Western Times News

Gujarati News

બોક્સ ઓફિસ પર ‘પાતકી’નો જાદુ: અણધાર્યા સસ્પેન્સ સાથે ફિલ્મે જીત્યા પ્રેક્ષકોના દિલ

અમદાવાદ: ગુજરાતી સિનેમામાં જ્યારે નવીનતમ વિષયોની ફિલ્મો બની રહી છે, ત્યારે 30 જાન્યુઆરીએ રિલીઝ થયેલી સસ્પેન્સ થ્રિલર ફિલ્મ ‘પાતકી’ હાલ સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહી છે. રિલીઝના પ્રથમ દિવસથી જ ફિલ્મને પ્રેક્ષકો અને વિવેચકો તરફથી શાનદાર પ્રતિસાદ મળી રહ્યો છે.

ફિલ્મની સફળતા પાછળ તેની મજબૂત વાર્તા અને કલાકારોનો પ્રભાવશાળી અભિનય મુખ્ય કારણ ગણાઈ રહ્યો છે. ગૌરવ પાસવાલાએ ભજવેલું ‘માનવ’નું પાત્ર અને શ્રદ્ધા ડાંગર દ્વારા નિભાવવામાં આવેલી ‘નિત્યા’ની ભૂમિકાએ લોકોના દિલ જીતી લીધા છે.

આ સાથે જ હિતેન તેજવાણી, સુચિતા ત્રિવેદી અને ઉજ્જવલ દવે જેવા અનુભવી કલાકારોના પરફોર્મન્સે ફિલ્મમાં પ્રાણ ફૂંક્યા છે. દિગ્દર્શક અને લેખક અભિનય દેશમુખની સ્ટોરી ટેલિંગ સ્ટાઈલ એવી છે કે પ્રેક્ષકો દરેક દ્રશ્યે કંઈક નવું થવાની અપેક્ષા રાખે છે, જે તેમને અંત સુધી જકડી રાખે છે.

‘એએમપી સ્ટુડિયો પ્રોડક્શન્સ’ દ્વારા નિર્મિત આ ફિલ્મ માત્ર સ્થાનિક સ્તરે જ નહીં, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ડંકો વગાડી રહી છે. યુએસ, યુકે, કેનેડા અને દુબઈ જેવા દેશોમાં વસતા ગુજરાતીઓ પણ આ ફિલ્મને ખૂબ પ્રેમ આપી રહ્યા છે. પ્રોડ્યુસર્સ આલાપ કિકાણી, દિવ્યેશ દોશી અને સમગ્ર ટીમે ફિલ્મની આ ભવ્ય સફળતા બદલ પ્રેક્ષકોનો આભાર વ્યક્ત કર્યો છે.

ફિલ્મની વાર્તામાં રહેલી સાઈકોલોજિકલ કોમ્પ્લેક્સિટી, જેમાં એક માણસ પોતાની નિર્દોષતા સાબિત કરવાને બદલે ગુનાની કબૂલાત કરવા માંગે છે છતાં પુરાવા તેની વિરુદ્ધ છે, તે પાસાએ પ્રેક્ષકોમાં ભારે કુતૂહલ જગાવ્યું છે.

સોશિયલ મીડિયા પર પણ ફિલ્મ અંગે સકારાત્મક રિવ્યુઝ આવી રહ્યાંછે. ‘પાતકી’ એ સાબિત કરી દીધું છે કે જો વાર્તા દમદારહોય તો ગુજરાતી ફિલ્મો વૈશ્વિક સ્તરે ડંકો વગાડી શકે છે. જો તમે હજુ સુધી આ રોમાંચક અનુભવ નથી લીધો, તો આજે જ તમારા નજીકના સિનેમાઘરમાં ટિકિટ બુક કરાવો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.