જટિલ કેન્સરની સારવાર પાછળ ખર્ચ રૂ. 30 લાખ સુધી વધી શકે
પ્રતિકાત્મક
કેન્સરની સારવાર પાછળ ખર્ચમાં વૃદ્ધિ અને લાંબા ગાળાની સંભાળના લીધે નાણાકીય બોજ વધી રહ્યો છે : કેર હેલ્થ ઈન્સ્યોરન્સ
• વહેલાં નિદાનના આધારે સારવાર પાછળ થતો ખર્ચ પાંચથી સાત લાખ રૂપિયા
• જટિલ કેન્સરની સારવાર પાછળ ખર્ચ રૂ. 30 લાખ સુધી વધી શકે
• ક્લેમ્સના વલણના આધારે રૂ. 15થી 25 લાખનું હેલ્થ ઈન્સ્યોરન્સ કવર જરૂરી
નવી દિલ્હી, વિશ્વ કેન્સર જાગૃત્તિ દિવસ પર કેર હેલ્થ ઈન્સ્યોરન્સે ભારતમાં કેન્સરની સારવાર પાછળ વઘી રહેલા ખર્ચાઓ પર ભાર મૂક્યો હતો. તેના ક્લેમ્સના આંકડાઓ દર્શાવે છે કે, કેન્સરની સારવાર ખૂબ જ લાંબી અને ખર્ચાળ છે. જે દર્દી અને તેના પરિવારજનોને નાણાકીય તાણમાં મૂકે છે.
ક્લેમ્સના વિશ્લેષણ દર્શાવે છે કે, કેન્સરની સારવાર પાછળ થતો ખર્ચ સતત વધી રહ્યો છે. જેમાં વહેલા નિદાન બાદ શરૂ થયેલી સારવાર પાછળ ખર્ચ રૂ. 5થી 7 લાખ સુધી થાય છે, જ્યારે જટિલ અને એડવાન્સ સ્ટેજ પર કેન્સરને ટક્કર આપી રહેલાઓ દર્દીઓની સારવાર પાછળ રૂ. 20થી 30 લાખ સુધીનો ખર્ચ થઈ શકે છે. ઉચ્ચ-જટિલતા અને અદ્યતન કેન્સર રોગની પ્રગતિ, સંભાળની તીવ્રતા, સારવાર પ્રોટોકોલ અને સારવારના સમયગાળાના આધાર પર સારવાર ખર્ચ નિર્ભર છે. આ વર્ષે રજૂ થયેલું કેન્દ્રીય બજેટ આ સંદર્ભમાં છે. જે કેન્સરની સારવારને સસ્તી બનાવવા માટે નવેસરથી ફેરફારો પર કેન્દ્રિત છે. જે દર્દીઓ પર નાણાકીય બોજ ઘટાડવા પર ફોકસ કરે છે.
આ ઉભરતા વલણ અંગે કેર હેલ્થ ઈન્સ્યોરન્સના ચીફ ઓપરેટિંગ ઓફિસર મનિષ ડોડેજાએ જણાવ્યું હતું કે, “કેન્સરની સારવાર માત્ર તબીબી રીતે જટિલ નથી પરંતુ તેની સારવાર ખૂબ લાંબી અને વિવિધ તબક્કાઓમાં વહેંચાયેલી હોય છે. જે ઘણીવાર મહિનાઓથી માંડી વર્ષો સુધી લંબાય છે.”
તારણો દર્શાવે છે કે કેન્સરની સારવારની મુસાફરી લાંબી અને બહુ-તબક્કાવાળી હોય છે, ઘણીવાર ઘણા મહિનાઓ-વર્ષો સુધી લંબાય છે. દર્દીઓ સામાન્ય રીતે સંભાળના વિવિધ તબક્કાઓમાં બહુવિધ ક્લેમ ફાઇલ કરે છે. જેમાં કીમોથેરાપી અને રેડિયોથેરાપી મોટાભાગે ડે-કેર પ્રક્રિયાઓ તરીકે આવરી લેવામાં આવે છે, જ્યારે હોસ્પિટલમાં દાખલ થવાની જરૂરિયાતો સારવારની જટિલતાના આધારે બદલાય છે, જેમાં રોકાણનો સમયગાળો ત્રણ દિવસથી લઈને વીસ દિવસ સુધીનો હોય છે.
