રશિયાની હોસ્ટેલમાં હુમલોઃ ૪ ભારતીય વિદ્યાર્થીઓ સહિત અનેક લોકો ઘાયલ
મોસ્કો, રશિયામાં ભારતીય એમ્બેસીના જણાવ્યાં મુજબ રશિયાની ઉફા યુનિવર્સિટીમાં શનિવારે રાત્રે ૪ ભારતીય વિદ્યાર્થીઓ સહિત અનેક લોકો પર ચાકૂથી હુમલો કરવામાં આવ્યો. પીટીઆઈના અહેવાલ મુજબ રશિયાના બશ્કોર્તોસ્તાનની એક યુનિવર્સિટીમાં ચાકૂબાજીની આ ઘટનામાં ઓછામાં ઓછા ચાર ભારતીય સહિત ૬ લોકો ઘાયલ થયા છે. જેમાંથી એકની સ્થિતિ ગંભીર હોવાનું કહેવાય છે.
પ્રાથમિક અહેવાલો મુજબ એક સગીર રશિયાના બશ્કોર્તોસ્તાન ગણરાજ્યના ઉફામાં સ્ટેટ મેડિકલ યુનિવર્સિટીની હોસ્ટેલમાં પહોંચી ગયો અને ત્યાં રહેતા વિદ્યાર્થીઓ પર હુમલો કર્યો જેમાં અનેકને ચાકૂના ઘા ઝીંક્યા.
એક અહેવાલ મુજબ અહીંના ગૃહ મંત્રાલયના પ્રવક્તા મેજર જનરલ ઈરિના વોલ્કેને ટાંકીને કહેવાયું છે કે હુમલાખોરે ધરપકડનો વિરોધ કર્યો અને આ દરમિયાન બે પોલીસકર્મીઓને પણ ચાકૂ વાગ્યું. આ ઉપરાંત શંકાસ્પદ સગીરે પોતાની જાતને પણ નુકસાન પહોંચાડ્યું.
ભારતીય દૂતાવાસના જણાવ્યાં મુજબ ચાર ભારતીય વિદ્યાર્થીઓ સહિત કેટલાક લોકો ઘાયલ થયા છે. દૂતાવાસે કહ્યું કે તેઓ સ્થાનિક અધિકારીઓના સંપર્કમાં છે અને કઝાન સ્થિત વાણિજ્ય દૂતાવાસના અધિકારીઓ ઘાયલ વિદ્યાર્થીઓની મદદ માટે ઉફા રવાના થયા છે. રશિયાના ફેડરલ સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ હુમલામાં ઘાયલ ચાર લોકોને તબીબી સારવાર અપાઈ રહી છે. જેમાંથી એકની સ્થિતિ ગંભીર છે જ્યારે ૩ની સ્થિતિ જોખમ બહાર છે.
મોસ્કોથી લગભગ ૧૨૦૦ કિમી દૂર આવેલા બશ્કોર્તોસ્તાન રિપબ્લિકની રાજધાની ઉફામાં આ ઘટનાની ઉચ્ચ સ્તરે તપાસ શરૂ કરાઈ છે. બાજા ટેલિગ્રામ ચેનલ મુજબ હુમલાખોરની ઓળખ ૧૫ વર્ષના એક કિશોર તરીકે થઈ છે. આ કિશોરે ચાકૂબાજી કેમ કરી અને તેને કોની સાથે શું વાંકુ પડ્યું હતું તે અંગે હજુ કોઈ માહિતી સામે આવી નથી. જો કે બાજા ચેનલે એવો દાવો કર્યો કે હુમલાખોર એક પ્રતિબંધિત નવ નાઝી સંગઠન સાથે જોડાયેલો હતો.
