કરોડોનો ખર્ચ છતાં નવજાત શિશુ-બાળકનો મૃત્યુ દર ઊંચો
આરોગ્ય સુવિધા અને પોષણ પાછળ રાજ્યમાં દર હજાર બાળકોએ જન્મ થયા બાદ મૃત્યુ પામતા નવજાત બાળકોનો દર ૨૦ છે
જ્યારે પાંચ વર્ષ સુધીના બાળકોનો મૃત્યુ દર ૨૩નો છે
ગાંધીનગર , ગુજરાતમાં આરોગ્ય સુવિધાઓ અને પોષણ પાછળ સરકાર દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરાય છે છતાં નવજાત શિશુ અને પાંચ વર્ષ સુધીના બાળકોના મૃત્યુનું પ્રમાણ હજુ ઊંચું છે. રાજ્યમાં દર હજાર બાળકોએ જન્મ થયા બાદ મૃત્યુ પામતા નવજાત બાળકોનો દર ૨૦ છે જ્યારે પાંચ વર્ષ સુધીના બાળકોનો મૃત્યુ દર ૨૩નો છે. ગુજરાત કરતા અનેક રાજ્ય એવા છે જ્યાં આ દર પ્રમાણમાં ઓછો છે. ગુજરાત વિવિધ સુવિધા અને સમૃદ્ધિમાં દેશના મોખરાના રાજ્યમાં ગણાય છે તેમ છતાં બાળકોના મૃત્યુ દરમાં નહિવત્ ઘટાડા દર સરકાર લાવી શકી નથી.
ગર્ભવતી મહિલાઓનું સ્વાસ્થ્ય સારું રહે અને તેમને જે બાળક જન્મે તે પણ તંદુરસ્ત રહે તે માટે કરોડોની યોજનાઓ અમલમાં છે. બાળક આંગણવાડીમાં જતું થાય ત્યાં સુધી તેને સરકાર તરફથી તેને પોષક તત્વો મળે તેવું ભોજન અપાય છે. લોકસભામાં રજિસ્ટ્રાર જનરલ ઓફ ઇન્ડિયાના વર્ષ ૨૦૨૩ના છેલ્લા સેમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમને ટાંકીને આરોગ્ય મંત્રાલયે આપેલી માહિતી મુજબ ગુજરાત સહિત અનેક રાજ્યોએ બાળકોનો મૃત્યુ દર ઘટાડવાના મામલાને ગંભીરતાથી લેવાની જરૂર હોવાના આંકડા રજૂ થયા છે.
જેમાં બાળકનો જન્મ થાય ત્યારે સ્પેશિઆલિસ્ટ તબીબ અને બાળકોને જરૂર પડે ત્યારે નજીકમાં ઉત્તમ તબીબી સારવાર મળી રહે તેની જરૂરિયાતનો પણ સમાવેશ થયો છે. ગુજરાતમાં નવજાત બાળકોનો મૃત્યુ દર ૨૦ જે રાષ્ટ્રીય સરેરાશ ૨૫થી થોડો ઓછો છે જ્યારે પાંચ વર્ષ સુધીના બાળકોનો મૃત્યુ દર ૨૩ છે તે પણ રાષ્ટ્રીય સરેરાશ ૨૯ની નજીક છે. ગુજરાતની સરખામણીમાં નવજાત બાળકોનો ઓછો મૃત્યુ દર હોય તેવા મોટા રાજ્યમાં કેરળમાં ફક્ત ૫ નો મૃત્યુ દર છે. તો ચંદીગઢ, દિલ્હી, સિક્કીમ, પંજાબ, તમિલનાડુ સહિત અનેક એવા રાજ્ય પણ ઓછો મૃત્યુ દર ધરાવે છે.ss1
