Western Times News

Gujarati News

ઠાકોર સમાજે લોકગાયક ગબ્બર અને અર્જુન ઠાકોરને નાત બહાર કર્યા

સમાજના બંધારણના ભંગ બદલ ૩ લોકોને ૧ વર્ષ માટે બહિષ્કૃત કરાયા; સોશિયલ મીડિયા પર ‘અનફોલો’ કરવા અને આર્થિક વ્યવહાર ન રાખવા આદેશ

(એજન્સી) અમદાવાદ, ઉત્તર ગુજરાતમાં લોકપ્રિય એવા ‘લોકગાયક’ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર માટે મુશ્કેલી ઊભી થઈ છે. ડીસા તાલુકાના જાબડીયા ગામે ઠાકોર સમાજના આગેવાનોની એક મહત્વપૂર્ણ બેઠક મળી હતી, જેમાં સમાજના ‘બંધારણ’ નો ભંગ કરવા બદલ કડક નિર્ણય લેવામાં આવ્યો છે.

લગ્ન પ્રસંગે ડીજે વગાડવાના વિવાદમાં સમાજે આ બંને ગાયકો સહિત કુલ ૩ લોકોને એક વર્ષ માટે ‘સમાજ બહાર’ મૂકવાનો આદેશ આપ્યો છે.રવિવારે મળેલી આ હાઈ-વોલ્ટેજ બેઠકમાં સમાજના આગેવાનોએ સર્વાનુમતે નક્કી કર્યું છે કે આ ત્રણેય દોષિતો સાથે કોઈ પણ પ્રકારનો સામાજિક, આર્થિક કે ધંધાકીય વ્યવહાર રાખવામાં આવશે નહીં. આ બહિષ્કારનો સમયગાળો ‘૧ વર્ષ’ રહેશે.

એટલું જ નહીં, સમાજે સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો કોઈ વ્યક્તિ આ દોષિતોને મદદ કરશે કે સાથ-સહકાર આપશે, તો તેમને પણ દોષિત ગણીને દંડ કરવામાં આવશે.આ વખતે સમાજે ભૌતિક બહિષ્કારની સાથે ‘ડિજિટલ સ્ટ્રાઈક’ પણ કરી છે. આગેવાનોએ સમાજના યુવાનોને અપીલ કરી છે કે આ કલાકારોને વિવિધ ‘સોશિયલ મીડિયા’ પ્લેટફોર્મ પરથી પણ તાત્કાલિક અસરથી ‘અનફોલો’કરી દેવામાં આવે, જેથી તેમનો ડિજિટલ પ્રભાવ પણ ઓછો કરી શકાય અને સમાજનો વિરોધ નોંધાવી શકાય.આ સમગ્ર વિવાદના મૂળમાં લગ્ન પ્રસંગે થયેલો ખર્ચ અને નિયમભંગ છે.

આરોપ છે કે આ ગાયકોના પરિવારમાં યોજાયેલા લગ્ન પ્રસંગે ‘વરઘોડા’ માં ડીજે વગાડીને સમાજના નિયમો તોડવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે ૪૨ ગોળ ઠાકોર સમાજના નિયમો મુજબ ખોટો ખર્ચ અટકાવવા માટે ડીજે અને ફટાકડા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.આ નિર્ણય પહેલા ગબ્બર ઠાકોરે મીડિયા સમક્ષ પોતાની સ્પષ્ટતા રજૂ કરી હતી. તેમણે તર્ક આપ્યો હતો કે, “અમે જાનમાં ડીજે લઈ ગયા ન હતા, માત્ર ઘરે વગાડ્યું હતું જેની બંધારણમાં છૂટ છે.”

તેમણે આક્રોશ વ્યક્ત કરતા કહ્યું હતું કે, “જ્યારે ૧૫૦ મકાનો તૂટ્યા ત્યારે કોઈ ન બોલ્યું, અને ‘દારૂ’જેવી બદીઓ સામે લડવાને બદલે માત્ર ડીજેના નામે અમને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે.”બીજી તરફ, અર્જુન ઠાકોરે પણ ભાવુક થઈને પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું હતું કે, “સમાજ અમારા મા-બાપ સમાન છે અને અમે તેની વિરુદ્ધ જઈ શકીએ નહીં. પરંતુ આજે બધે જ લાઈવ ડીજે ચાલે છે, તો માત્ર અમારો જ વાંક કેમ કાઢવામાં આવે છે?”

તેમ છતાં, સમાજે હાલ પૂરતું તેમનું આ વર્તન સાંખી લીધું નથી.હાલ પૂરતું આ ત્રણેય લોકોને સમાજમાંથી અલિપ્ત કરી દેવાયા છે. એક વર્ષ બાદ તેમની વર્તણૂક અને રજૂઆતને ધ્યાને લઈ તાલુકા સમિતિ અને ગ્રામ સમિતિ ગુણદોષના આધારે દંડ કે માફી અંગેનો આખરી નિર્ણય લેશે. આ ઘટનાએ સમગ્ર બનાસકાંઠા પંથકમાં ભારે ચર્ચા જગાવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.