Western Times News

Gujarati News

આમોદમાં સરકારી જમીન ઉપર દબાણ કરનારનું પાકું મકાન પાલિકાએ JCBથી તોડી પાડ્‌યું

નગરપાલિકાએ વારંવાર નોટિસ આપી મકાન ખાલી કરવા જાણ કરી હતી: મુખ્ય અધિકારી

(પ્રતિનિધિ) ભરૂચ, આમોદ નગરમાં ગત રોજ મારુવાસ વિસ્તારમાં સરકારી જમીન ઉપર ગેરકાયદેસર દબાણ કરીને બનાવવામાં આવેલું પાકું મકાન પાલિકાએ પોલીસ બંદોબસ્ત સાથે માત્ર બે કલાકનો સમય આપીને તોડી પાડ્‌યું હતું.જેથી આમોદમાં અન્ય દબાણકર્તાઓમાં ફડફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.

આમોદમાં મારુવાસ વિસ્તારમાં સિટી સર્વે નંબર ૩૫૯૧ સરકારી જમીન ઉપર વર્ષોથી બાદશાહ પરિવાર પાકું મકાન બાંધીને રહેતો હતો.જે બાબતે આમોદ નગરપાલિકાએ વારંવાર નોટિસ આપી મકાન ખાલી કરવા જાણ કરી હતી.ત્યાર બાદ ગત રોજ પાલિકાના મુખ્ય અધિકારી પંકજ નાયકે પાલિકાની ટીમ સાથે પોલીસ બંદોબસ્ત સાથે મકાન તોડવા માટે ધસી આવ્યા હતા.જેથી મકાન માલિક સહિત સગા સંબંધીઓમાં પણ ભારે અફરાતફરી મચી જવા પામી હતી.

આમોદ પાલિકાની ટીમ સીટી સર્વેના અધિકારીઓને સાથે રાખીને મકાન ડિમોલિશન કરવા આવી હોવાનું જાણી કોંગ્રેસના રાજકીય અગ્રણીઓ પણ સ્થળ ઉપર આવી ગયા હતા અને મુખ્ય અધિકારી તેમજ સીટી સર્વે સુપ્રિટેન્ડેન્ટ સાથે મૌખિક ચર્ચા કરી મકાન માલિક માટે સહાનુભૂતિ દર્શાવી એક – બે દિવસની મુદત આપવા જણાવ્યું હતું.

પરંતુ આમોદ પાલિકાના મક્કમ મનના મુખ્ય અધિકારીએ સરકારની સૂચના મુજબ સરકારી જમીન ઉપર ગેરકાયદે બાંધેલું પાકું મકાન માલિકને માત્ર બે કલાકનો સમય આપીને પાલિકાના જેસીબી વડે ધ્વસ્ત કરી નાખ્યું હતું.જેથી આમોદમાં ગેરકાયદે દબાણો કરનારા લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. આ બાબતે મકાન માલિક અલ્તાફ બાદશાહે જણાવ્યું હતું કે પાલિકાએ અમોને માત્ર બે કલાકનો સમય આપીને મારું મકાન તોડી કાઢ્યું છે.

જ્યારે બજારમાં દુકાનો તોડવા માટે ત્રણ દિવસની મુદત આપી હતી.તેમજ આક્ષેપ કર્યો હતો કે આમોદ નગરમાં અનેક બાંઘકામ બિનઅધિકૃત અને સરકારી જમીનો ઉપર છે. તો પછી આમોદ ગામના બીજા ડિમોલેશન ક્યારે થશે? જેટલી ઝડપથી મારું ઘર તોડાયું તો તેટલી ઝડપથી બીજા ડિમોલેશન થશે તેવો વેધક સવાલ કર્યો હતોધ.

આ બાબતે આમોદ પાલિકાના મુખ્ય અધિકારી પંકજ નાયકે જણાવ્યું હતું કે મકાન માલિકને વર્ષ પહેલા જાણ કરવામાં આવી હતી અને વારંવાર મકાન ખાલી કરવા માટે નોટીસ આપવામા આવી હતી.તેમજ નાના તળાવનું બ્યૂટીફિકેશનનું કામ મંજૂર થયેલું છે.જેથી આ સરકારી જમીન ઉપર થયેલું દબાણ તોડીને વિકાસના બીજા કામો અમે તૈયાર કરી રહ્યા છે. સરકારી જમીન ઉપર જેમણે દબાણ કર્યું હશે તે દૂર કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.