Western Times News

Gujarati News

ચેકડેમ વિવાદમાં અરજી કરનાર ખેડૂતની જમીન પર ઉભેલા પાકમાં જેસીબી ફેરવી દેવાયું

File Photo

ચેકડેમ મુદ્દે ભજપુરામાં તણાવ સરપંચ-તલાટી સામે ગંભીર આક્ષેપ

હિંમતનગર, વડાલી તાલુકાના ભજપુરા ગામની સીમમાં છેલ્લા કેટલાક વખતથી ચેકડેમનું નામોનિશાન મીટાવી દીધુ હોવાના આક્ષેપ બાદ ગામમાં આ મુદ્દે વિવાદ શરૂ થયો છે ત્યારે ગામના મહિલા સરપંચના પતિ દ્વારા ચેકડેમ પૈકીની કેટલીક જમીન પર દબાણ કરવાના આરોપોને લઈને ગામના જાગૃત નાગરિકએ તાજેતરમાં મુખ્યમંત્રી ઓનલાઈન પોર્ટલ પર અરજી કર્યા બાદ મામલો વધુ વણસ્યો છે.

આ અંગેની વિગત એવી છે કે વડાલીના ભજપુરાની સીમમાં ચેકડેમના વિવાદ દરમ્યાન ગામના જાગૃત નાગરિક દીપક દિનેશભાઈ ચૌધરીએ મુખ્યમંત્રીના ઓનલાઈન કાર્યક્રમમાં કરેલી અરજીના અનુસંધાને મહિલા સરપંચના પતિ માનસિક દબાણમાં આવી ગયા હતા ત્યારબાદ તેમણે પંચાયત દ્વારા અરજદાર અને જાગૃત નાગરિક તથા ખેડુત એવા દીપક ચૌધરીએ ચેકડેમ પૈકીની કેટલીક જમીનમાં દબાણ કરીને ઘઉંનું વાવેતર કર્યું હતું.

જોકે આ દબાણ દુર કરવા માટે ભજપુર પંચાયતના અધિકારીઓ અને પદાધિકારીઓેએ અગાઉથી જ પોલીસ બંદોબસ્તની માગ્યો હતો. ત્યારબાદ બુધવારે વડાલી પોલીસ દ્વારા ભજપુરા ગામમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. અને ચેકડેમ પુરાણનો મુદ્દો કોરણે મુકી દેવાયો હતો

ત્યારબાદ આ જાગૃત ખેડુત દીપક ચૌધરીના ખેતરની બાજુમાં કરાયેલા ઘઉંના વાવેતર ઉપરનું દબાણ કોઈ નોટિસ આપ્યા વિના દૂર કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. આ કાર્યવાહીથી ખેડુતોમાં રોષ ફેલાયો હતો.

જે સંદર્ભે અરજદાર દીપકભાઈ પટેલે આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે ચેકડેમ હોવાના કારણે આસપાસના કુવામાં પાણીનું સ્તર ઊંચું આવતું હતું. સર્વે નંબર ૨૬માં આવેલો ચેકડેમ પુરાઈ ગયો હોવાથી મેં મુખ્યમંત્રી ઓનલાઈન અરજી કરી હતી. આ અરજી પાછી ખેંચી લેવા માટે તલાટી અને સરપંચ દ્વારા મને દબાણ કરાતું હતું. જો અરજી પાછી ખેંચવામાં નહીં આવે તો કુવો પુરી દેવાની તથા પાકને નુકસાન કરવાની ધમકી આપી હોવાનો આક્ષેપ સાથે દાવો કર્યો હતો.

નોટિસ આપ્યા વગર અધિકારીઓ આવી તોડફોડ કરી ગયા સર્કલ તલાટી અને સરપંચે ચેકડેમ બાબતની અરજી પાછી ખેંચવા દબાણ કર્યું હતું. અરજી ખેંચવાની ના પાડી હતી જેથી દીપક ચૌધરીને ચાર પ્લોટ આપવાની લાલચ આપવામાં આવી હતી. દરમ્યાન ભજપુરાના યોગેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૨૩માં ચેકડેમ પુરવાની કામગીરી શરૂ થઈ ત્યારે અમે અરજી કરતા થોડા સમય માટે કામ બંધ થયું હતું.

પરંતુ ૨૦૨૬માં ફરીથી આ કામગીરી શરૂ થતા અમે વિરોધ કર્યો હતો અને અમને ચાર પ્લોટ આપવાની વાત કરી અમારી રીતે કામ કરવા દો એમ કહેવામાં આવ્યું. રજુઆત કરવા જતા અમને કુવો પૂરી દેવાની ધમકી આપવામાં આવી. આજ દિવસ સુધી ચેકડેમ ફરી ખુલ્લા કરવામાં આવ્યા નથી અને સરપંચ દ્વારા કરાયેલ દબાણ પણ દૂર કરવામાં આવ્યું નથી.

આ ઘટનાને લઈને ગ્રામજનોમાં અસંતોષ વ્યાપ્યો છે ચેકડેમ જેવો જનહિતનો મુદ્દો હોવા છતાં તેમાં દબાણ ધમકી અને પ્લોટના લાલચની ફરિયાદો સામે આવતાં સમગ્ર મામલે ઉચ્ચ સ્તરીય તપાસની માંગ ઉઠી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.