Western Times News

Gujarati News

કથાકાર પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાએ એન.એફ.એસ.યુ. ખાતે વિદ્યાર્થીઓને સંબોધ્યા

ગુનેગાર સમસ્યા ઊભી કરે ત્યારે એન.એફ.એસ.યુ. જેવી વિશ્વપ્રસિદ્ધ યુનિવર્સિટી તેનું સમાધાન લાવવા સક્ષમઃ પૂજ્ય ભાઈશ્રી

ગાંધીનગર, વિશ્વપ્રસિદ્ધ કથાકાર અને આધ્યાત્મિક માર્ગદર્શક પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાએ નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી, ગાંધીનગરની શુભેચ્છા મુલાકાત લીધી હતી અને વિદ્યાર્થીઓને સંબોધન પણ તા.૨ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ કર્યું હતું.

“પદ્મશ્રી”થી સન્માનિત, એન.એફ.એસ.યુ.ના કુલપતિ, ડૉ. જે.એમ. વ્યાસ દ્વારા પૂજ્ય ભાઈશ્રીનું સ્મૃતિચિહ્ન આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું. પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાએ ફોરેન્સિક ક્ષેત્રે વૈશ્વિક યોગદાન આપનાર “પદ્મશ્રી”થી સન્માનિત, એન.એફ.એસ.યુ.ના કુલપતિ, ડૉ. જે.એમ. વ્યાસને શતાયુ થવાની શુભકામના પાઠવી હતી.

પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, દરેક સમસ્યાનું સમાધાન હોય છે. જ્યારે પણ ગુનેગાર કોઈ સમસ્યા ઊભી કરે છે ત્યારે એન.એફ.એસ.યુ. જેવી વિશ્વપ્રસિદ્ધ યુનિવર્સિટી તેનું સમાધાન લાવવા માટે સક્ષમ છે.

હું વિશ્વપ્રસિદ્ધ નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટીની મુલાકાત લઈને અત્યંત પ્રસન્ન થયો છું કે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહ દ્વારા જે સ્વપ્ન જોવાયું હતું કે ફોરેન્સિક ક્ષેત્રે ભારત અગ્રણી બને તથા અનેક દેશોની ફોરેન્સિક ક્ષમતા-નિર્માણમાં મદદ કરે તે સ્વપ્નને એન.એફ.એસ.યુ.એ ચરિતાર્થ કર્યું છે.

પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાએ અપરાધ શબ્દની વ્યાખ્યા આપતા જણાવ્યું હતું કે જેમાંથી રાધા નીકળી જાય તે અપરાધ. રાધા કોણ? પ્રેમની ધારા. જ્યાં પ્રેમ હશે ત્યાં અપરાધ નહીં થાય. આ પ્રેમ રાષ્ટ્ર માટે પણ હોય, સમાજ માટે પણ હોય, કાર્ય માટે પણ હોય. અહીં ભણતા વિદ્યાર્થીઓ ભાગ્યશાળી છે કારણ કે આ યુનિવર્સિટી વિશ્વવિખ્યાત હોવાની સાથોસાથ પ્રભાવશાળી પણ છે. આ યુનિવર્સિટીના વિવિધ સેન્ટર ઓફ એક્સેલન્સીસની મુલાકાત બાદ એવું લાગે કે હું પણ પુનઃ ભણવા લાગું. એન.એફ.એસ.યુ. સમાજમાં કાયદો અને ન્યાય-વ્યવસ્થા સુદૃઢ રહે તે માટે તો કાર્યરત્ છે. આ યુનિવર્સિટી વિદ્યાર્થીઓને નૈતિક મૂલ્યોનું સિંચન કરીને ભારતના જાગૃત નાગરિક બનાવવાનું કાર્ય પણ કરી રહી છે.
આ પ્રસંગે પ્રો. (ડૉ.) નવીન કુમાર ચૌધરી, કેમ્પસ ડાયરેક્ટર, એન.એફ.એસ.યુ.-ગોવા સહિત વિવિધ સ્કૂલ્સના ડીન અને એસોસિયેટ ડીન પણ ઉપસ્થિત રહ્યા હતા

 

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.