Western Times News

Gujarati News

PM મોદીએ કહ્યું- આતંકવાદ મુદ્દે બેવડું વલણ નહીં ચાલે

File

ભારત-મલેશિયા વચ્ચે AI સહિત ૬ કરારો પર મહોર

નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ મલેશિયાના પ્રવાસે છે. રવિવારે (આઠમી ફેબ્રુઆરી) તેમણે મલેશિયાના વડાપ્રધાન અનવર ઇબ્રાહિમ સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. આ બેઠકમાં બંને દેશોએ વેપાર, સુરક્ષા અને ટેકનોલોજી સહિતના અનેક ક્ષેત્રોમાં સહયોગ વધારવા માટે મહત્ત્વના કરારો પર હસ્તાક્ષર કર્યા છે.

પીએમ મોદીએ આ મુલાકાતને ભારત-મલેશિયા સંબંધો માટે એક નવી ઊંચાઈ ગણાવી છે. સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં પીએમ મોદીએ જણાવ્યું કે, બંને દેશો વચ્ચે આર્થિક અને ડિજિટલ ભાગીદારી મજબૂત કરવા પર સહમતી બની છે. સેમિકન્ડક્ટર, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, ડિજિટલ ટેકનોલોજી અને બાયોટેકનોલોજીમાં સાથે મળીને કામ કરવા નિર્ણય લેવાયો છે.

મલેશિયામાં વસતા ભારતીયોની સુવિધા માટે ભારત ત્યાં એક નવું કોન્સ્યુલેટ (દૂતાવાસની કચેરી) ખોલશે. આ ઉપરાંત મલેશિયામાં હવે ભારતીય પર્યટકો માટે UPI ડિજિટલ ઇન્ટરફેસ ઉપલબ્ધ થશે, જે નાણાકીય વ્યવહારને અત્યંત સરળ બનાવશે.  મલેશિયામાં વસતા ૩૦ લાખથી વધુ ભારતીય ડાયસ્પોરાને પીએમ મોદીએ મોટી તાકાત ગણાવી હતી. નાગરિકોની સુવિધા માટે મહત્ત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે.

જેમ કે, બંને દેશો વચ્ચે પ્રવાસન વધારવા માટે મફત ઈ-વીઝાની સુવિધા. મલેશિયામાં કામ કરતા ભારતીય શ્રમિકોના રક્ષણ માટે સામાજિક સુરક્ષા કરાર કરવામાં આવ્યો છે. યુનિવર્સિટી એક્સચેન્જ અને સ્ટાર્ટઅપ કનેક્ટ દ્વારા યુવાનો માટે નવી તકો ઊભી કરવામાં આવશે.

પીએમ મોદીએ મલેશિયાને છજીઈછદ્ગના સફળ અધ્યક્ષપદ બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે, ઇન્ડો-પેસિફિક ક્ષેત્ર આજે વિશ્વના વિકાસ એન્જિન તરીકે ઉભરી રહ્યું છે અને ભારત-મલેશિયા સાથે મળીને આ ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા માટે કામ કરશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મલેશિયાના વડાપ્રધાન અનવર ઈબ્રાહિમની હાજરીમાં ભારત અને મલેશિયા વચ્ચે છ મહત્વના કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. કુઆલાલંપુરમાં યોજાયેલી આ દ્વિપક્ષીય મંત્રણા દરમિયાન બંને દેશોએ સાંસ્કૃતિક, આર્થિક અને વ્યૂહાત્મક સહયોગને વધુ ગાઢ બનાવવા સંમતિ દર્શાવી હતી.

વડાપ્રધાન મોદીની બે દિવસીય મલેશિયા મુલાકાત દરમિયાન બંને નેતાઓ વચ્ચે વિસ્તૃત ચર્ચા થઈ હતી. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ મુલાકાત ભારત-મલેશિયાની વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવાની દિશામાં એક મહત્વનું સીમાચિહ્ન સાબિત થશે.

વાતચીતમાં વેપાર, રોકાણ, સેમિકન્ડક્ટર, સંરક્ષણ, સુરક્ષા, દરિયાઈ સહયોગ, ઉર્જા, નવીનીકરણીય સંસાધનો, પ્રવાસન, સાંસ્કૃતિક આદાન-પ્રદાન, ડિજિટલ અને નવી ટેકનોલોજી જેવા અનેક ક્ષેત્રો પર ચર્ચા કરવામાં આવી હતી. બંને નેતાઓએ પરંપરાગત અને ઉભરતા ક્ષેત્રોમાં સહયોગ વધારવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.