ઓનલાઇન ગેમની લતમાં ગાઝિયાબાદની ૩ સગી બહેનોની ૯મા માળેથી મોતની છલાંગ
પ્રાથમિક તપાસમાં આ ભયાનક પગલા પાછળ ઓનલાઇન કોરિયન લવ ગેમની લત હોવાનું બહાર આવ્યું છે
ગાઝિયાબાદ, ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં ત્રણ સગીર સગી બહેનોએ નવમા માળેથી કૂદીને આત્મહત્યા કરી લીધી છે. પ્રાથમિક તપાસમાં આ ભયાનક પગલા પાછળ ઓનલાઇન કોરિયન લવ ગેમની લત હોવાનું બહાર આવ્યું છે.ગાઝિયાબાદના ટીલા મોડ વિસ્તારની ભારત સિટી સોસાયટીમાં રહેતા ચેતન કુમારની ત્રણ દીકરીઓ – નિશિકા (૧૬ વર્ષ), પ્રાચી (૧૪ વર્ષ) અને પાખી (૧૨ વર્ષ) એ એકસાથે આત્મહત્યા કરી લેતા સમગ્ર વિસ્તારમાં સન્નાટો છવાઈ ગયો છે.
પોલીસના જણાવ્યા મુજબ, કોરોના કાળ દરમિયાન આ ત્રણેય બહેનોને મોબાઈલ ગેમની લત લાગી હતી. તેઓ નિયમિત સ્કૂલે પણ જતી નહોતી અને પોતાનો મોટાભાગનો સમય મોબાઈલ સ્ક્રીન પાછળ વિતાવતી હતી.પરિવારના સભ્યોના જણાવ્યા અનુસાર, આ બહેનો ઓનલાઇન ટાસ્ક-બેઝ્ડ ગેમ્સ રમતી હતી. મંગળવારે મધરાત્રે આશરે ૨ વાગ્યે જ્યારે આખું શહેર ઊંઘતું હતું, ત્યારે આ ત્રણેય બહેનોએ તેમના ફ્લેટની ગેલેરીમાંથી એકસાથે છલાંગ લગાવી દીધી હતી.
તેમના પિતા ચેતન કુમાર હાલ આઘાતમાં છે અને કંઈ પણ બોલી શકવાની સ્થિતિમાં નથી.પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે શું આ ગેમમાં તેમને આત્મહત્યા કરવા માટે કોઈ ચોક્કસ ‘ટાસ્ક’ આપવામાં આવ્યો હતો કે કેમ. આ ઘટના ફરી એકવાર વાલીઓ માટે લાલબત્તી સમાન છે કે તેઓ પોતાના બાળકોના મોબાઈલ વપરાશ અને ઓનલાઇન પ્રવૃત્તિઓ પર કડક નજર રાખે. SS1