વિશ્લેષણ સંકેત આપે છે કે, નાણાકીય બોજો કેન્સરના જુદા-જુદા પ્રકારોના આધારે અલગ-અલગ હોય છે. જેમાં સ્તન કેન્સર, મોઢાનું કેન્સર, સર્વાઈકલ કેન્સર, પ્રોસ્ટેટ કેન્સર અને બ્લડ કેન્સર, યકૃતનું કેન્સર, લિવર કેન્સર સહિત વિવિધ પ્રકારના કેન્સર સંબંધિત ક્લેમ થતા હોય છે, જેમાં ક્લેમની કિંમત પણ અલગ-અલગ હોય છે. વધુમાં કવરેજ મર્યાદાનું ઉલ્લંઘન કરતાં ક્લેમમાં વીમાની રકમ ઘટી જતી હોય છે, જેથી દર્દીના ખિસ્સા પર બોજો વધે છે.
વિવિધ ક્લેમના અનુભવોના અવલોકનના આધારે, હેલ્થ કવરેજની પર્યાપ્તા મહત્ત્વપૂર્ણ તફાવત તરીકે ઉભરી રહી છે. વિશ્લેષણ મુજબ, કેન્સરની વ્યાપક સારવાર માટે ખાસ કરીને એડવાન્સ્ડ સ્ટેજ બીમારી અથવા લાંબા સમય સુધી સારવારના કિસ્સાઓમાં લઘુત્તમ રૂ. 15થી 25 લાખ સુધીનો હેલ્થ ઈન્સ્યોરન્સ જરૂરી છે.
જો કે, હેલ્થ ઈન્સ્યોરન્સમાં વ્યાપક કવરેજ કેન્સરની સારવાર દરમિયાન નડી રહેલો નાણાકીય બોજ ઘટાડવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. ઉચ્ચ વીમા રકમ, નો-ક્લેમ બોનસ લાભો, પેટા-મર્યાદાનો અભાવ, કેશલેસ હેલ્થકેર પ્રોવાઈડર નેટવર્ક, વ્યાપક ઍક્સેસ અને ગંભીર બીમારી માટે વિશિષ્ટ કવર દર્દી અને તેના પરિવારના ખિસ્સા પર બોજ ઘટાડી સારવારની સાતત્યતાને ટેકો આપવામાં નોંધપાત્ર રીતે મદદ કરે છે.
મનિષે વધુમાં ઉમેર્યું હતું કે, “આ સતત અને વિવિધ તબક્કા પર નિર્ભર સારવાર ઘણીવાર દર્દીઓ અને તેમના પરિવારો પર લાંબા ગાળા માટે આર્થિક બોજો વધારે છે. જેમ જેમ સારવારની પદ્ધતિઓ બદલાય છે, અને સમય જતાં વધુ સુલભ સારવાર બને છે. તેમ તેમ ઈન્સ્યોરન્સનું કવરેજ પણ બદલાય છે. જેથી ગ્રાહકોએ સમયાંતરે પોતાના હેલ્થ ઈન્સ્યોરન્સ કવરેજનું પુનઃમૂલ્યાંકન કરવુ જરૂરી છે. જેની મદદથી તેઓ ખાતરી કરી શકે છે કે, તેમણે લીધેલો હેલ્થ ઈન્સ્યોરન્સ સારવાર દરમિયાન પૂરતી નાણાકીય સુરક્ષા પૂરી પાડવા સક્ષમ છે કે નહીં.”
