ત્રણ વાર તલાક બોલવું ભારે પડ્યું-વલસાડમાં પતિને પોલીસે કરાવ્યું કાયદાનું ભાન
વર્ષ ૨૦૧૯મા ત્રિપલ તલાક કાયદો આવ્યો હતોઃ હવે આ કાયદા હેઠળ વલસાડમાં ઐતિહાસિક કાર્યવાહી
વલસાડ, વલસાડ જિલ્લામાં મહિલાઓના સન્માન અને અધિકારની રક્ષા માટે પોલીસે કાયદાનું એક એવું શસ્ત્ર ઉગામ્યું છે, જે અન્યાય કરનારાઓ માટે લાલબત્તી સમાન છે…વર્ષ ૨૦૧૯માં કેન્દ્ર સરકાર દ્વારા અમલી બનાવાયેલા ‘ત્રિપલ તલાક’ વિરોધી કાયદા હેઠળ વલસાડ જિલ્લામાં સૌપ્રથમવાર ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
વલસાડ જિલ્લાના ઈતિહાસમાં પ્રથમવાર કાયદાનું એક એવું શસ્ત્ર ચલાવવામાં આવ્યું છે, જે મહિલાઓના અધિકારો માટે માઈલસ્ટોન સાબિત થશે,,જે પતિ એમ માનતા હતા કે તેઓ ત્રણ વાર તલાક બોલીને પત્નીને તરછોડી દેશે અને બચી જશે, તેમના માટે આ કિસ્સો લાલબત્તી સમાન છે…વલસાડ પોલીસે ૨૦૧૯ના ટ્રિપલ તલાક વિરોધી કાયદા હેઠળ જિલ્લાનો પહેલો ગુનો નોંધીને અત્યાચારી પતિને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે…
શું હતો સમગ્ર મામલો ઃ હુમેરાબેનના નિકાહ ૨૦૧૯માં સુરતના ફરહાદ ખાન સાથે થયા. બે સંતાનો સાથે સંસાર સુખેથી ચાલતો હતો. છેલ્લા ચાર મહિનાથી પતિના મગજમાં શંકાનું ભૂત સવાર થયું. પત્નીના ચરિત્ર પર શંકા કરી ત્રાસ આપવાનું શરૂ કર્યું. કંટાળીને હુમેરાબેન પિયર વલસાડ આવી ગયા. સગા-સંબંધીઓની હાજરીમાં પતિએ પત્નીને અપમાનિત કરી. આવેશમાં આવીને ત્રણ વાર તલાક કહી દીધા.
તેને લાગ્યું કે આ જૂની પદ્ધતિથી છુટકારો મળી જશે, પણ વલસાડ સિટી પોલીસે તેને કાયદાનું ભાન કરાવ્યું. પોલીસે મુસ્લિમ મહિલા લગ્ન અધિકાર અધિનિયમ ૨૦૧૯ હેઠળ ગુનો નોંધી આરોપી ફરહાદની તાત્કાલિક ધરપકડ કરી હતી. વલસાડ જિલ્લામાં આ કાયદા હેઠળ નોંધાયેલો આ પ્રથમ ગુનો છે.
આ કેસ એવા લોકો માટે મોટી ચેતવણી છે જેઓ હજુ પણ સ્ત્રીને પગરખાની ઠોકર સમજે છે..વલસાડ પોલીસે આ કાર્યવાહી દ્વારા સમાજમાં દાખલો બેસાડ્યો છે કે સ્ત્રીના સન્માન અને હક સાથે રમત કરનારને કોઈપણ સંજોગોમાં છોડવામાં આવશે નહીં..
