Western Times News

Gujarati News

૧,૬૦૦ ની વસ્તી ધરાવતાં નાંદેડમાં ૧૫,૦૦૦ થી વધુ જન્મ-મરણની એન્ટ્રી

મહારાષ્ટ્રનું આ ગામ હાલ ચર્ચામાંઃ ભ્રષ્ટાચાર કે છબરડાંની તપાસ

યવતમાળ જિલ્લાના સેંદુર, સાની અને ભવાની ગામો અને જલગાંવ જિલ્લાના રતાળે ગામમાં પણ આવા જ શંકાસ્પદ કિસ્સાઓ નોંધાયા છે

નાંદેડ,મહારાષ્ટ્રના નાંદેડ જિલ્લાના ૧૬૦૦ની વસ્તી ધરાવતા એક ગામમાં વર્ષ ૨૦૨૫ દરમિયાન સેન્ટ્રલ સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમ પોર્ટલ પર ૧૫,૦૦૦થી વધુ જન્મ અને મરણની એન્ટ્રીઓ જોવા મળી છે. આ ઘટનાને પગલે વિગતવાર તપાસની માંગ કરવામાં આવી છે. હાલ આ ગામ ચર્ચાને પાત્ર છે. આ ભ્રષ્ટાચાર છે કે છબરડાં તેની ચકાસણી કરવામાં આવી રહી છે.

કંધાર તાલુકાના સાવલેશ્વર ગામમાં ૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ ૧,૬૬૬ની વસ્તી હોવા છતાં, વર્ષ ૨૦૨૫માં ‘એડ ઓલ્ડ ઇવેન્ટ’ (જૂની ઘટના ઉમેરો) શ્રેણી હેઠળ ૧૫,૫૭૦ વિલંબિત જન્મ અને મરણની નોંધણી કરવામાં આવી હતી, તેમ ગ્રામ સેવિકા ભાવના કાવળેએ ગુરુવારે જણાવ્યું હતું.કાવળેએ વધુમાં ઉમેર્યું હતું કે, “મેં તહસીલદારના આદેશ પર માત્ર એક જ જન્મની નોંધણી કરી છે. બાકીની એન્ટ્રીઓ શંકાસ્પદ જણાય છે.

આ અંગે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી રહી છે અને તપાસ ચાલી રહી છે.”દિવસ દરમિયાન નાંદેડની મુલાકાતે આવેલા પૂર્વ સાંસદ કિરીટ સોમૈયાએ જણાવ્યું હતું કે આ એક “નવું કૌભાંડ” છે અને વેબસાઇટ હેક થઈ હોવાની શક્યતા છે. “આ પ્રકારની છેતરપિંડી ઉત્તર પ્રદેશના છ અને મહારાષ્ટ્રના ચાર સ્થળોએ જોવા મળી છે. છ મહિનાની અંદર ૬,૦૦૦થી ૨૫,૦૦૦ જેટલા પ્રમાણપત્રો જારી કરવામાં આવ્યા હતા, જે સ્થાનિક વસ્તી કરતા ઘણા વધારે છે.

આમાં ઉત્તર પ્રદેશ અને બિહારની કોઈ મોટી ગેંગ સામેલ હોઈ શકે છે. આની વ્યાપક તપાસ થવી જોઈએ’ તેમ તેમણે ઉમેર્યું હતું.અધિકારીઓએ જણાવ્યું હતું કે યવતમાળ જિલ્લાના સેંદુર, સાની અને ભવાની ગામો અને જલગાંવ જિલ્લાના રતાળે ગામમાં પણ આવા જ શંકાસ્પદ કિસ્સાઓ નોંધાયા છે, જેનાથી કોઈ મોટા નેટવર્કની આશંકા ઉભી થઈ છે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.