નડિયાદની કોલેજના વિદ્યાર્થીના આપઘાત મામલે દલિત સમાજમાં રોષ
(પ્રતિનિધિ) નડિયાદ, નડિયાદની દિનશા પટેલ કોલેજમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થી જય પાટીલના આપઘાત મામલે નડિયાદમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. આ ઘટનામાં કોલેજ સ્ટાફ દ્વારા વિદ્યાર્થીને મજબૂર કરવામાં આવ્યો હોવાના આક્ષેપ સાથે દલિત સમાજના આગેવાનોએ ડીએસપી કચેરીએ લેખિત રજૂઆત કરી છે.
સમાજના પ્રતિનિધિઓએ આક્ષેપ કર્યો છે કે સુસાઈડ નોટમાં સ્પષ્ટ કારણો હોવા છતાં પોલીસ દ્વારા જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી નથી.નડિયાદ ડીએસપી કચેરીએ પાઠવવામાં આવેલા પત્રમાં જણાવ્યા અનુસાર, વિદ્યાર્થી જય પાટીલના આપઘાત પાછળ કોલેજ સ્ટાફના કેટલાક વ્યક્તિઓ જવાબદાર છે.
આ મામલે અત્યાર સુધી પોલીસ દ્વારા કોઈ સત્તાવાર નિવેદનો લેવામાં આવ્યા નથી કે ફરિયાદની નકલ અરજદારોને આપવામાં આવી નથી. રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે ૨ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ અખબારોમાં આવેલા અહેવાલો મુજબ આ કેસમાં પોલીસની ભૂમિકા શંકાસ્પદ જણાય છે. પોલીસ દ્વારા પુરાવાઓ હોવા છતાં તપાસમાં શિથિલતા દાખવવામાં આવી રહી હોવાનો રોષ વ્યક્ત કરાયો છે.
દલિત સમાજના આગેવાનોએ આ કેસની તપાસ માટે છ મુખ્ય માંગણીઓ રજૂ કરી છે. જેમાં સમગ્ર મામલાની તપાસ ડીવાયએસપી કક્ષાના અધિકારીને સોંપવા અને અત્યાચાર ધારા (એટ્રોસિટી એક્ટ) હેઠળ ગુનો નોંધવાની માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત, જે પોલીસ કર્મચારીઓએ ખોટા નિવેદનો નોંધ્યા છે તેમની સામે પણ તપાસ કરી તેમને સસ્પેન્ડ કરવાની માંગ ઉઠી છે.
અરજદારોનું કહેવું છે કે રાજકીય દબાણ હેઠળ પોલીસ પ્રશાસન તપાસને ખોટી દિશામાં લઈ જઈ રહ્યું છે, જે ગંભીર બાબત છે.આવેદનપત્રમાં અંતમાં ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે જો આગામી દિવસોમાં આ ન્યાયિક માંગણીઓ સંતોષવામાં નહીં આવે, તો સમગ્ર અનુસૂચિત જાતિ સમાજ દ્વારા ઉગ્ર આંદોલન છેડવામાં આવશે.
આ અંગેની તમામ જવાબદારી વહીવટી તંત્રની રહેશે તેવું પણ પત્રમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે. આ રજૂઆત સમયે વિજયભાઈ માધવભાઈ પાટીલ સહિત સમાજના અન્ય સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
