દિવા અને જીત અદાણીએ પહેલી મેરેજ એનિવર્સરી દિવ્યાંગ મહિલાઓ સાથે ઉજવી
ડૉ.પ્રીતિ અદાણીએ કહ્યું, જીવનની સુખદ પળોને સમાજ સાથે વહેંચવી સાચી સેવા
અદાણી મંગલ સેવાને એક વર્ષ પૂર્ણ ઃ આ પહેલ અંતર્ગત પ૦૦ લાભાર્થી દિવ્યાંગ મહિલાઓને રૂ.૧૦ લાખની ફિકસ ડિપોઝિટ કરી આપી પ૦ કરોડનું ફંડ ફાળવ્યું
(એજન્સી)અમદાવાદ, સામાજિક પ્રતિબદ્ધતાના સંકલ્પને સેવારૂપ આગળ વધારવાની ભાવના સાથે રચાયેલ અદાણી મંગલ સેવાને એક વર્ષ અને સાથે સાથે દિવા અને જીત અદાણીના વૈવાહિક જીવનના પ્રથમ વર્ષ (મેરેજ એનિવર્સરી)ની ઉજવણી નિમિત્તે અમદાવાદના શાંતિગ્રામ સ્થિત બેલ્વેડેર કલબમાં વિશેષ ઉજવણી કરાઈ હતી. ગૌતમ અદાણીએ ‘એકસ’ (જૂનું ટ્વીટર) પર ટ્વીટ કરીને જીત અને દિવાને હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.
Adani Group Chairperson Gautam Adani’s son and daughter-in-law, Jeet and Diva Adani, complete one year of their married life, by handing over social security of Rs 10 lakh each to 500 disabled married women.

ગત વર્ષે આજ દિવસે મંગલ સેવાનો સંકલ્પ લીધો હતો. અદાણી ફાઉન્ડેશન સંચાલિત અદાણી મંગલ સેવાએ રપથી ૪૦ વર્ષની દિવ્યાંગ મહિલાઓ માટે રચાયેલી એક સામાજિક સુરક્ષા પહેલ છે જે દર વર્ષે પ૦૦ લાભાર્થી મહિલાઓને દીર્ધકાલીન નાણાંકીય સ્થિરતા આપે છે. આ યોજના અંતર્ગત સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા સાથે ભાગીદારીમાં દરેક લાભાર્થીને રૂ.૧૦ લાખની ફિકસ્ડ ડિપોઝિટ આપવામાં આવે છે
જેના દ્વારા માસિક આવક અને ૧૦ વર્ષ બાદ મુખ્ય રકમની સુરક્ષા સુનિશ્ચિત થાય છે. આ પહેલ માટે દર વર્ષે રૂ.પ૦ કરોડનું ભંડોળ ફાળવવામાં આવે છે. અદાણી ફાઉન્ડેશનના અધ્યક્ષા ડૉ.પ્રીતિ અદાણીએ આ પ્રસંગે જણાવ્યું કે, આ માત્ર એક યોજના નહીં પરંતુ માનવીય ગૌરવ, આશા અને સશક્તિકરણની સંવેદનાત્મક પ્રતિબદ્ધતા છે. જીવનના સુખદ પળોને સમાજ સાથે વહેંચવી એ સાચી સેવા છે.
જીત અદાણીએ કહ્યું, મંગલ સેવા તેમના માટે પૂર્ણ થતી પહેલ નહીં પરંતુ લાંબાગાળાની જવાબદારી છે. જે શાંતિ, વિશ્વાસ અને સન્માન સાથે આગળ વધારવાની છે. દિવા અદાણીએ કહ્યું, આ સેવા વિશ્વાસના પાયા પર નિર્મિત છે અને દિવ્યાંગ મહિલાઓને સુરક્ષા અને ગૌરવ સાથે આગળ વધવાની તક આપે છે. આ ઉજવણી પ્રસંગે લાભાર્થીઓને ફિકસ્ડ ડિપોઝિટના પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા તથા બ્લાઈન્ડ પીપલ્સ એસોસિએશન દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા.
