માત્ર પૂછપરછ કરવા પોલીસ કોઇ વ્યક્તિની ધરપકડ કરી શકે નહીંઃ SC
ધરપકડ કરવાનો પોલીસને કાનૂની અધિકાર, પરંતુ તે ફરજિયાત નથી
પોલીસ અધિકારીએ આવી કવાયત હાથ ધરતા પહેલા પોતાને સવાલ કરવો જોઈએ કે ધરપકડ જરૂરી છે કે નહીં
નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે એક મહત્ત્વપૂર્ણ ચુકાદામાં જણાવ્યું હતું કે પોલીસ માત્ર સવાલ કરવા કે પૂછપરછ કરવા માટે કોઇ વ્યક્તિની ધરપકડ કરી શકે નહીં. ધરપકડ કરવી તે પોલીસની વિવેકાધીન કાનૂની સત્તા છે, પરંતુ તે ફરજિયાત કાર્યવાહી નથી. તપાસ માટે ખૂબ જ જરૂરી હોય ત્યારે ધરપકડ થઈ શકે છે અને પોલીસ તેની સુવિધા માટે આવી કાર્યવાહી કરી શકે નહીં.
પોલીસ અધિકારીએ આવી કવાયત હાથ ધરતા પહેલા પોતાને સવાલ કરવો જોઈએ કે ધરપકડ જરૂરી છે કે નહીં.ન્યાયાધીશ એમ એમ સુંદરેશ અને એન કે સિંહની ખંડપીઠે જણાવ્યું હતું કે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા , ૨૦૨૩ની જોગવાઈઓ હેઠળ ધરપકડની સત્તાનું અર્થઘટન પોલીસ અધિકારી માટે વ્યક્તિગત સુવિધા તરીકે નહીં, પરંતુ આવશ્યકતા તરીકે કરવું જોઇએ.ખંડપીઠે જણાવ્યું હતું કે પોલીસ અધિકારી ફક્ત પ્રશ્નો પૂછવા માટે ધરપકડ કરી શકે નહીં.
સાત વર્ષ સુધીના સજાપાત્ર કોઇ ગુનામા સંબંધિત વ્યક્તિને કસ્ટડીમાં લીધા વગર તપાસ અસરકારક રીતે આગળ વધી શકશે નહીં, તેવો પોતાની જાતને સંતોષ થાય તે પછી પોલીસ સંબંધિત વ્યક્તિની ધરપકડ કરી શકે છે. ખંડપીઠે અલ્હાબાદ હાઇકોર્ટના એક ચુકાદા સામેની અપીલની સુનાવણી કરતા આ આદેશ જારી કર્યાે હતો.
સર્વાેચ્ચ અદાલતે જણાવ્યું હતું કે BNSS, ૨૦૨૩ની કલમ ૩૫(૩) હેઠળ જારી કરાયેલ નોટિસ હેઠળ ધરપકડની સત્તા કોઇ રૂટિન બાબત નથી, પરંતુ એક અપવાદ છે. પોલીસ અધિકારીઓ આવી સત્તાની ઉપયોગ કરવામાં સતર્ક અને ધીમી ગતિએ આગળ વધે તેવી અપેક્ષા રાખવામાં આવે છે. ધરપકડ કાનૂની વિવેકાધિન સત્તા છે, જેનાથી પુરાવા એકઠા કરવાના સંદર્ભમાં યોગ્ય તપાસ થઈ શકે. તેથી ધરપકડને ફરજિયાત ગણી શકાય નહીં.ss1
