Western Times News

Gujarati News

હોટલમાં રોકાયેલા કેટલાક યુવકો શંકાસ્પદ એક્ટિવિટી કરી રહ્યા હતા: 3ની ધરપકડ

AI Image

અમદાવાદની હોટલમાં રોકાઈને અમેરિકન નાગરિકોને લોનની લાલચ આપી ગિફ્ટ વાઉચર્સ ખરીદવા જાળ ફેલાવતા હતા-આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ કેસમાં નવા ખુલાસાઓ થશે

(એજન્સી)અમદાવાદ, અમદાવાદ શહેરમાં ખાડિયા પોલીસે એક આંતરરાષ્ટ્રીય સાયબર છેતરપિંડી રેકેટનો પર્દાફાશ કર્યો છે. જે અમેરિકન નાગરિકોને લોનની લાલચ આપી ગિફ્ટ વાઉચર્સ ખરીદવા જાળ ફેલાવતા હતા, ક્રિપ્ટોકરન્સી દ્વારા પૈસાની ઉચાપત કરીને ભારતીય ચલણમાં નાણાં રૂપાંતરિત કરતાં હતા. ચોક્કસ માહિતીને આધારે કરેલી કાર્યવાહીમાં પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.

ખાડિયા પોલીસને બાતમી મળી હતી કે હોટલ સંગમમાં છેલ્લા ત્રણ દિવસથી રોકાયેલા કેટલાક યુવકો શંકાસ્પદ એક્ટિવિટી કરી રહ્યા હતા. આ બાદ પોલીસે હોટેલના રૂમમાં રેડ પાડી, ત્યારે પોલીસ પણ ચોંકી ઉઠી હતી. રૂમમાં લેપટોપ અને મોબાઈલ ફોન દ્વારા અમેરિકન નાગરિકો સાથે છેતરપિંડીનું આખું નેટવર્ક ચાલી રહ્યું હતું. પોલીસે સ્થળ પરથી મુંબઈના ક્લેટન રોડ્રિક્સ તેમજ અમદાવાદના રહેવાસી કપિલ પઢિયાર અને ધવલ દરજીને ઝડપી પાડ્યા હતા.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આરોપીઓ ડાર્ક વેબ અથવા અન્ય ગેરકાયદેસર સ્ત્રોતો દ્વારા અમેરિકન નાગરિકોનો પર્સનલ ડેટા મેળવતા હતા. ઇન્ટરનેટ કોલિંગ એપ્લિકેશનનો ઉપયોગ કરીને તેઓ અમેરિકામાં કોલ કરતા અને લોકોને તમારી લોન મંજૂર થઈ ગઈ છે કહીને વિશ્વાસમાં લેતા હતા.

લોન આપવાના બહાને પ્રોસેસિંગ ફી કે અન્ય ચાર્જિસ પેટે દરેક ભોગ બનનાર પાસેથી ૧૫૦થી ૨૦૦ ડોલર પડાવવામાં આવતા હતા. છેતરપિંડીની આ રકમ સીધી બેંકમાં લેવાને બદલે તેઓ યુએસડીટીમાં મેળવતા હતા અને ત્યારબાદ તેને ભારતીય ચલણમાં કન્વર્ટ કરતા હતા, જેથી પોલીસ પકડથી બચી શકાય.

પોલીસ તપાસમાં ખૂલ્યું છે કે, ‘આરોપીઓએ અમેરિકન નાગરિકોનો વ્યક્તિગત ડેટા મેળવ્યો હતો અને ખોટી ઓળખ હેઠળ તેમનો સંપર્ક કરવા માટે ગુગલ વોઇસનો ઉપયોગ કર્યો હતો, તાત્કાલિક લોન મંજૂરીની ઓફર કરી હતી. સંભવિત પીડિતોને ઢગલાબંધ સંદેશાઓ અને કોલ કરવામાં આવ્યા હતા, જે બાદ ખાતરી આપીને વિશ્વાસમાં લેવામાં આવતા હતા કે તેમની લોન મંજૂર થઈ ગઈ છે.

પીડિત અમેરિકન નાગરિકોને પ્રોસેસિંગ ફી અને ચુકવણી સુરક્ષા વીમાના બહાને વોલમાર્ટ, વોલમાર્ટ ગ્રીન, એપલ પે અને ટાર્ગેટ કાર્ડ્‌સ સહિત ગિફ્ટ વાઉચર્સ ખરીદવા માટે કહેવામાં આવ્યું હતું, જે સામાન્ય રીતે ડોલર ૧૦૦ થી ડોલર ૫૦૦ની વચ્ચે મૂલ્યના હતા. એકવાર વાઉચર કોડ શેર કરવામાં આવ્યા પછી તેની આવક હેન્ડલરને મોકલવામાં આવી હતી

જેણે યુએસડીટી (ક્રિપ્ટોકરન્સી) નો ઉપયોગ કરીને રકમને ભારતીય ચલણમાં રૂપાંતરિત કરવામાં આવતી હતી, જે બાદ હવાલા અને આંગડિયાના માધ્યમ થકી ભંડોળની હેરાફેરી થતી હતી.વિદેશી નાગરિકો સાથે છેતરપિંડી કરવાના ગુનાહિત કાવતરાના ભાગ રૂપે ત્રણેય આરોપીઓએ સાથે મળીને કામ કર્યું હતું. છેતરપિંડીમાં આરોપીઓની ભૂમિકાઓ અલગ અલગ હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.