હતો અને અંદરની બાજુથી પાણીનો મારો ચલાવી આગ પર નિયંત્રણ મેળવ્યું હતું. લાંબી મહેનત બાદ રાત્રે લગભગ ૧૨.૩૫ વાગ્યાના સમયગાળામાં આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો.

આ ઘટનાના પગલે બેંકની અંદર આવેલા ફર્નિચર, દસ્તાવેજો, કમ્પ્યુટર સિસ્ટમો સહિતના સાધનોને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું હોવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. જોકે આગના સમયે બેંક બંધ હોવાથી કોઈ જાનહાની થઈ નહોતી, જે રાહતની બાબત રહી હતી.આગ લાગ્યાની જાણ થતા બેંકના અધિકારીઓ પણ તાત્કાલિક રાત્રિ દરમિયાન બેંક ખાતે પહોંચ્યા હતા અને સમગ્ર ઘટનાની જાણ હેડ ઓફિસને કરવામાં આવી હતી. બનાવના પગલે પોલીસ વિભાગના પીઆઈ તેમજ એસીપી કક્ષાના અધિકારીઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા અને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. આગ લાગવાના ચોક્કસ કારણોની તપાસ હાલ ચાલી રહી છે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.