પ્રાઇવસી પોલીસી મામલે સુપ્રીમ કોર્ટે વોટ્સએપ અને મેટાની ઝાટકણી કાઢી
ડેટા શેરિંગના નામે નાગરિકોની પ્રાઇવસી સાથે સમાધાનની મંજૂરી નહીંઃ સુપ્રીમ
ખાનગી માહિતીની ચોરી કરવાનો આ એક સંસ્કારસભર માર્ગ છે, જેને અમે મંજૂરી નહીં આપીએ ઃ સુપ્રીમ કોર્ટ
નવી દિલ્હી, પ્રાઇવસી પોલિસી મામલે કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા(સીસીઆઈ) દ્વારા લગાવવામાં આવેલા રૂપિયા ૨૧૩.૧૪ કરોડના દંડ સામે મેટા પ્લેટફોર્મ અને વોટ્સએપ દ્વારા દાખલ કરાયેલી અપીલોની સુનાવણી દરમિયાન મંગળવારે સુપ્રીમ કોર્ટે બંને ટેક કંપનીઓને કડક શબ્દોમાં ચેતવણી આપી છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે ડેટા શેરિંગના નામે ટેક જાયન્ટ્સ કંપનીઓને નાગરિકોના પ્રાઇવસી રાઇટ્સ સાથે રમવા દેવામાં આવશે નહીં.
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને જસ્ટિસ વિપુલ એમ. પંચોલીની બેન્ચે જણાવ્યું કે આ મામલે ૯ ફેબ્›આરીએ વચગાળાનો આદેશ અપાશે. કોર્ટે ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયને પણ આ અરજીઓમાં પક્ષકાર બનાવવા આદેશ આપ્યો છે. સુપ્રીમે મેટા અને વોટ્સએપ દ્વારા દાખલ કરાયેલી અપીલોની સુનાવણી કરી રહી હતી, જેમાં નેશનલ કંપની લા એપિલેટ ટ્રિબ્યુનલના એ ચુકાદાને પડકારવામાં આવ્યો હતો, જેમાં સીસીઆઈ દ્વારા પ્રભુત્વના દુરુપયોગ અંગે કરાયેલા નિષ્કર્ષાેને યથાવત રખાયાં હતા.
જોકે જાહેરાત સંબંધિત ડેટા શેરિંગ બાબતે મર્યાદિત રાહત અપાઈ હતી. ચીફ જસ્ટિસે કહ્યું કે, “ડેટા શેરિંગના નામે તમે આ દેશના નાગરિકોના પ્રાઇવસી અધિકાર સાથે રમી શકો નહીં. અમે તમને ડેટાનો એક શબ્દ પણ શેર કરવાની મંજૂરી નહીં આપીએ. તમારે સ્પષ્ટતા માટે અંડરટેકિંગ આપવું પડશે, નહીં તો અમારે આદેશ પસાર કરવો પડશે.
તમે નાગરિકોની પ્રાઇવસીનો ભંગ કરી શકો નહીં.” બેન્ચે નોંધ્યું કે દેશમાં પ્રાઇવસીના અધિકારનું ચુસ્તપણે સંરક્ષણ કરવામાં આવે છે અને પ્રાઇવસીની શરતો એટલી “ચતુરાઈથી તૈયાર કરવામાં આવી છે” કે સામાન્ય વ્યક્તિ તેને સમજી શકતી નથી. ચીફ જસ્ટિસે વધુમાં કહ્યું કે, “ખાનગી માહિતીની ચોરી કરવાનો આ એક સંસ્કારસભર માર્ગ છે, જેને અમે મંજૂરી નહીં આપીએ. તમારે અંડરટેકિંગ આપવી જ પડશે, નહિતર અમારે આદેશ પસાર કરવો પડશે.” SS1
