Western Times News

Gujarati News

પ્રાંતિજના સાદોલીયા ખાતે ‘પતિ-પત્ની ઓર વો’ના કિસ્સામાં દિયરનું કાસળ કઢાયું

પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી

લગ્ન કરવા સારૂ છોકરી બતાવવાનુ કહીને ઇકો કારમાં બેસાડી ગળે ટુપો આપી મોતને ઘાટ ઉતાર્યો

પ્રાતિંજ,પ્રાંતિજ તાલુકાના સાદોલિયા ગામની પરિણીતાએ પ્રેમમાં આડખીલીરૂપ બનેલા દિયરનું પોતાના પ્રેમી સાથે મળીને કાસળ કાઢી
નાખ્યું હતું. પરિણીતાએ પોતાના પ્રેમી સાથે મળી દિયરની હત્યા માટે રૂ. બે લાખની સોપારી આપી હતી. જેને પગલે આરોપીઓએ મૃતકને લગ્ન માટે છોકરી બતાવવા જવાનું કહી ઇકોમાં બેસાડી ગળે ટૂંપો આપી પ્રાંતિજના કાલીપુરાથી લવારી ગામ તરફ જતા રોડ ઉપર જેટકો કંપનીની દીવાલ પાસે નાંખી દીધી હતી.

આ અંગે પ્રાંતિજ પોલીસે તપાસ હાથ ધરી ગણતરીના કલાકોમાં ૩ આરોપીને ઝડપી જેલ ભેગા કર્યા હતા. પ્રાંતિજ પોલીસ સ્ટેશન ઉપરથી મળતી માહિતી મુજબ, સાદોલીયા ખાતે રહેતી કોકિલાબેનને ગામના જ દોલતસિંહ અર્જુનસિંહ મકવાણા સાથે પ્રેમસંબંધ હતો. જોકે, કોકિલાબેનના દિયર વિષ્ણુસિંહને શંકા હોવાથી ભાભી કોકિલાબેન સાથે અવાર નવાર ઝઘડો કરતો હતો. આથી ભાભીએ પ્રેમમાં આડખીલીરૂપ બની રહેલા દિયરને મારી નાખવાનું કાવતરૂ રચી ગામમાં જ રહેતા પ્રેમી દોલતસિંહ મકવાણાને રૂ. બે લાખની સોપારી આપવાની વાત કરી હતી.

આથી વિક્રમસિંહ કાળુસિંહ મકવાણા તથા અનોડીયાના રમેશસિંહ અર્જુનસિંહ રાઠોડનો સંપર્ક કર્યાે હતો. વિક્રમસિંહ મકવાણા તથા રમેશસિંહ રાઠોડે હત્યાનો પ્લાન ઘડી વિષ્ણુસિંહને લગ્ન કરવા સારૂ છોકરી બતાવવાના બહાને રાત્રિના સમયે ઇકોમાં બેસાડી લઈ જઈ ગળે ટૂંપો આપી મારી નાંખ્યો હતો અને તેની લાશ પ્રાંતિજના કાલીપુરાથી લવારી ગામ તરફ જતા રોડ ઉપર જેટકોની દીવાલ પાસે નાંખી દીધી હતી.પોલીસને મૃતદેહ અંગે જાણ થતાં તેઓ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. મૃતકની ઓળખ પ્રાંતિજના સદોલિયા ગામના વિષ્ણુસિંહ નવલસિંહ મકવાણા તરીકે થઈ હતી.

પોલીસે લાશનું પોસ્ટમોર્ટમ કરાવતાં ગળેટુંપો આપીને હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. આ અંગે મૃતકના ભાઈએ પોતાની પત્ની કોકિલાબેન, તેના પ્રેમી તથા અન્ય બે જણા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે કોકિલાબેન ગણપતસિંહ મકવાણા, દોલતસિંહ અર્જુનસિંહ મકવાણા, વિક્રમસિંહ કાળુસિંહ મકવાણા (ત્રણેય રહે.સાદોલીયા) તથા રમેશસિંહ અર્જુનસિંહ રાઠોડ (રહે.અનોડીયા, તા.માણસા, જિ.ગાંધીનગર) વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ પ્રાંતિજ પોલીસ સ્ટેશન ના પીઆઈ એન.આર.ઉમટ દ્વારા હાથ ધરાઈ હતી અને કલાકોમાં જ ત્રણ આરોપીઓને ઝડપી પાડી આગળ ની તપાસ હાથ ધરી છે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.