ભરૂચના શુકલતીર્થમાંથી લાખોના વિદેશી દારૂ સાથે બુટલેગરની અટકાયત કરી
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચના શુકલતીર્થ વિસ્તારમાં એલસીબી દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.ચોક્કસ બાતમીના આધારે એલસીબી પોલીસે શુકલતીર્થ સીમમાં આવેલ એક ખેતરમાં દરોડો પાડી મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપી પાડી એક બુટલેગરની અટકાયત કરી હતી જયારે એકને વોન્ટેડ જાહેર કર્યો હતો.
ભરૂચ એલસીબીની ટીમને બાતમી મળી હતી કે શુકલતીર્થ સીમમાં મોટી માત્રામાં દારૂ ઉતરી રહ્યો છે.જેના આધારે રેઈડ કરતા ઘટના સ્થળેથી વિવિધ બ્રાન્ડની કુલ ૧૭૬૪ બોટલ વિદેશી દારૂ જેની અંદાજિત કિંમત રૂ.૫,૨૬,૮૦૦ સાથે શુકલતીર્થના બુટલેગર કાર્તિક સુરેશ પટેલને પોલીસે ઝડપી લીધો હતો.
જેની અંગ ઝડતી કરતા તેની પાસેથી મોબાઈલ ફોન નંગ ૨ જેની અંદાજિત કિંમત રૂ.૧,૬૦,૦૦૦ મળી કુલ રૂ. ૬,૮૬,૮૦૦ નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો.
પોલીસે ઝડપેલ કાર્તિક પટેલની પૂછપરછ કરતા દારૂના કારોબારમાં સંડોવાયેલ સુરતના કોસંબાના જીગ્નેશ ઉર્ફે જીગો અવધૂત પટેલને વોન્ટેડ જાહેર કરી ભરૂચ એલસીબી દ્વારા નબીપુર પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ પ્રોહિબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે શુકલતીર્થ સીમમાં પોલીસ દ્વારા કરવામાં આવેલ કાર્યવાહીથી દારૂના ગેરકાયદેસર કારોબાર કરનારાઓમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.
