સુરેન્દ્રનગર સબ જેલમાં કેદીઓ વચ્ચે હિંસક અથડામણ થઇ
આ ઘટનાને પગલે જેલ પ્રશાસન અને પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ છે
સુરેન્દ્રનગર, કાયદો અને વ્યવસ્થાના ચુસ્ત અમલના દાવાઓ વચ્ચે સુરેન્દ્રનગરની સબ જેલ ફરી એકવાર વિવાદના વમળમાં ફસાઈ છે. જેલની અંદર કેદીઓના બે જૂથો સામસામે આવી જતાં થયેલી હિંસક અથડામણમાં ત્રણ કેદીઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. આ ઘટનાને પગલે જેલ પ્રશાસન અને પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ છે.
જેલમાં થયેલી આ જૂથ અથડામણમાં યાકુબ પઠાણ, અજીત મકવાણા અને ચેતનસિંહ નામના કેદીઓને શરીરના ભાગે ઇજાઓ પહોંચતા તાત્કાલિક સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઇજાગ્રસ્ત આરોપીઓ રીઢા અને ગંભીર ગુનામાં સંડોવાયેલા હોવાથી, હોસ્પિટલ પરિસરમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પી.આઇ. સહિતનો મોટો કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે. હાલ સિવિલ હોસ્પિટલ જાણે પોલીસ છાવણીમાં ફેરવાઈ ગઈ હોય તેવા દ્રશ્યો સર્જાયા છે.
ગેરકાયદે સવલતો પર રોકઃ જેલમાં તાજેતરમાં કડકાઈ વધારવામાં આવી છે. મોબાઈલ ફોન અને માવા જેવી ગેરકાયદે સુવિધાઓ બંધ કરી દેવાતા કેદીઓમાં છુપો રોષ હતો. બહાર આવવાનો પેંતરોઃ એવી શંકા સેવાઈ રહી છે કે જેલનું વાતાવરણ બગાડવા અને સારવારના બહાને હોસ્પિટલ જવા માટે રીઢા ગુનેગારોએ આ ‘સેલ્ફ-ઇન્જરી’ અથવા પૂર્વનિયોજિત હુમલાનું કાવતરું રચ્યું હોઈ શકે છે.
સુરેન્દ્રનગર સબ જેલની હાલત ‘ક્ષમતા કરતા વધુ બોજ’ જેવી છે. ૧૨૫ કેદીઓની ક્ષમતા સામે હાલ ૩૦૦થી વધુ કેદીઓને રાખવામાં આવ્યા છે. ગીચતાને કારણે કેદીઓ વચ્ચે નાની વાતે ઉગ્ર બોલાચાલી અને ઘર્ષણ થવું હવે સામાન્ય બની ગયું છે, જે જેલ સુરક્ષા સામે મોટો પ્રશ્નાર્થ ચિહ્ન છે. ઘટનાની ગંભીરતાને જોતા જેલ પ્રશાસને હવે કડક વલણ અપનાવ્યું છે.
જેલનું વાતાવરણ બગાડનારા અને હુમલાખોર કેદીઓની યાદી જિલ્લા પોલીસ વડાને સોંપાઈ છે. આ કેદીઓને તાત્કાલિક ધોરણે અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલ અથવા અન્ય સુરક્ષિત જેલોમાં ટ્રાન્સફર કરવાની તજવીજ હાથ ધરાઈ છે. પોલીસે આ મામલે ગુનો નોંધી જેલની અંદર હથિયારો ક્્યાંથી અને કેવી રીતે આવ્યા તે દિશામાં તપાસ તેજ કરી છે.
