Western Times News

Gujarati News

ફૂડ પેકેટની આડમાં અમદાવાદ એરપોર્ટ પરથી ઘૂસાડાઈ રહ્યુ હતું ડ્રગ્સ

પ્રતિકાત્મક

બેંગકોકથી આવેલી મહિલા ચોકલેટના પેકેટમાં રૂ. ૧ કરોડનો ગાંજો છુપાવી લાવતા ઝડપાઈ

કસ્ટમ્સ વિભાગની મોટી કાર્યવાહીઃ હાઈડ્રોપોનિક્સ મરિજુઆનાના ૯ પેકેટ જપ્ત

(એજન્સી)અમદાવાદઃ અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ હવે સ્મગલરો માટે સુરક્ષિત રહ્યું નથી. સોનાની દાણચોરી બાદ હવે ડ્રગ્સ માફિયાઓ પણ કસ્ટમ્સની રડારમાં આવી રહ્યા છે. દરમિયાન એર ઇન્ટેલિજન્સ યુનિટે બાતમીના આધારે બેંગકોકથી આવેલી એક મહિલા પેસેન્જરને અટકાવી તેની પાસેથી આશરે રૂ. ૧ કરોડની કિંમતનો હાઇબ્રિડ ગાંજો ઝડપી પાડ્‌યો છે. આરોપી મહિલા અત્યંત ચાલાકીપૂર્વક ચોકલેટ અને ફૂડ પેકેટ્‌સમાં આ નશીલો પદાર્થ છુપાવીને લાવી હતી.

અમદાવાદ એરપોર્ટ પર છેલ્લા કેટલાક સમયથી કસ્ટમ્સ વિભાગ દ્વારા કડક ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. દરમિયાન એર ઇન્ટેલિજન્સ યુનિટને બાતમી મળી હતી કે બેંગકોકથી આવતી ફ્‌લાઇટમાં ડ્રગ્સની હેરફેર થઈ રહી છે. આ બાતમીના આધારે શંકાસ્પદ મહિલા મુસાફરને અટકાવી જ્યારે તેના સામાનનું સ્કેનિંગ અને તપાસ કરવામાં આવી, ત્યારે અધિકારીઓ પણ ચોંકી ઉઠ્‌યા હતા.

મહિલાની ટ્રાવેલિંગ બેગની તપાસ કરતા તેમાંથી વિવિધ ખાણી-પીણી અને ચોકલેટના પેકેટો મળી આવ્યા હતા. ઉપરથી સામાન્ય દેખાતા આ ૯ પેકેટોને જ્યારે ખોલવામાં આવ્યા ત્યારે તેની અંદરથી પ્લાસ્ટિકના સીલબંધ પેકેટમાં છુપાવેલો લીલા રંગનો પદાર્થ મળી આવ્યો હતો. એફએસએલની પ્રાથમિક તપાસમાં આ પદાર્થ ઉચ્ચ ગુણવત્તાનો ‘હાઈડ્રોપોનિક્સ મરિજુઆના’ (હાઈબ્રિડ ગાંજો) હોવાનું પુરવાર થયું હતું.

કસ્ટમ્સ વિભાગે મહિલા પાસેથી કુલ ૯૪૮ ગ્રામ હાઈડ્રોપોનિક્સ ગાંજો જપ્ત કર્યો છે, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત અંદાજે રૂ.૧ કરોડ આંકવામાં આવી રહી છે. આ અંગે મહિલા સામે એનડીપીએસ એક્ટ હેઠલ ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.

કસ્ટમ્સ વિભાગે મહિલા મુસાફરની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરવાની તજવીજ હાથ ધરી છે. આ મહિલા માત્ર ‘કરિયર’ તરીકે કામ કરતી હતી કે પછી તે કોઈ મોટા ડ્રગ્સ રેકેટનો હિસ્સો છે? આ ગાંજો અમદાવાદમાં કોને પહોંચાડવાનો હતો? તે દિશામાં ઉંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે. બેંગકોકથી ડ્રગ્સ લાવવાના વધતા કિસ્સાઓને જોતા એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવી દેવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.